Abtak Media Google News

જામનગરના એક યુવાને રૃા.ર૪ લાખની રકમ પાંચ ટકાના વ્યાજે લીધા પછી આ યુવાન પાસે ચાર શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી કરાતી હોય તેણે ગઈકાલે દવા પી આત્મહત્યાની કોશિષ કરી છે. વ્યાજખોરોએ વધુ એક વખત માથું ઉંચકી પોલીસને પડકારી છે.

જામનગરના મહેશ્વરીનગરમાં રહેતા અને ધણશેરીની ખાડમાં શિવશક્તિ ગેસ એજન્સી નામની દુકાન ચલાવતા નિતેશભાઈ દેવજીભાઈ પરમાર (ઉ.વ.રપ) નામના દલિત યુવાને ગઈકાલે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેઓને બેભાન હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવની જાણ થતા મહેશ્વરી સમાજના લોકોના ટોળા જી.જી. હોસ્પિટલમાં ઉમટી પડયા હતા. જ્યારે પોલીસ કાફલો પણ દોડયો હતો. જી.જી. હોસ્પિટલ પોલીસ ચોકીના જમાદાર નારણભાઈ લૈયાએ નિતેશભાઈનું નિવેદન નોંધ્યું છે જેમાં તેઓએ જણાવ્યા મુજબ નિતેશભાઈએ એક ગરાસિયા શખ્સ તથા ત્રણ ખવાસ શખ્સો પાસેથી કુલ રૃા.ર૪ લાખની રકમ પાંચ ટકાના વ્યાજે લીધા પછી તેઓ આ રકમ ભરપાઈ કરી ન શકતા હોય, તેઓએ જિંદગીનો અંત આણવાનો નિર્ણય કરી દવા પીધી હોવાનું જણાવ્યું છે. આ યુવાનને લખેલી એક ચિઠ્ઠી તેમજ નિવેદનથી ડિવિઝન પોલીસ સ્ટેશનને વાકેફ કરવામાં આવ્યું છે. પોલીસે આ યુવાનની ફરિયાદ પરથી ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમયથી ફરી એક વખત વ્યાજખોરોએ માથું ઉંચકવાનું શરૃ કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.