Abtak Media Google News

ખેડૂતોના જીરું અને વરિયાળીના પાકને મોટા પાયે નુકશાનની શક્યતાઓ

વઢવાણ તાલુકાના રઇ ગામના સીમ તેમજ ખેતજમીનની બાજુમાંથી મેઇન કેનાલની માઈનોર કેનાલમાં ગાબડુ પડતા ખેડૂતોમાં દોડધામ મચી હતી. આ ઘટનાના કારણે બેથી વધુ ખેતરોમાં પાણી ઘૂસી જતાં જીરૂ અને વરિયાળીના પાકને નુકસાન થયુ હતું.

સુરેન્દ્રનગર જિલ્લામાં પસાર થતી નર્મદા કેનાલો લોકો માટે આશિર્વાદના બદલે અભિશાપરૂપ બનતી જાય છે. કેનાલોમાં લોકોના ડૂબી જઇને મોતને ભેટવાની ઘટના વધી રહી છે. ત્યારે આ કેનાલોના પાણી હવે ખેડૂતોના ખેતરોમાં રહેલા પાક ઉપર કાળી નજર સાથે ફરી વળીને નુકસાન પહોંચાડી રહ્યા છે.

આ દરમિયાન સુરેન્દ્રનગર-વઢવાણમાં પણ નર્મદા કેનાલ પસાર થઇ રહી છે. ત્યારે વઢવાણ તાલુકાના રઇ ગામની સીમ તેમજ ખેતજમીનની બાજુમાં મુખ્ય કેનાલની માઇનોર કેનાલમાં ગાબડુ પડતા ખેડૂતોને બે થી વધુ ખેતરોમાં પાણી ઘૂસી જતા દોડધામ મચી હતી. ખેડૂતોનાં ખેતરોની નજીકથી પસાર થતી આ ચાલુ કેનાલનુ અંદાજે પાંચ ફૂટ જેટલુ ગાબડુ પડી ગયુ હતું. ત્યારબાદ આ કેનાલના પાણી રઇ ગામના મહાદેવભાઈ જાયમલભાઈ પાવરા, લધુભાઈ મોતીભાઈ પાવરા સહિતના ખેતરોમાં રહેલા જીરૂ અને વરિયાળીના પાકને નુકસાન કરી નાંખ્યુ હતું.

વારંવાર નર્મદાની કેનાલોમાં પડતા ગાબડાઓ સહિતની સમસ્યાઓ અને તંત્રની કામગીરી સામે ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. આ અંગે અરજણભાઈ પાવરાએ જણાવ્યું કે, આ પાણી વધુ નુકસાન કરે તે પહેલા ખેડૂતો દ્વારા રસ્તાનું બાજુની બંને સાઈડની ગટરોમાં પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. જ્યારે કાનજીભાઈ રાજપૂતે જણાવ્યું કે, આ ઘટના અંગે સુરેન્દ્રનગરના નર્મદા અધિકારીને જાણ કરી હતી. ત્યારબાદ અધિકારીઓએ આ વિસ્તારમાં લીંબડી નર્મદા કેનાલમાં આવતો હોવાથી ત્યાં જાણ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.