Abtak Media Google News

સાત વર્ષમાં ૧૦૧ બોર ખોદાયા જેમાં ૪૪ નિષ્ફળ, ૪૮ લાખનો ખર્ચ પાણીમાં

જામનગર જિલ્લામાં પાણીની મોકાણ વચ્ચે ૪૦૭ હેન્ડપંપ બંધ હોવાથી લોકોની મુશ્કેલી બેવડાઇ છે.આ સ્થિતિમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા કેટલા બોર બંધ અને કેટલા ચાલુ છે તેનો સર્વે બે વર્ષથી કરવામાં ન આવતા અનેક સવાલ ઉઠયા છે.નવાઇની વાત એ છે કે,૬ તાલુકા વચ્ચે હેન્ડપંપ રીપેરીંગ માટે ફકત બે ટીમ કાર્યરત છે.૪ મહીનામાં જિલ્લામાં ૫૩૯ હેન્ડપંપ રીપેર કરવામાં આવ્યા છે. જિલ્લામાં પથરાળ જમીન અને વરસાદના અભાવે તળમાં પાણી ઉંડા ઉતરતા ૪૦ ટકા બોર નિષ્ફળ એટલે કે પાણી ન મળતું હોવાનું પા.પુ.બોર્ડના અધિકારીઓએ જણાવ્યું છે.

જામનગર જિલ્લામાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા તાલુકાઓમાં લોકમાંગણી અને જરૂરિયાત મુજબ બોર કરી હેન્ડપંપ ફીટ કરવામાં આવે છે.ગત વર્ષે જિલ્લામાં અપૂરતો વરસાદ થવાને કારણે મોટા ભાગના જળાશયો શિયાળામાં તળિયા ઝાટક થયા છે.જયારે ચાલુ વર્ષે વિધિવત ચોમાસાને એક મહીનો થવા છતાં હજુ મેઘરાજા મન મૂકીને ન વરસતા જિલ્લાભરમાં પાણીની મોકાણ પ્રર્વતી રહી છે.આથી ગ્રામ્ય વિસ્તાર ટેન્કર અને હેન્ડ પંપ ભરોસે છે.પાણીની તંગી વચ્ચે જિલ્લામાં ૪૦૭ હેન્ડપંપ બંધ હાલતમાં હોય પાણી માટે લોકોને રઝળપાટ કરવાની નોબત આવી છે.

 જામનગર જિલ્લામાં કુલ ૩૭૯૮ હેન્ડ પંપ ફીટ કરવામાં આવ્યા છે.જેમાં ૨૨ જુલાઇની સ્થિતિએ ૪૦૭ હેન્ડ પંપ બંધ છે.લોકોની ફરિયાદ મળતાં હેન્ડ પંપ રીપેર કરવામાં આવે છે.ટેકનીકલ સ્ટાફના અભાવે રીપેરીંગ સહીતની કામગીરીમાં અવરોધ આવી રહ્યો છે.ઉપરાંત જિલ્લામાં પથરાળ જમીન હોવાથી અને વરસાદનું પ્રમાણ ઘટતાં તળ ઉંડા ઉતરતા ૬૦ ટકા બોરમાં પાણી મળે છે જયારે ૪૦ ટકા બોર નિષ્ફળ જાય છે.ખાસ કરીને ૧૫૦ મીટરથી વધુ બોરમાં પાણી મળી રહે છે.

પાણી પુરવઠા બોર્ડ દ્વારા જિલ્લામાં ૦ થી ૧૫૦ મીટર એટલે કે ૦ થી ૪૯૨ ફુટ અને ૧૫૧ થી ૩૦૦ મીટર એટલે કે ૯૮૪ ફુટના બોર કરવામાં આવે છે.૦ થી ૧૫૦ મીટરના બોરના સારકામનો રૂ.૬૦૦૦૦ અને ૩૦૦ મીટરના બોરના સારકામ પાછળ રૂ.૧૯૮૦૦૦નો ખર્ચ થાય છે.વર્ષ ૨૦૧૮-૧૯માં ૧૫૦ મીટરના ૧૯ અને ૩૦૦ મીટરના ૬ બોર,જયારે વર્ષ-૨૦૧૯માં એપ્રિલથી ૭ જુલાઇ સુધીમાં ૧૫૦ મીટરના ૯ અને ૩૦૦ મીટરના ૬ બોર નિષ્ફળ ગયા છે. આમ સવા વર્ષમાં ૪૪ બોર નિષ્ફળ જતાં રૂ.૪૮૪૮૦૦૦ના ખર્ચ પર પાણી ફરી વળ્યું છે.

ધ્રોલ અને જોડિયા તાલુકામાં તળમાં પાણી ઉંચા હોય ૦ થી ૧૫૦ મીટરના ઉંડાઇનો બોર કરવાથી પાણી સરળતાથી મળી રહે છે.પરંતુ પાણી ખારાશ વાળું હોય પીવાલાયક નથી.જયારે કાલાવડ, જામજોધપુર, લાલપુર સહિતમાં મહદઅંશે પથ્થરવાળી જમીન અને તળમાં પાણી ઉંડા હોવાથી ૩૦૦ મીટરના બોર કરવાથી પાણી મળતું હોવાનું જલભવનના અધિકારીઓએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.