Abtak Media Google News

ફસાયેલા લોકોને સુધરાઈ સભ્ય રજાક હિંગોરાએ બહાર કાઢયા: ચીફ ઓફિસરને ફોન કરતા કોઈ કાર્યવાહી કરી નહીં: લોકોમાં ભભુકતો રોષ

ઉપલેટામાં ગઈકાલે વરસાદ વરસી જતાં નિચાણવાળા વિસ્તાર રામગઢમાં કમરડુબ પાણી ભરાઈ જતાં રામગઢમાં રહેતા ૧૦૦ જેટલા પરિવારો પાણીમાં ફસાઈ ગયા હતા તેને મહામહેનતે નગરસેવકે બહાર કાઢી રોડ ઉપર આશરો આપેલ હતો. ગઈકાલે બપોરે ૩ વાગ્યાથી ૫ વાગ્યા સુધીમાં બે કલાકમાં દોઢથી બે ઈંચ વરસાદ વરસી જતા રામગઢમાં કમરડુબ પાણી ભરાઈ ભરાઈ જતાં રામગઢમાં રહેતા ૧૦૦ પરિવારનાં બાળકો સહિત ૧૫૦ લોકો પાણીમાં ફસાઈ ગયા હતા. ૨૫થી વધુ ઘરોમાં પાણી ઘુસી જતાં લોકોની રાશન સામગ્રી પલળી ગઈ હતી. પાણીમાં ફસાયેલા લોકોને વોર્ડ નં.૯નાં જાગૃત સેવાભાવી રજાકભાઈ હિંગોરા અને તેમની ટીમે કમરડુબ પાણીમાં જઈ લોકો અને બાળકોને બહાર કાઢયા હતા. રામગઢનાં લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો.

વરસાદને કારણે ઘરોમાં પાણી ઘુસી જતાં લોકોને રાતવાસો રોડ ઉપર આવીને કર્યો હતો. અમુક ઘરોમાં પડેલ રાશન સામગ્રી પલળી જતા સાંજનાં જમવાનું બનાવવું મુશ્કેલ થઈ પડયું હતું. રામગઢનાં લોકોએ ચીફ ઓફિસરને ફોન કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નહોતી. આખરે જાગૃત સુધરાઈ સભ્યએ ગાંધીનગર સ્થિત ધારાસભ્યને રજુઆત કરતા માત્ર નગરપાલિકાનાં બે કર્મચારીઓ આવી રોજ કામ કરી જતા રહેલ હતા. લતાવાસીઓ દ્વારા એવું જણાવેલ કે છેલ્લા ત્રણ વર્ષ થયા રજુઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. વરસાદને કારણે અમારા મકાનોમાં પાણી ઘુસી જાય છે. કપડા, રાશન સહિતની ચીજ વસ્તુઓ પલળી જાય છે. આને કારણે બાળકોને સ્કુલે મોકલવામાં બહુ જ તકલીફ પડે છે.

ભારે વરસાદને કારણે ત્રણ દિવસ સુધી ઘરમાં પાણી ભરાયા હોવાથી ખાવાનું બનાવવું પણ મુશ્કેલ બની જાય છે. ગત વર્ષ આ વિસ્તારમાં બે દિવસ સુધી વરસાદને કારણે તમામ ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા આને કારણે બે દિવસ લોકો ભુખ્યા રહેવું પડયું હતું. ગઈકાલે નજીવા વરસાદને કારણે રામગઢમાં પાણી ભરાઈ જતાં ઘટનાસ્થળે ઘસી ગયેલા પૂર્વ સુધરાઈ સભ્ય રજાકભાઈ હિંગોરાએ જણાવેલ કે, મેં છેલ્લા બે વર્ષ થયા નગરપાલિકામાં અનેક વખત રજુઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી પાણીનાં નિકાલ માટે ભુગળા નાખવા માટે નગરપાલિકાનું તંત્ર અનેક વખત માપસાઈઝ લઈ પંચરોજ કામ કરી જતું રહે છે. હું દર વર્ષે ચોમાસા પહેલા નગરપાલિકાનાં તંત્રને રજુઆત કરું છું પણ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.

રામગઢનાં લોકોએ ધારાસભ્ય લલિતભાઈ વસોયાને ટેલીફોનીક વાત કરી ઘટનાના વિડીયો પણ મોકલેલ ત્યારે ધારાસભ્ય લલિત વસોયા ગાંધીનગરથી સ્થાનિક પત્રકારોને જણાવેલ કે, મેં સુધરાઈ સભ્યો રજાકભાઈ હિંગોરાની રજુઆતને કારણે રામગઢનાં પાણી નિકાલ માટે તેમજ ધરાર કોલોની સામે પાણીનાં નિકાલ માટે ગ્રાન્ટ આપેલ પણ સ્થાનિક નગરપાલિકા કોઈ કાર્યવાહી નહીં કરતા આજે ૧૦૦ જેટલા પરિવારોનાં ઘરમાં પાણી ઘુસી ગયા છે તેના વિડીયો મને મળેલા છે. આ વિડીયો મેં ઉચ્ચ અધિકારીઓને મોકલેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.