Abtak Media Google News

જ્યાં ખુલે આમ પરીક્ષા ચોરી થાય છે તેવા કેન્દ્રોને બ્લેકલિસ્ટ કરવા 27મીની સિન્ડિકેટમાં થશે નિર્ણય

ગ્રામ્યકક્ષાના પરીક્ષા કેન્દ્રોમાં ચોરી થતી હોવાનું આવ્યું સામે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ બીજા તબક્કાની પરીક્ષા ચાલી રહી છે ત્યારે આ પરીક્ષામાં જે કોલેજ વિદ્યાર્થીઓને ખુલ્લેઆમ ચોરી કરવાની છૂટ આપે છે તેવા પરીક્ષા કેન્દ્રને બ્લેક લિસ્ટ કરવાનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ નક્કી કર્યું છે. આવી કોલેજોને બ્લેક લિસ્ટ કરવાની સાથે આકરો દંડ પણ ફટકારવામાં આવશે. પરીક્ષામાં ચોરી થાય છે તે જિલ્લાનાં નામ જાહેર થયા છે પરંતુ કોલેજનાં નામ હજુ સુધી જાહેર થયા નથી. બ્લેક લિસ્ટ થયેલી કોલેજ પર ત્રીજી ટર્મમાં પરીક્ષા ન યોજવાનો કડક નિર્ણય પણ યુનિવર્સિટીનાં સત્તાધીશોએ દ્વારા કરવામાં આવ્યો છે. જોકે આના પરથી એક બાબત સાબિત થઈ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન એવા પણ પરીક્ષા કેન્દ્રો છે જ્યાં ખુલ્લેઆમ ચોરી થાય છે પણ અત્યારસુધી તે કોલેજ સામે કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રથમ તબક્કામાં 51 હજાર અને બીજા તબક્કામાં 71 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.ત્યારે આ બને તબક્કાની પરીક્ષામાં ગ્રામ્યકક્ષાના કેટલાક કેન્દ્રો આવા હતા કે જ્યાં ખુલ્લે આમ પરીક્ષા ચોરી થઈ રઇ છે.ત્યારે આવા કુખ્યાત 8 જેટલા પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા ન યોજવાનો નિર્ણય લેવામાં આવશે જો કે કયા પરીક્ષા કેન્દ્રને બ્લેકલિસ્ટ કરાયા છે તેનું લિસ્ટ થોડા દિવસમાં જાહેર થશે અને તેનો આખરી નિર્ણય 27મીની સિન્ડિકેટમાં લેવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં પરીક્ષા વિભાગનાં બિલ્ડીંગમાં સી.સી.ટી.વી. કંટ્રોલ રૂમ સ્થિત છે. જ્યાં યુનિવર્સિટી સંલગ્ન તમામ પરીક્ષા કેન્દ્રનું મિનિટરિંગ થઈ રહ્યું હોવાના બણગાં ફૂંકવામાં આવ્યા છે. પરંતુ હકીકત એ છે કે કંટ્રોલ રૂમમાં સંવેદનશીલ પરીક્ષા કેન્દ્ર કે જ્યાં ખુલ્લેઆમ પરીક્ષા ચોરી થતી હોવાનું જગજાહેર છે તેવા પરીક્ષા કેન્દ્રનાં સી.સી.ટી.વી. જ બંધ રાખવામાં આવે છે. જેથી પરીક્ષા ચોરી થતી હોવા છતાં કોપિકેસ નોંધાતા નથી. પોલિટિકલ બેકગ્રાઉન્ડ ધરાવતી અથવા તો સત્તાધીશોનાં સગાની કોલેજોમાં જ પરીક્ષા ચોરીનું દૂષણ ઘૂસી ગયું હોવાનો ખુલાસો થયો છે ત્યારે આવી કોલેજોની માન્યતા તાત્કાલિક રદ કરવામાં આવે તો જ પરીક્ષા શુધ્ધિકરણ થઈ શકે તેમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.