ડ્રગ્સના કેસમાં માત્ર પંચ સમક્ષ નોંધાયેલું નિવેદન ‘પુરતું’ નહીં રહે

નાર્કોટીક્સ કેસમાં કાયદાનો દુરૂઉપયોગ કરનારાઓ સામે કાયદાની લગામ

ભારતીય દંડ સહિતા અને કાયદામાં સંપૂર્ણપણે માનવીય અભિગમ અને કોઈને પણ અન્યાય ન થાય તે માટે ‘સો દોષિત ભલે નિર્દોષ છુટી જાય પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ’ તેના મુદ્રાલેખ પર સંપૂર્ણ ન્યાયતંત્ર કામ કરી રહી છે અને તબક્કાવાર કાયદાકીય ઉણપો અને તેના દૂરઉપયોગોની ભેદ રેખા પારખીને તબક્કાવાર કાયદાકીય સુધારાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે નાર્કોટીકસ એટલે કે, કેફી દ્રવ્યોના કિસ્સાઓમાં કાયદાકીય દૂરઉપયોગને અટકાવી ન્યાયપૂર્ણ વ્યવસ્થાની દિશામાં સુપ્રીમ કોર્ટના એક નિર્દેષે કાયદાની પ્રક્રિયા અને કેસમાં પંચ સમક્ષ નોંધાયેલું નિવેદન આરોપી સજા માટે અસરકારક પુરાવાઓ ન ગણાય તેવો ચુકાદો આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે બચાવ પક્ષોના વકીલોને પ્રોત્સાહન મળે અને બચાવ માટે કાયદાની જોગવાઈ ઉપયોગી થાય તેવા એક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ગુરૂવારે જણાવ્યું હતું કે, પોલીસ દળ સીવાયની કોઈ એજન્સીના તપાસ અધિકારી સમક્ષ કરવામાં આવેલા ‘કબુલાત-નિવેદન’ને આરોપસિદ્ધ કરતા પુરાવાઓ ગણીને દોષિત ઠેરવવામાં તેનો ઉપયોગ ન કરી શકાય.

નાર્કોટીકસ ડ્રગ્સ એન્ડ સાયક્રોટોપીક શબટન્સ એનડીપીએસ એક્ટ અંગે સુપ્રીમ કોર્ટના આ ચુકાદામાં બે ન્યાયધીશો નવીન સિંન્હા, ઈંદીરા બેનર્જીએ આ ચુકાદા સામે અસહમતી દર્શાવી હતી કે, અધિકારીઓ નિવેદનો નોંધવા માટે એનડીપીએસ એક્ટ હેઠળ નિમણૂંક પામે છે તે પુરાવાઓ અધિનિયમની કલમ ૨૫ની જોગવાઈ હેઠળ પોલીસ અધિકારીઓની જ વ્યાખ્યામાં આવે છે. જે પોલીસ સમક્ષ કરવામાં આવેલા નિવેદનોમાં કોઈ મહત્વ ધરાવતું નથી. પરિણામે તેમણે કરેલી કબુલાતને પુરાવાઓ ગણી ન શકાય.

