Abtak Media Google News

સાહિત્ય સપ્તાહની ઓનલાઈન ઉજવણી

સૌરાષ્ટ્રના સાહિત્ય સંવાદ વિષયક કાર્યક્રમમાં નરોત્તમ પલાણ, માલા કાપડીયા, પ્રફુલ દવે, નિરંજન રાજયગુરૂ , કુંદન વ્યાસ, ડો. અંશુ જોષી, વિષ્ણુ પંડયા, અભિમન્યુ મોદી, નીતા સોજીત્રા સંવાદ કરશે

ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી ગૌરવ પ્રતિષ્ઠાનના સંયુક્ત ઉપક્રમે ઓનલાઇન સાહિત્યિક સપ્તાહ ઉજવવામાં આવી રહ્યું છે. આ રવિવારથી સોશ્યલ મીડિયામાં ચાલુ થયેલા કાર્યક્રમનું શીર્ષક છે- સૌરાષ્ટ્રનો સાહિત્ય સંવાદ. એક અઠવાડિયા લાંબા આ કાર્યક્રમમાં દરરોજ રાતે સાડા નવ વાગે ગુજરાતના એક પ્રતિષ્ઠિત સાહિત્યકાર કે કલાકાર સાથે જુદા જુદા વિષયો ઉપર વાત કરવાની થશે. જેનું લાઈવ પ્રસારણ ફેસબુક પર કરવામાં આવે છે.

ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરતી અને વિશ્વભરમાં વસતા ગુજરાતીઓની પ્રતિભાને સમાન મંચ આપવાના ઉદ્દેશથી કાર્યરત રહેતી ગુજરાતી ગૌરવ પ્રતિષ્ઠાનને ગુજરાત સાહિત્ય અકાદમી જેવી માતબર સંસ્થાનો સંપૂર્ણ સહયોગ સાંપડ્યો અને અઢાર જુલાઈ સુધી સૌરાષ્ટ્રનો સાહિત્ય સંવાદનું આયોજન થયું. જેમાં પુરાતત્વવિદ શ્રી નરોત્તમ પલાણ, લેખિકા માલા કાપડિયા, સુપ્રસિદ્ધ લોકગાયક પ્રફુલ દવે, અલગારી કવિ  નિરંજન રાજ્યગુરુ, વરિષ્ઠ પત્રકાર કુંદન વ્યાસ, ડો. અંશુ જોશી અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ   વિષ્ણુ પંડ્યા રસપ્રદ વિષયો ઉપર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના માધ્યમ થકી ગુજરાતીઓ સાથે સંવાદ કરશે. તેમની સાથે સંવાદમાં જોડાશે લેખક અને વક્તા અભિમન્યુ મોદી તથા નીતા સોજીત્રા. આ ઓનલાઇન સાહિત્યિક સંવાદમાં સૌરાષ્ટ્રનો લોકમિજાજ, સુરેશ જોશી, નાથપંથી ભજનગાનની મહત્તા, પત્રકારત્વના પ્રવાહો, સંગીત-સાધના જેવા વિવિધ વિષયો ઉપર મહાનુભાવો સાથે નીતા સોજીત્રા અને અભિમન્યુ મોદી ફેસબુકની તેની વોલ ઉપર સંવાદ કરશે.

ગુજરાતી ગૌરવ પ્રતિષ્ઠાનની ટીમના નિલેશ પટેલ, જેઠાભાઈ ઓડેદરા, સ્નેહલ તન્ના અને હેતલ શાહનો ઓનલાઇન કાર્યક્રમમાં સહકાર મળ્યો છે. ફેસબુકની બહુ જાણીતું ગઝલ્સ ગ્રુપ અને તેને સાંભળનારા કુણાલ દામોદરા અને જયેશ રાષ્ટ્રકુટ આ ઓનલાઇન કાર્યક્રમના ડિજિટલ મીડિયા પાર્ટનર છે. સૌરાષ્ટ્રનો સાહિત્ય સંવાદના કાર્યક્રમની વિગતો વિશે ગુજરાતી ગૌરવ પ્રતિષ્ઠાનના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના પેજ પરથી માહિતી મળી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.