જૂનાગઢમાં વેપારી પાસે જી.એસ.ટી.ના નામે તોડ કરનાર બોગસ અધિકારી ઝડપાયા

નોટિસ રદ કરાવવી અને ચેકીંગના નામે દોઢ લાખ લેવા જતા રાજકોટનો  શખ્સ પકડાયો

જીએસટી અધિકારીના નામે જૂનાગઢના વેપારીને રૂપિયા દોઢ લાખનો ધુંબો મારવા નીકળેલા રાજકોટના બનાવટી જીએસટી અધિકારી ને રાજકોટ પોલીસની મદદથી જૂનાગઢ પોલીસે દબોચી લઈ, આવા કરતુંતો કેટલા કર્યા છે ? તે અંગેની વિશેષ તપાસ જુનાગઢ પોલીસ દ્વારા ચાલી રહી છે.

જૂનાગઢ શહેરના દોલતપરા વિસ્તારમાં વનરાજ બેસન મિલ ધરાવતા ફરિયાદી દિલીપભાઈ મોહનભાઇ મેઘપરાના મોબાઈલ ફોન ઉપર અજાણ્યા મોબાઈલ ફોન ઉપરથી જીએસટી વિભાગના અમદાવાદના કમિશ્નરની સહીથી નોટિસ આવેલ હતી. જેથી, આ મોબાઈલ નંબર ઉપર ફેકટરી માલિક વેપારી દિલીપભાઈ પટેલ દ્વારા વાત કરતા, જીએસટી અધિકારી તરીકે ઓળખ આપી, જીએસટીનું ચેકીંગ કાલે આવશે, નોટિસ રદ કરાવવી હોય તો, રૂ. ૨ લાખ વહેવાર કરવો પડશે, તેવું જણાવી, બેન્ક એકાઉન્ટ નમ્બર આપવામાં આવેલ હતા. વેપારી દિલીપભાઈ પટેલ દ્વારા વિનંતી કરતા બાર્ગેનીંગ કરી, દોઢ લાખમાં નક્કી કરેલ હતું.

વેપારી દ્વારા કદાચ બેંકમાં મેળ ના પડે તો રોકડા રૂપિયા આપી દવ, ક્યાં પહોંચાડવાના..? તેવું પૂછતાં, રાજકોટ પહોંચાડવા જણાવેલ હતું. આ બાબતે વેપારી દ્વારા જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને મળી, તાત્કાલિક કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવતા, આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીને તાત્કાલિક ટ્રેપ કરીને પકડી પાડવા જૂનાગઢ પોલીસ ટીમ સજ્જ થઈ હતી અને જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પીઆઇ આર.જી. ચૌધરીએ પીએસઆઇ જે.એચ. કછોટ તથા સ્ટાફના હે.કો. વિક્રમભાઈ, અનકભાઈ, સહિતની એક ટીમને તાત્કાલિક રાજકોટ રવાના કરી, રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ પી.એમ. ધાખડા, હે.કો. અમિતભાઇ, મયુરભાઈ, સહિતની ટીમની મદદ આધારે વેપારી પોતાના સંબંધીની દુકાન યાજ્ઞિક રોડ ઉપર આવેલ હોઈ, ત્યાંથી મોબાઈલ ફોન ઉપર વાત કરાવી, રૂપિયા લેવા બોલાવી, છટકું ગોઠવી, રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ તથા જૂનાગઢ પોલીસ ટીમ યાજ્ઞિક રોડ ઉપર ગોઠવાઈ જતા, આરોપી પરેશ ઉર્ફે પાર્થ ભરતભાઇ મહેતા (ઉવ. ૪૨) રહે. મયુર પાર્ક, ધર્મરાજ એપાર્ટમેન્ટ, ભક્તિનગર સર્કલ પાસે, રાજકોટવાળી, દોઢ લાખ રૂપિયા લેવા આવતા હાથમાં આવી ગયો હતો,. જેને જૂનાગઢ પોલીસ દ્વારા રાઉન્ડ અપ કરી, જૂનાગઢ ખાતે લાવવામાં આવેલ હતો. જૂનાગઢ પોલીસ દ્વારા આરોપી પરેશ ઉર્ફે પાર્થ ભરતભાઇ મહેતા એ વાપરેલા મોબાઈલ નંબર તથા વેપારીને આપવામાં આવેલ બેન્ક એકાઉન્ટ નમ્બર આધારે, આરોપી દ્વારા કેટલા વેપારીઓ સાથે આ રીતે ગુન્હો આચારી, રૂપિયા ઉઘરાવેલા છે, તે બાબતે ઝીણવટ ભરી તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી.ચૌધરી, પીએસ આઇ વી.આર.ચાવડા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

Loading...