સાયલાના સુદામડા ગામે ઠપકો આપ્યાનો ખાર રાખી પ્રૌઢ ઉપર ફાયરીંગ

વ્યાજની ઉઘરાણીમાં દિવાલ પાડતા ત્રણ શખ્સોને ગરીબોને હેરાન નહી કરવાનું કહેતા જેનો દ્રેષ રાખી આચર્યુ કૃત્યુ

સાયલા તાલુકાના સુદામડા ગામે વ્યાજની ઉઘરાણીના પ્રશ્ર્ને લોડર મશીનથી  દિવાલ પાડી નાખતા ગરીબ માણસોને હેરાન નહીં કરવા ઠપકો આપ્યાનો ખાર રાખી પ્રૌઢ પર ત્રણ શખ્સોએ ફાયરીંગ કર્યાની સાયલા પોલીસ મથકમાં ત્રણ શખ્સ વિરુઘ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સાયલા તાલુકાના સુદામડા ગામે રહેતા મંગળુભાઇ લધરાભાઇ ખવડ નામના પ્રૌઢે ગાના જ નાગરાજ વલકુભાઇ ખાચર, દેવેન્દ્ર ઉર્ફે ડેડુ ભરતભાઇ બોરીચા અને સીધા આબકુ ભલયાણી નામના ત્રણેય શખ્સોએ મનદુ:ખનો ખાર રાખી પિસ્તોલથી ફાયરીંગ કરી મારમાર ધમકી આપ્યાની સાયલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.પોલીસ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપી નાગરાજ ખાચર સહિત ત્રણેય શખ્સોએ સુરેશ ધનજી સારલાને ૩પ ટકા વ્યાજે રકમ આપેલી તે રકમનું સુરેશ સારલા વ્યાજ નહી ચુકવતા નાગરાજ ખાચર સહિત ત્રણેય શખ્સો સુરેશ સારલાના મકાનની લોડર મશીનથી દિવાલ પાડી રહ્યા હતા ત્યારે મંગળુભાઇ ખવડે  ઉપરોકત ત્રણેય શખ્સોને ગરીબ લોકોને હેરાન નહી કરવા ઠપકો આપ્યો હતો.

ઠપકો આપ્યાનો ખાર રાખી ઉપરોકત ત્રણેય શખ્સ કુહાડી, ધારીયુ અને પિસ્તોલ જેવા હથિયાર સાથે મંગળુભાઇ ખવડના ઘરે ધસી જઇ પિસ્તોલ તાંકી હવામાં ફાયરીંગ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી માર માર્યાનું જણાવ્યું હતું.

પોલીસે નાગરાજ ખાચર, દેવેન્દ્ર બોરીચા અને સીધા ભલીયાણી સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

Loading...