Abtak Media Google News

વિદ્યાર્થીઓને માર્ક ઓછા કેમ આવ્યા કહી બેફામ માર મારતા સિવિલમાં સારવાર અપાઈ

હળવદની સરદાર પટેલ વિદ્યાલયની હોસ્ટેલમાં રહેતા અનેક કિશોર અને કિશોરીઓને માર્ક ઓછા કેમ આવ્યા કહી ગૃહપતિએ બેફામ માર મારતા ત્રણ કિશોરને ગંભીર ઇજાઓ સાથે સિવિલમાં ખસેડવામાં આવતા સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કર્યાનું જાણવા મળ્યું છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી જિલ્લાના હળવદ ખાતે આવેલ સરદાર પટેલ વિધાયલની હોસ્ટેલમાં રહીને ભણતા અનેક વિદ્યાર્થીઓને હોસ્ટેલના ગૃહપતિએ ત્રણેક દિવસ પહેલા પરીક્ષામાં ઓછા માર્ક શા માટે આવ્યા તેવું કહી બેફામ માર માર્યો હતો જે ઘટનાની જાણ વાલીઓને થતા વાલીઓમાં રોષ ફેલાયો હતો પરંતુ વગદાર સંચાલકોએ મામલાને શામ, દામ, દંડ અને ભેદની નીતિથી દબાવવા પ્રયાસ કરી ત્રણ દિવસ સુધી વાલીઓને ધમકાવ્યા હતા પરંતુ આ વિદ્યાર્થીઓ પૈકી રાજુ માકાસણા ઉ.૧૪, ચિરાગ ચડાસણીયા ઉ.૧૪ અને કેવલ ચડાસણીયા ઉ.૧૪ ને મારના કારણે અસહ્ય દુખાવો થતા ત્રણેયના વાલીઓએ હિંમત દાખવી હતી અને સારવાર માટે હળવદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ઉલ્લેખનીય છે કે સરદાર પટેલ વિદ્યાલયમાં બનેલી આ ઘટનામાં વિદ્યાર્થીઓને બેફામ હદે માર મારવામાં આવતા પોલીસની થર્ડ ડીગ્રી બાદ ગુન્હેગરોને જે રીતે લીલા ચકામાં ઉપાડે તેવા ચકામાં આ વિદ્યાર્થીઓને ઉપડી ગયા છે.

દરમિયાન રાજકીય વગદાર લોકો આ સરદાર પટેલ વિદ્યાલયમાં ભાગીદાર હોવાથી સંચાલકો દ્વારા અમારું કોઈ કાઈ બગડી નહીં લે તેવી ધમકીઓ પણ વાલીઓને આપવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

જો કે શાળા સંચાલકોની વગ ની પરવા કર્યા વગર ગૃહપતિએ માર મારવાને પગલે ઇજાગ્રસ્ત થયેલા ત્રણેય કિશોરને હળવદ સિવિલમાં સારવાર આપવામાં આવી હતી અને વાલીઓ ઇજાગ્રસ્ત બાળકોને લઇને હળવદ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.

વધુમાં આ ચોકવનારી ઘટનાનું તથ્ય જાણવા હળવદ ઇન્ચાર્જ પીઆઇ વાઢીયાએ વાલીઓ અને બાળકોને સાથે લઈ શાળામાં તપાસ માટે દોડી ગયા હોવાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.