એનડીપીએસ અધિનિયમ હેઠળ આરોપીની દોષીત ઠેરવવા માટે આ કબુલાતને ધ્યાને ન લેવાય. ન્યાયધીશોની સંયુક્ત ખંડપીઠે અપીલ અરજીનો નિકાલ કરતા જણાવ્યું હતું કે, ડ્રગ્સના કેસમાં દોષીત ઠેરવવા માટે એક દાયકાથી વધુનો સમયને ધ્યાનમાં લેવો જોઈએ. ન્યાયમૂર્તિ નરીમાને ચૂકાદામાં જણાવ્યું હતું કે, એનડીપીએસની કલમ ૬૭ હેઠળ નોંધાયેલું નિવેદન સુનાવણીમાં કબુલાતભર્યા નિવેદનની જેમ ગણી ન શકાય. પોલીસ અધિકારીઓને આ પ્રક્રિયામાંથી અલગ પાડવાની દલીલ નાર્કોટીકસ વિભાગના અધિકારીઓને પોલીસ ગણી ન શકાય. પોલીસ અધિકારીની વ્યાખ્યાનું વિષલેશણ કરતા એવું કહી શકાય કે પોલીસ અધિકારીનો અર્થ ફકત પોલીસ અધિકારી જ હોતો નથી. રાજ્યના અનામત પોલીસ સાથે પણ જોડાયેલા છે. પણ અન્ય વિભાગમાં અધિકારીઓ જેમ કે, એકસાઈઝ વિભાગ સહિતનાઓની સત્તાઓ પણ આમા સામેલ છે. કોર્ટે આ કાયદાનું વિશલેષણ કરતા જણાવ્યું હતું કે, જો પોલીસ અધિકારી અને પોલીસ અધિકારીઓ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરવામાં આવે તો નાર્કોટીકસ કંટ્રોલ બ્યુરોને પણ ધ્યાનમાં લેવો જોઈએ. આરોપીના મુળભૂત અધિકારો ફકત કોઈ ખાસ અધિકારીના હોદ્દા પર આધારીત છે. આર્ટીકલ ૧૪નું ખોટુ અર્થઘટન થઈ રહ્યું છે. કેમ કે, અધિકારીઓ વચ્ચેનું વર્ગીકરણ સ્પષ્ટ નથી. સુપ્રીમ કોર્ટના ચુકાદાનો અર્થ એવો થયો કે, ડ્રગ્સના કેસમાં નાર્કોટીકસ વિભાગને પણ પુરેપુરા પુરાવાઓ રજૂ કરવાની જરૂર રહે છે. સુનાવણી દરમિયાન આરોપીઓને ફીટ કરી દેવા માટે ફકત આરોપીની કબુલાત નામાની પુરાવાઓ ગણી નહીં શકાય. આવા નિવેદનોમાં સમાવેશ કોઈપણ હકીકતને સત્ય સાબીત કરવાનો હેતુ પુરાવાઓ તરીકે ગણી ન શકાય. સુપ્રીમ કોર્ટે અવલોકન કરતા જણાવ્યું હતું કે, આરોપીઓ જો કોઈ અધિકારી સમક્ષ કરેલા નિવેદનને પુરાવા માનવામાં આવે તો તે કલમ ૧૪ સમાનતાનો અધિકાર કલમ ૨૦ (૩)ની બાંહેધરીનો સ્પષ્ટપણે ઉલ્લંઘન ગણી શકાશે. સર્વોચ્ચ અદાલતે આ અંગે જણાવ્યું હતું કે, આતંકવાદ, દેશ વિરોધી પ્રવૃતિઓ (ટાડા), આતંકવાદી વિરોધી અધિનિયમ (પોટા)માં આપવામાં આવેલી કબુલાતનું પણ વિશલેષણ કર્યું હતું. એનડીપીએસના કેસો સાથે સંકળાયેલા ધારાશાસ્ત્રી તારીક શૈયદે જણાવ્યું હતું કે, આ ચુકાદાથી તપાસમાં ધડમુળથી ફેરફાર થશે. હવે નાર્કોટીકસ વિભાગ, કસ્ટમ, ડીઆરઆઈના અધિકારીઓને પણ ગુનો અને રેકોર્ડની તપાસ કરવામાં આવે તેમની વ્યાખ્યા પોલીસ તરીકેની કરવામાં આવશે અને તેમની સમક્ષ કરવામાં આવેલા નિવેદનો પૂરાવા તરીકે ગણવામાં નહીં આવે. આ અંગે જામીન અરજી પર પણ તેની અસર થશે. આરોપીની જામીન અરજીમાં એવી દલીલ કરવામાં આવી હતી કે, અધિકારીઓએ બળજબરીથી ધમકી આપી નિવેદનો નોંધાવ્યા હતા. સુપ્રીમ કોર્ટના આ અવલોકનથી અનેક કેસમાં આરોપીઓના નિવેદનને પુરાવાઓ ગણીને તેમના પર ચાલતી કાર્યવાહી અટકશે અને આરોપીઓને જામીન પર અને નિર્દોષ છુટવામાં સુપ્રીમ કોર્ટનું આ તારણ મુખ્ય આધાર બનશે.