Abtak Media Google News

ધો.૧૧ અને ધો.૧૨ તથા અન્ય વિદ્યાર્થીઓને નીટ અને ઝેડડબલ્યુઈનાં કોર્સ શરૂ કરી ફી ઉઘરાવી અચાનક કલાસીસને તાળા લગાવી કરાઈ ઠગાઈ

જુનાગઢમાં આવેલા ઝાંઝરડા રોડ ખાતે ગાયત્રી સ્કૂલની સામેનાં કોમ્પલેક્ષ મેરી ઓટ પ્લાઝામાં રેમેઝોન્સ ટયુશન કલાસીસ શરૂ કરી વિદ્યાર્થીનાં વાલીઓ પાસેથી રૂા.૧૬,૯૨,૧૦૦ જેવી તગડી ફી વસુલ કરી કલાસીસને સંચાલકોએ તાળા લગાવી દઈ વિદ્યાર્થીઓનાં ભવિષ્ય સાથે ચેડા કરતા કલાસીસનાં સંચાલકો સામે વાલી મંડળ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આ અંગે જીણવટભરી તપાસ હાથધરી રેમેઝોન્સ કલાસીસનાં વાઈસ પ્રેસીડેન્ટ સહિત રાજકોટનાં ૩ શિક્ષકોની શોધખોળ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી જાણવા મળતી માહિતી મુજબ જુનાગઢનાં રાયજીબાગ પાસે મોનાર્ક રેસીડેન્સીમાં રહેતા ગ્રાફિકસ ડિઝાઈનરનો વ્યવસાય કરતા મનિષભાઈ કનકરાય ટોડીયા (ઉ.વ.૪૬) નામના જૈન યુવાને જુનાગઢ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં આરોપી તરીકે રાજસ્થાનનાં કોટા શહેરમાં રહેતા અને રેમેઝોન્સ કલાસીસ નામની સંસ્થાનાં વાઈસ પ્રેસીડેન્ટ કિર્તીસિંગ સોનગરા, રાજકોટનાં રીપુ શીંગાળા, યતિશ પાટીદાર અને અંબિકા ટાઉનશીપ પાસે જીવરાજપાર્કમાં રઘુલીલા એપાર્ટમેન્ટમાં રહેતા શ્રેયાંશ ઠાકરશીભાઈ સિરોજીયા સહિત ૪ શખ્સોનાં નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે મનિષભાઈ ટોડીયાએ પોતાના પુત્ર કિર્તન કે જે ધો.૧૧ સાયન્સમાં અભ્યાસ કરતો હોય જયારે અન્ય વિદ્યાર્થીના વાલીઓ કે જે અતુલ મથુરદાસ ત્રાંબડીયા, સુધીર બી.ચુડાસમા, કલ્પેશ વી.પોસીયા, પરેશ એમ.મેનપરા, ઠેસીયા દિલીપભાઈ સહિતનાં વાલીઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.  વાલીઓનાં જણાવ્યા પ્રમાણે રેમેઝોન્સ કલાસીસનાં સંચાલક કિર્તીસિંગ, રીપુ શીંગાળા, યતિશ પાટીદાર અને શ્રેયાંશે જુનાગઢનાં ઝાંઝરડા રોડ પર આવેલ મેરી ઓટ પ્લાઝામાં ટયુશન કલાસીસ શરૂ કરી વિદ્યાર્થીઓને નીટ અને ઝેડડબલ્યુઈનો કોર્સ કરાવવાની બાંહેધરી આપી વાલીઓ પાસેથી એડવાન્સમાં રૂા.૧૬,૯૨,૧૦૦ની પુરેપુરી ફી શરૂઆતમાં જ વસુલ કરી લીધી હોય ત્યારબાદ વિદ્યાર્થીઓનાં ભવિષ્ય સાથે ચેડા કરી રેમેઝોન્સ કલાસીસનાં સંચાલકોએ કલાસીસને તાળા મારી દઈ ભુર્ગભમાં ઉતરી જતા વાલીમંડળ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના પગલે જુનાગઢ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.