Abtak Media Google News

કોરોના કાળમાં અર્થતંત્રને વેગવંતુ બનાવવા આગામી બજેટ અતિમહત્વનું

આંતરમાળખું વધુ મજબૂત બનાવી “આત્મનિર્ભરતા હાંસલ કરવા તરફ ભાર મૂકાશે

કોરોના મહામારીને કારણે સમગ્ર વિશ્ર્વને મોટો ફટકો પડયો છે. સામાજીક, આર્થિક, કે વ્યકિતગત એમ દરેક ક્ષેત્રે નકારાત્મક અને ગંભીર અસરો ઉપજી છે. મોટાભાગનાં દેશોનાં અર્થતંત્રનો વૃધ્ધિદર ઘટયો છે. આર્થિક મંદીનાં વાદળો ઘેરાયા છે. ત્યારે ભારતની વાત કરીએ તો ભારતનાં અર્થતંત્રને પણ નકારાત્મક ફટકો જરૂર પડયો છે. પરંતુ લોકડાઉન બાદ અર્થતંત્રની ગાડી ફરી પાટે ચડી છે. જેને પૂરપાટ ઝડપ આપવા સરકારે કમર કસી છે. આ પ્રયાસોમાં આગામી બજેટ મહત્વપૂર્ણ ભાગ ભજવશે. માત્ર અર્થતંત્ર પર પડેલી અસરને સરભર કરવા જ નહી પરંતુ સાથે તેને વધુ મજબુત બનાવી વૈશ્ર્વીક બજારમા નવી ઓળખ ઉભી કરવાનાં પણ પ્રયાસો થઈ રહ્યા છે.જેને પરિણામ સુધી લઈ જવા આગામી બજેટને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અર્થશાસ્ત્રીઓ સાથે ‘માનસિક કસરત’ કરવાના છે.

કોરોના કાળમાં દરેક ક્ષેત્રને પ્રોત્સાહિત કરી બુસ્ટર ડોઝ આપવા બજેટ કેટલુ મહત્વનું છે. તે સૌ કોઈ જાણે છે.૧ લી ફેબ્રુઆરીએ રજૂ થનારૂ બજેટ કેવું હોવું જોઈએ?? અર્થશાઓ કેવી જોગવાઈઓને હિતાવહ માને છે ?? તે તમામ પ્રશ્ર્નો પર અર્થશાસ્ત્રીઓ સાથે શુક્રવારે પીએમ મોદી મંથન કરશે. આવું પહેલીવાર બની રહ્યું છે કે કોઈ વડાપ્રધાન સ્વયં બજેટ મુદે અર્થશાસ્ત્રીઓ સાથે ચર્ચા કરશે. જોકે, હાલના સમય પ્રમાણે આમ કરુવં જરૂરી પણ બન્યું છે.

ઉલ્લેખનીય છે કે, આગામી બજેટ ગત ૧૦૦ વર્ષમાં કયારેય રજૂ ન થયું હોય તેવું ઐતિહાસીક બજેટ રહેશે તેમ નાણામંત્રી નિર્મલા સિતારામને કોલ આપ્યો હતો. આ બજેટમાં આંતરમાળખાકીય સુવિધા વધુ મજબૂત બનાવી હેલ્થ, ફાર્મા અને મેન્યુફેકચરીંગ સેકટર પર વધુ ધ્યાન દેવાશે. સર્વાંગી વિકાસ હાંસલ કરવા દરેક ક્ષેત્રે ‘આત્મનિર્ભરતા’ પર વધુ ભાર મૂકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.