Abtak Media Google News

જયાં સુધી જુનુ મેનુ અમલમાં નહીં મુકાય ત્યાં સુધી કેન્દ્રો બંધ રાખવાની કર્મચારી મંડળની ચિમકી

મધ્યાહન ભોજન યોજનામાં નવા મેનુ સામે ઘણા સમયથી સંચાલકો અને કર્મચારીઓમાં વિરોધ જોવા મળી રહયો હતો ત્યારે આજે ઓલ ગુજરાત રાજય મધ્યાહન ભોજન યોજના કર્મચારી મંડળે નવા મેનુના અમલના વિરોધમાં મધ્યાહન ભોજન યોજના કમિશનર, ગાંધીનગરને આવેદન પાઠવ્યું હતું. આવેદનમાં સંચાલકોએ ગરૂવારથી હડતાલ પર ઉતરવાનું જણાવ્યું હતું.મધ્યાહન ભોજન યોજનામાં નવા મેનુ આવ્યા બાદ કર્મચારીઓ અને સંચાલકોમાં વિરોધ વંટોળ ફૂંકાયો છે. આ અંગે અનેક રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા આ અમલને કાયમી રખાતા અંતે ઓલ ગુજરાત રાજય મધ્યાહન ભોજન યોજના કર્મચારી મંડળે મ.ભો.યો. કમિશનરને આવેદન પાઠવ્યું હતું. આવેદનમાં સંચાલકો અને કર્મચારીઓએ નવા મેનુને રદ્દ કરી જૂના મેનુને અમલમાં લાવવાની માંગ કરી હતી. જો સરકાર આ માંગ નહીં સંતોષે તો સંચાલકોએ ગુરૂવારથી હડતાલ પાડવાની ચિમકી ઉચ્ચારી છે. જયાં સુધી જૂના મેનુનું અમલીકરણ કરાવવામાં નહીં આવે ત્યાં સુધી મધ્યાહન ભોજન કેન્દ્રો બંધ રખાશે.આવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે, જો નવા મેનુનો અમલ કરવો જ હોય તો કર્મચારીઓના વેતનમાં વધારો પણ કરવો પડશે. ઉપરાંત જરૂરી સાધન સામગ્રી પણ ઉપલબ્ધ કરાવવી પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.