Abtak Media Google News

રાજ્યમાં આવતીકાલથી લાગુ થનાર અનલોક-2ને લઈને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. જે મુજબ આવતીકાલથી રાજ્યમાં દુકાનો રાત્રે 8 વાગ્યા સુધી તેમજ રેસ્ટોરન્ટ રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. જ્યારે કરફ્યુનો સમય રાત્રે 10થી સવારે 5 વાગ્યાનો રહેશે.

રાજ્યમાં 1 જૂલાઈથી એટલે કે આવતીકાલથી અનલોક- 2નો પ્રારંભ થઈ રહ્યો છે. જેને લઈને રાજ્ય સરકારે આવતીકાલ એટલે કે 1 જુલાઈથી ગુજરાતમાં દુકાનોને રાત્રે 8વાગ્યા સુધી કામકાજ ચાલુ રાખવા દેવાનો નિર્ણય કર્યો છે.આ ઉપરાંત હોટલ અને રેસ્ટોરન્ટ પણ રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. મુખ્યમંત્રીએ જણાવ્યુંછે કે ભારત સરકારના દિશા નિર્દેશો અનુસાર સમગ્ર રાજ્યમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુનો અમલ કરવાનો રહેશે.

અનલોક- 1માં સાંજના 7 વાગ્યા સુધી જ વ્યાપાર-ધંધા અને રેસ્ટોરન્ટ ખુલ્લા રાખવાની છૂટ આપવામાં આવી હતી. જ્યારે રાત્રિના 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. આમ હવે દુકાન ધારકોને એક કલાકની અને રેસ્ટોરન્ટ માલિકોને બે કલાકની વધુ રાહત મળી છે. જ્યારે કર્ફ્યુમાં પણ 1 કલાકની રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે હવે મોટાભાગની દુકાનો મહામારી પૂર્વે જે સમયે ચાલતી હતી તે જ સમયે ચાલવાની છે. ખાણી પીણીના વ્યવસાયિકોની રાવ હતી કે તેમનો ધંધો રાત્રીના સમયનો હોય તેઓ માટે કપરી પરિસ્થિતિ સર્જાઈ છે. માટે રાજ્ય સરકારે તેઓના પ્રશ્નને ધ્યાનમાં રાખીને રેસ્ટોરન્ટ અને હોટેલોને દુકાનો કરતા એક કલાક વધુ આપી છે.

છેલ્લા ઘણા સમયથી લોકડાઉનના પગલે ધંધા- રોજગાર અસરગ્રસ્ત હાલતમાં હતા. માટે સરકાર અનલોક-1થી ક્રમશઃ છૂટછાટ આપી રહ્યું છે. અનલોક-2માં અનલોક-1 કરતા વધુ છૂટ આપવામાં આવી છે. અને હજુ પણ આગામી દિવસોમાં અનલોક-3માં તેનાથી વધુ છૂટ આપવામાં આવશે. આમ ધંધા- રોજગારને સંપૂર્ણ રીતે ફરી ધમધમતા કરી દેવામાં આવશે. બીજી તરફ અનલોક-2માં છૂટછાટની જાહેરાતથી લોકોમાં આનંદની લાગણી છવાઈ છે. પરંતુ એ પણ જરૂરી છે કે છૂટછાટમાં સરકારના તમામ નિયમોને અનુસરવામાં આવે અને માસ્ક, સેનેટાઇઝર તેમજ સોશિયલ ડિસ્ટન્સની ચુસ્ત અમલવારી કરવામાં આવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.