Abtak Media Google News

સ્વામિનારાયણ ગુરુકુલમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ અને ઘનશ્યામ મહારાજનો ૧૩મો પાટોત્સવ ઉજવાશે

ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય… ગુરુ મહિમા ગુરુ ભકિતનું પાવન પર્વ એટલે ગુરુપૂર્ણિમા ગુરુણામ ગુરુ ભગવાન સ્વામિનારાયણે પ્રસ્થાપિત કરેલ સંપ્રદાયની મોક્ષમુલક દિવ્ય પરંપરા અલૌકિક અને અજોડ છે. ભાવાટવીમાં ભમતા જીવાત્માને ભગવાનનો ભેટો કરાવનારા ગુરુજનો છે. તેઓનું ગૌરવવંતુ સ્થાન અને મહિમા શાસ્ત્રોમાં ઠેર-ઠેર વર્ણવેલ છે. આપણી જીવન નૌ કાના નાવીક સમાન ગુરુદેવનું હૃદયનાં ભકિતભાવથી પૂજન કરી કૃતાર્થ અને ધન્ય થવાનું પૂનિત પર્વ એટલે ગુરુપૂર્ણિમા જેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે.

રાજકોટ ગુરુકુલ ખાતે આ પાવન દિવસે ઘનશ્યામ મહારાજનો ૧૩મો પાટોત્સવ અને ગુરુપૂર્ણિમા મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે અભિષેક, અન્નકુટ દર્શનનો અલભ્ય લાભ લેવા હરિભકતોને અનુરોધ છે. ગુરુપૂર્ણિમા મહોત્સવનાં મુખ્ય યજમાન ધીરૂભાઈ જેરામભાઈ બાબરીયા (અમેરિકા), મનુભાઈ અશ્ચિનભાઈ, ચતુરભાઈ, દલપતભાઈ તથા રાકેશભાઈ પટેલ (યુએસએ) શ્રી હરિ ગ્રુપ, દુધાત્રા પરિવાર મહોત્સવનાં મુખ્ય યજમાન છે. જયારે પાટોત્સવનાં યજમાન પ્રેમજીભાઈ ભોરણીયા, તુલસીભાઈ રાદડિયા અને પંકજભાઈ થોરીયા છે. જયારે સંત ભોજન-પૂજનનાં યજમાન ગોવિંદભાઈ ગોરસીયા, જયોતિભાઈ કથીરિયા વગેરે છે.

મહત્વનું છે કે, ગુરુપૂર્ણિમાનું પાવન પર્વ અને ઘનશ્યામ મહારાજનાં પાટોત્સવને લઈ વધુ એક સામાજિક પ્રવૃતિ રૂપે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે યોગી પ્રોડકટ, સૌરાષ્ટ્ર વોલન્ટરી બ્લડ બેન્ક દ્વારા યોજાશે. આ સાથે સર્વરોગ નિદાન કેમ્પ, વ્યસનમુકિત કેમ્પનું પણ નિ:શુલ્ક આયોજન કરવામાં આવ્યું છે. ગુરુપૂર્ણિમા અને ઘનશ્યામ મહારાજનાં પાટોત્સવનાં પાવન પર્વે સોમવારે સાંજે ૫ કલાકે જળયાત્રા, ૧૬ તારીખે મંગળવારે સવારે ઘનશ્યામ મહારાજનો અભિષેક ૬:૧૫, નિત્યધુન સત્સંગ ૭ થી ૮, ગુરુવંદના કાર્યક્રમ ૯ થી ૧૨:૩૦ કલાકે, અન્નકુટ દર્શન ૯ કલાકે તથા શ્રીહરિયાગ ૯ થી ૧૨ કલાકે યોજાશે. આ સાથે જ ૫૭માં બ્રહ્મસત્રનો પણ પ્રારંભ ૨૨ ઓગસ્ટથી ૨૭ ઓગસ્ટ દરમિયાન રાજકોટ ગુરુકુલમાં ભકિતભાવપૂર્વક યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.