દ્વારકામાં ગેરકાયદે દબાણો હટાવાયા: ગોમતી ઘાટ પરથી 65 ટ્રાફિક છત્રીઓ દૂર કરાઈ !!

જગ વિખ્યાત દ્વારકાધીશ મંદિર આસપાસ છેલ્લા ઘણાં વર્ષોથી જાહેર રસ્તાની ગીચતાના કારણે યાત્રિકોની અવરજવર તથા ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર નરેન્દ્રકુમાર મીનાની સૂચનાથી પ્રાંત અધિકારી નિહાર ભેટારિયા તથા મામલતદાર એસ.એસ. કેશવાલા અને પાલિકાના તંત્રએ શનિવારે જે.સી.બી. સહિતના યાંત્રિક વાહનો સાથે નડતરરૂપ પાકા બાંધકામો અને અન્ય કામચલાઉ સ્ટ્રક્ચરને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

વર્ષો પૂર્વે રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન વિભાગ દ્વારા ગોમતીઘાટના જાહેર માર્ગો ઉપર બનાવેલી ૬પ જેટલી છત્રીઓ જે વર્તમાનમાં સક્રિય ટ્રાફિકના કારણે તથા પદ યાત્રિકો માટે નડતરરૂપ હોય, જે હટાવવામાં આવી છે. કોરોના કપરા કાળ પછી દેશ-વિદેશના યાત્રિકો દ્વારકાધીશજીના ચરણમાં મસ્તક નમાવા આવી રહ્યા છે ત્યારે દ્વારકામાં હવે અકડેઠાઠ ટ્રાફિક જોવા મળતા હવે ત્યારે મંદિર આસપાસનો આ વિસ્તાર ખૂબ જ ખુલ્લો કરવા જરૂરી હોય, જેથી વહીવટી તંત્રએ કરેલી આ ભગીરથ કાર્યવાહીથી દ્વારકાવાસીઓ પણ ખુશ થયા છે અને તંત્રને અભિનંદ પાઠવ્યા છે.  પ્રાંત અધિકારી ભેટારિયાના જણાવ્યા પ્રમાણે હજુ વધુ દબાણો જે પ્રવાસીઓને તથા જાહેર રસ્તાને અડચણ રૃપ છે તે પણ દૂર કરવામાં આવશે.

યાત્રાધામ દ્વારકામાં વહીવટી તંત્ર ટ્રાફિક સમસ્યા અને દબાણોને લઈ સફાળું જાગ્યું છે અને શનિ અને રવિવાર બે દિવસમાં દરમ્યાન નડતરરૂપ અને દબાણ કરેલો બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છ. શનિવારે ગોમતીઘટ અને સંગમબાગ વિસ્તારમાં ઝુંબેશ કરવામાં આવી હતી જ્યારે રવિવારે દ્વારકા-ચરકલા હાઇવે રોડ પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

દરમ્યાન તંત્ર દ્વારા રવિવારે ફરીથી ડીમોલેશનની કામગીરી અવિરત ચાલુ રાખવામાં આવી હતી. રવિવારે સવારે દ્વારકા-ચરકલા હાઇવે રોડ પર ગેરકાયદે દબાણ કરેલ અને ટ્રાફિકને અડચણરૂપ બાંધકામો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી જગ્યા ખુલી કરવામાં આવી હતી. હજુ પણ દ્વારકા વિસ્તારમાં ગેરકાયદે ખડકી દેવાયેલ બાંધકામો તથા દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું.

પુરાતત્વ વિભાગ પણ અંધારામાં?

જગત મંદિર નજીકના વિસ્તારમાં ફરી ગેરકાયદે બાંધકામ

દ્વારકામાં જગતમંદિર આસપાસનાં ૩૦૦ મીટરનાં વિસ્તારમાં પરવાનગી વગરનાં બાંધકામો શરૂ થઈ ગયા છતા તંત્ર મૌન સેવતુ હોય અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. પવિત્ર યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ મંદિર આસપાસનાં ૩૦૦ મીટરનાં વિસ્તારમાં ફરી પરવાનગી વગરનાં રહેણાંક તથા વાણીજય હેતુના બાંધકામોનો રાફડો ફાટયો છે અને આ વિસ્તારનાં જમીનધારકો જેમ ફાવે તેમ કોઈપણ જાતની પુરાતત્વ વિભાગની પરવાનગી લીધા વિના બેરોકટોક બાંધકામો કરી રહ્યા છે. આશરે સાત વર્ષ પહેલા ૩૦૦ મીટરનાં નિયંત્રિત અને પ્રતિબંધીત વિસ્તારમાં પરવાનગી વગરનાં થયેલા બાંધકામો સામે ભારતીય પુરાતત્વ વિભાગે લાલ આંખ કરી પોલીસ ફરિયાદ નોંધાવેલ ત્યારે અનઅધિકૃત બાંધકામો કરનાર ઈસમોમાં ફફડાટ મચી ગયેલ અને બાંધકામ રેગ્યુલરાઈઝ કરવા માટે ગાંધીનગર અને દિલ્હી સુધી છેડા લગાડીને ઘટતી કાર્યવાહી અને જરૂરી પૂરાવાઓ સાથે સંબંધીત વિભાગમાં ફાઈલો રજૂ કરેલ. ત્યારબાદ પુરાતત્વ વિભાગે સત્યતા તપાસીને જરૂરી આધાર પૂરાવાઓ સાથષ રજૂ કરેલ ફાઈલો માન્ય રાખી ઘટતી કાર્યવાહી કરેલ.

Loading...