Abtak Media Google News

હોટલ અને વાહનનું સઘન ચેકિંગ: દેશી અને વિદેશી દારૂના દરોડા પાડયા: બીનજામીન પાત્ર વોરન્ટની બજવણીની કામગીરી

શહેરમાં વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય અને મતદારો નિર્ભય રીતે મતદાન કરી શકે તે માટે છેલ્લા એક માસથી સમગ્ર શહેરની પોલીસ એકશનમાં આવી ગઇ છે. પોલીસે હોટલ,ગેસ્ટ હાઉસ અને વાહન ચેકીંગ સઘન બનાવ્યું છે. તેમજ દેશી અને વિદેશી દારૂ અંગે દરોડા પાડી બુટલેગરો પર ધોસ બોલાવવાનું શરૂ કર્યુ છે. તેમજ બીન જામીનપાત્ર વોરન્ટની બજવણી કરી છે. શહેરના સંવેદનશીલ વિસ્તારમાં પેરામીલ્ટ્રી ફોર્સ દ્વારા ફલેગ માર્ચ કરાવી લોકોનો ડર દુર કરવા પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌત, જોઇન્ટ પોલીસ કમિશનર ડી.એસ.ભટ્ટ, ડીસીપી કરણરાજ વાઘેલા, બલરાજ મીણા અને ક્રાઇમ બ્રાન્ચ એસીપી જયદીપસિંહ સરવૈયાના માર્ગ દર્શન હેઠળ સમગ્ર શહેરમાં ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે સમગ્ર શહેરની ૮૦ જેટલી હોટલ અને ૧૨ ગેસ્ટ હાઉસ પર ચેકીંગ કરવામાં આવ્યું હતું. હોટલ અને ગેસ્ટ હાઉસમાંથી ૫૯ જેટલા હીસ્ટ્રીશીસ્ટર તેમજ ૨૨ જેટલા માથાભારે શખ્સો મળી આવતા તેઓ સામે અટકાયતી પગલા લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ શહેરના એન્ટ્રી પોઇન્ટ પર વાહન ચેકીંગ કરવામાં આવ્યું છે. ૫,૭૧૫ જેટલા વાહન ચેક કરી વાહન ચાલકો પાસેથી રૂ.૨.૩૧ લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

શહેરમાં પરવાનેદારોને પોતાના હથિયાર પોલીસ મથકમાં જમા કરાવવાના આદેશના પગલે તમામ પોલીસ મથકમાં કુલ ૧૮૬ જેટલા હથિયાર જમા થયા છે. તે પૈકી ૨૫ના હથિયાર લાયસન્સ રદ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત કોર્ટ દ્વારા બીન જામીન લાયક વોરન્ટ કાઢવામાં આવ્યું હોય અને પોલીસ પકડથી દુર એવા ૩૧૪ શખ્સોના વોરન્ટની બજવણી કરી કોર્ટ હવાલે કરવામાં આવ્યા છે. તેમજ ગુનો કરવાની ટેવ ધરાવતા ૧૫૮૬ જેટલા શખ્સોના મામલતદાર સમક્ષ જામીન લેવડાવ્યા છે. આઠ જેટલા અસામાજીક અને બુટલેગરને શહેરમાંથી તડીપાર કર્યા છે. તેમજ સાત શખ્સોની પાસા હેઠળ અટકાયત કરી જેલ હવાલે કરવામાં આવ્યા છે.

પોલીસે બુટલેગરો પર ધોસ બોલાવી છેલ્લા એક માસમાં ૫૨ જેટલા સ્થળે દેશી અને વિદેશી દારૂ અંગે દરોડા પાડી જેમાં વિદેશી દારૂ અંગે ૧૩ કેસ કરી ૩.૪૨ લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડી ૧૧ વાહન કબ્જે કર્યા છે. ૭૮૯ લિટર દેશી દા‚ કબ્જે કર્યો છે.

શહેરના સંવેદનશીલ વિસ્તાર જંગલેશ્ર્વર, પોપટપરા, કુબલીયાપરા, ગંજીવાડા, દુધની ડેરી, કિટીપરા, આંબેડકરનગર, રૈયાધાર, ભીસ્તીવાડ, બજરંવાડી, ભીમરાવનગર, ભીલવાસ, થોરાળા, ભગવતીપરા, ચામડીયા ખાટકીવાસ, ઢેબર કોલોની ઝુંપડપટ્ટી, લોહાનગર, રામનાથપરા, ભારતનગર, છોટુનગર ઝુપડપટ્ટી, કોઠારિયા સોલવન્ટ અને રસુલપરા સહિત ૨૦ સ્થળે પેરામીલ્ટ્રી ફોર્સને સાથે રાખી ફલેગ માર્ચ કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.