ઈન્કમટેકસનાં સર્વે ‘મંજૂરી’ વિના અશકય!

સર્વે પૂર્વે વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ પીસીસીઆઈટી, સીસીઆઈટી, સીસીઆઈટી (ટીડીએસ)ની પરવાનગી લેવી અનિવાર્ય

દેશનાં અર્થતંત્રને વિકસિત બનાવવા નાણા મંત્રાલય અને કેન્દ્ર સરકાર દ્વારા અનેકવિધ પ્રકારના ફેરફારો કરવામાં આવ્યા છે જેને ધ્યાને લઈ સીબીડીટીએ આવકવેરા વિભાગમાં ફેસલેશ અસેસમેન્ટ જેવા અત્યંત મહત્વપૂર્ણ સુધારા પણ કર્યા છે જેથી કરદાતાઓને ખુબ સરળતા રહે અને તેઓ દેશના સર્વાંગી વિકાસમાં સહભાગી થઈ શકે ત્યારે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીસે નવા સુધારાઓ પણ કર્યા છે જેમાં સર્વેની કામગીરી ઉચ્ચ અધિકારીઓની મંજુરી અને પરવાનગી વગર શકય નહીં બને. બોર્ડ દ્વારા સુચિત કરવામાં આવેલા ઉચ્ચ અધિકારી જેવા કે પીસીસીઆઈટી, સીસીઆઈટી, સીસીઆઈટી (ટીડીએસ)ની પરવાનગી લેવી અનિવાર્ય બની છે. આવકવેરા વિભાગમાં થયેલા સુધારાઓને ધ્યાને લઈ સરકારે અને બોર્ડે સર્વેે, સર્ચની કામગીરી માટે નવા ધારાધોરણો અને જોગવાઈઓ પણ કરી છે. હાલ આવનારા સમયમાં કરદાતાઓના રીટર્નની કામગીરી એસેસમેન્ટ સેન્ટર દ્વારા કરવામાં આવશે અને તમામ કામગીરી ફેસલેસ થતા સર્વે અને સર્ચની જવાબદારી કોને સોંપાય તે પણ મુખ્ય પ્રશ્ર્ન ઉદભવિત થયો હતો જેના ભાગરૂપે બોર્ડે તમામ ઉચ્ચ અધિકારીઓની પરવાનગી લઈને જ ઈન્કમ ટેકસ ઓફિસર સર્વેની કામગીરી હાથ ધરી શકશે.

સર્વે પૂર્વે આઈટીઓએ સર્વે અંગેની માહિતી સહિત તમામ જરૂરીયાતની ચીજવસ્તુઓની માહિતી ઉચ્ચ અધિકારીઓને આપવી પડશે ત્યારબાદ તેમને પરવાનગી મળતા તેઓ સર્વે હાથ ધરી શકે છે. અત્યાર સુધી આઈટીઓ ઈન્સ્પેકટર માત્ર અનવેક્ષણ વિભાગના ડેપ્યુટી કમિશનરને માત્ર માહિતી આપી સર્વેની કામગીરી હાથ ધરતા હતા પરંતુ હવે પ્રિન્સીપલ ચીફ કમિશનર, ચીફ કમિશનર અથવા ટીડીએસના ચીફ કમિશનરની પરવાનગી લેવી અનિવાર્ય બની છે. બોર્ડ દ્વારા એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે હવે સર્વેનો વિકલ્પ ત્યારે જ શકય બનશે જયારે આઈટીઓ અધિકારીઓને કોઈપણ પ્રકારની માહિતી એકત્રિત થઈ શકતી ન હોય. ઘણીખરી ફરિયાદો પણ ઉઠવા પામી હતી કે, આવકવેરા વિભાગનાં અધિકારીઓ દ્વારા કરવામાં આવતા સર્વે દરમિયાન કરદાતાઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો જેથી ખુબ સહજતાથી સર્વેની કામગીરી હાથ ધરાઈ તે માટે સર્વે માટેની ગાઈડલાઈન સીબીડીટી દ્વારા જાહેર કરવામાં આવી છે.

હવે સર્વે માટે જયારે પૂર્વ પરવાનગી અને મંજુરી ઉચ્ચ અધિકારીઓ પાસેથી લેવામાં આવશે તેનાથી પારદર્શકતા, સર્વેની કામગીરીમાં એફીસીયન્સી તથા અસેસમેન્ટની કામગીરી પણ ખુબ સરળતાથી પૂર્ણ થઈ શકશે અને અધિકારીઓ તેમના ખોટા પાવરનો ઉપયોગ પણ નહીં કરી શકે. સરકાર દ્વારા કરવામાં આવેલા ફેરબદલ થકી આવકવેરા વિભાગની કામગીરીમાં અનેકઅંશે સુધારો જોવા મળ્યો છે અને કરદાતાઓમાં જે ભ્રામક અને જે ડર પ્રસર્યો હતો તેનાથી પણ તેઓને મુકિત મળી છે. આવી જ રીતે આગામી સમયમાં સર્ચની કામગીરી માટે પણ નવા નિયમો જાહેર કરવામાં આવે તેવું સ્પષ્ટપણે મનાઈ રહ્યું છે.

રાજકોટ આવકવેરા વિભાગનાં પૂર્વ ચીફ કમિશનર દેવાશિષ રોય ચૌધરીની ચીર વિદાય

ગુજરાત રાજયના ટીડીએસના ચીફ કમિશનર અને રાજકોટ આવકવેરા વિભાગનાં પૂર્વ ચીફ કમિશનર દેવાશિષ રોય ચૌધરીની ચીર વિદાય થઈ છે. તેઓને ગત સપ્તાહમાં કોરોના પોઝીટીવ આવતા વધુ સારવાર માટે તેઓને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન હાર્ટ એટેક આવતા તેઓની ચીર વિદાય થઈ છે. દેવાશિષ રોય ચૌધરી એક બાહોશ અધિકારીની સાથે અબતક મીડિયા સાથેનો પારિવારીક નાતો પણ ધરાવતા હતા. રાજકોટ ચીફ કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ ઓપન હાઉસ પ્રણાલીને પુરજોશથી અમલી બનાવી કરદાતાઓના મુંઝવતા પ્રશ્ર્નોને વાચા આપી તેનું ત્વરીત નિરાકરણ લાવતા હતા. તેમની અધ્યક્ષતામાં ટીડીએસના રાજય લેવલના પ્રશ્ર્નોના પણ તેઓએ પોતાની કુનેહથી નિવારણ લાવ્યા હતા. દેવાશિષ રોય ચૌધરીની ચીર વિદાય થતા જ આવકવેરા વિભાગને સૌથી મોટો ફટકો પડયો છે.

Loading...