Abtak Media Google News

પુનિતનગર ઈએસઆર-જીએસઆર ખાતે પાઈપલાઈનનું રીપેરીંગ અને ઉમિયા ચોકમાં ડીઆઈ પાઈપલાઈનનાં લીંકઅપનું કામ સમયસર પૂર્ણ ન થતાં વોર્ડ નં.૮, ૧૦, ૧૧, ૧૨ અને ૧૩માં ૩ કલાક મોડુ વિતરણ: કોંગ્રેસ લાલઘુમ

મહાપાલિકાનાં પદાધિકારીઓ એક તરફ શહેરીજનોને એવી ખાતરી આપી રહ્યા છે કે, ચોમાસા સુધી લોકોને કોઈપણ ભોગે નિયમિત ૨૦ મિનિટ પાણી આપવામાં આવશે તો બીજી તરફ આજે પુનિતનગર ઈએસઆર-જીએસઆર ખાતે પાઈપલાઈન રીપેરીંગ અને ડીઆઈ પાઈપલાઈનનાં લીંકઅપનું કામ સમયસર પૂર્ણ ન થવાનાં કારણે ન્યુ રાજકોટમાં પાંચ વોર્ડમાં પાણીના ધાંધીયા સર્જાયા છે.

નિર્ધારીત સમય કરતાં ૩ કલાકથી વધુ સમય મોડુ પાણી વિતરણ કરવામાં આવતા પાંચ વોર્ડની લાખોની જનતાએ કાળઝાળ ઉનાળામાં પાણી માટે વલખા મારવા પડયા હતા. પાણીનાં ધાંધીયા સર્જાતા શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર અને વિરોધ પક્ષનાં નેતા વશરામ સાગઠિયાએ મહાપાલિકાનાં પદાધિકારીઓ પર આકરા પ્રહારો કર્યા હતા.

શહેરનાં પુનિતનગર વિસ્તારમાં આવેલા ઈએસઆર-જીએસઆર અથાત પાણીનાં ટાંકાની સંગ્રહ શકિત એક કરોડ પાંચ લાખ લીટર છે જેમાં જીએસઆર ટાંકામાં ૮૦ લાખ લીટર અને ઈએસઆરમાં ૫૦ લાખ લીટર પાણીની કેપેસીટી છે. દરમિયાન ગઈકાલે પુનિતનગર ખાતે પાઈપલાઈનમાં લીકેજની સમસ્યા સર્જાતા રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત ૧૫૦ ફુટ રીંગ રોડ પર ઉમિયા ચોક નજીક ડીઆઈ પાઈપલાઈનનાં જોડાણનું કામ શ‚ કરવામાં આવ્યું હતું.

જોકે આ કામ રાત્રે સમયસર પુરુ ન થવાનાં કારણે આજે ન્યુ રાજકોટનાં વોર્ડ નં.૮, વોર્ડ નં.૧૦, વોર્ડ નં.૧૧, વોર્ડ નં.૧૨ અને વોર્ડ નં.૧૩માં આવતા વિસ્તારો જેવા કે પુનિતનગર, શ્રીનાથજી સોસાયટી, ઉદયનગર, ગોકુલધામ, મવડીનાં વિસ્તારો, જલજીત સોસાયટી અને દ્વારકાધીશ સોસાયટી સહિતનાં અનેક વિસ્તારોમાં નિર્ધારીત સમય કરતા ૩ કલાક પાણી વિતરણ મોડુ કરવામાં આવ્યું હતું. આ વિસ્તારોમાં વહેલી સવારે ૫ વાગ્યાથી પાણી વિતરણ શ‚ કરવામાં આવે છે પરંતુ આજે ૮ વાગ્યા પછી વિતરણ શરૂ કરવામાં આવતાં જબરો દેકારો બોલી ગયો હતો.

શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર અને મહાપાલિકાનાં વિરોધ પક્ષનાં નેતા વશરામભાઈ સાગઠિયાએ મહાપાલિકાનાં શાસકો પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, મેયર બીનાબેન આચાર્યએ શહેરીજનોને રોજ ૨૦ મિનિટ નિયમિત પાણી આપવામાં આવશે તેવી જાહેરાતનાં હજી ૨૪ કલાક પણ નથી થયાં ત્યાં શહેરનાં પાંચ-પાંચ વોર્ડમાં પાણીના ધાંધીયા સર્જાયા છે. લોકો કાળઝાળ ઉનાળામાં પાણી માટે વલખા મારી રહ્યા છે. શહેરનાં પ્રથમ નાગરિક એવા મેયરનું સ્ટેટમેન્ટ અભિ બોલા, અભિ ખોક જેવું સાબિત થયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.