Abtak Media Google News

૬ મહિનાથી લઈને દોઢ વર્ષની ઉંમર સુધીનાં બાળકોનો ખોરાક અત્યંત મહત્વનો હોય છે

૬ મહિનાથી લઈને દોઢ વર્ષની ઉંમર સુધીમાં બાળકનો ટેસ્ટ ડેવલપ થવો જરૂરી છે. એ માટે તેને જુદાં-જુદાં શાકભાજી અને ફળો આપવામાં આવે તો એ ટેસ્ટ ડેવલપ થાય છે અને ભવિષ્યમાં તે ખાવામાં ખોટાં નખરાં નથી કરતું. નેશનલ ન્યુટ્રિશન વીક ચાલી રહ્યું છે ત્યારે જાણીએ કે આ ઉંમર દરમ્યાન બાળકને કઈ રીતે અને શું આપવું

ભારત જેવા દેશમાં જ્યાં લગભગ ૫૦ ટકા બાળકો અને મહિલાઓ કુપોષણનો શિકાર છે એ દેશમાં પોષણ સંબંધિત જાગૃતિ વધે એ માટે સરકાર તરફથી દર વર્ષે ૧ સપ્ટેમ્બરથી લઈને ૭ સપ્ટેમ્બર સુધી નેશનલ ન્યુટ્રિશન વીક ઊજવવામાં આવી રહ્યું છે. આ વર્ષે એની થીમ ઑપ્ટિમલ ઇન્ફન્ટ ઍન્ડ યંગ ચાઇલ્ડ ફીડિંગ પ્રેક્ટિસિસ : બેટર ચાઇલ્ડ હેલ્થ રાખવામાં આવી છે, જેમાં બાળકોના પોષણ પર જાગૃતિ ફેલાવવાનો પૂરો પ્રયાસ કરવામાં આવશે. જ્યારે બાળક જન્મ લે છે ત્યારે તેના માટે પોષણનો એકમાત્ર સ્રોત હોય છે તેની માનું દૂધ. માના દૂધમાંથી મળતું પોષણ એ બાળક માટે અત્યંત જરૂરી છે. ઓછામાં ઓછા ૬ મહિના બાળકને ફક્ત માનું દૂધ જ આપવું જોઈએ એવી વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનની ભલામણ છે. ઘણી સ્ત્રીઓ કોઈ પણ કારણસર પોતાના બાળકને પોતાનું દૂધ આપી નથી શકતી જેને લીધે બાળકને પૂરતું પોષણ નથી મળતું. દર વર્ષે માના દૂધ વિશે જાગૃતિ ફેલાય એ માટે પણ બ્રેસ્ટફીડિંગ વીક ઊજવવામાં આવે છે. જોકે જે સ્ત્રીઓ સ્તનપાન કરાવે છે એ બાળકના પોષણની ખરી ચેલેન્જ એના ૬ મહિના વીત્યા પછીની હોય છે. ૬ મહિના સુધી માએ પોષણ વિશે વિચારવાની ખાસ જરૂર નથી પડતી, કારણ કે બાળક સ્તનપાન પર જ હોય છે, પરંતુ ૬ મહિના પછીથી એ વિશે વિચારવાનું અને એ બાબતે પ્રયતલૃનશીલ બનાવાનું ખૂબ જ અઘરું છે અને અત્યંત જરૂરી પણ.

૬ મહિનાથી દોઢ વર્ષ સુધી

૬ મહિનાથી લઈને દોઢ વર્ષની ઉંમર સુધીનાં બાળકોનો ખોરાક અત્યંત મહત્વનો હોય છે. પહેલાં તો એક વસ્તુ સમજવી જરૂરી છે કે પોષણ બાળકને માના દૂધની સાથે-સાથે બાહ્ય ખોરાકમાંથી પોષણ દેવાનું આ ઉંમરમાં જ શરૂ થાય છે. આ એ ઉંમર છે જ્યારે બાળકને દાંત નથી હોતા માટે ફક્ત લિક્વિડ ખોરાક જ તે ખાય શકે છે. આ ઉંમરનાં બાળકો વિશે વાત કરતાં ફિમ્સ ક્લિનિક-માટુંગા અને વિલે પાર્લેનાં ન્યુટ્રિશનિસ્ટ અને બાળકોના પોષણ પર ઘણી બુક્સ લખનાર લેખક ધ્વનિ શાહ કહે છે, આ ઉંમર અત્યંત મહત્વની છે. બાળક જન્મે અને એક વર્ષનું થાય એ એક વર્ષની અંદર તેમનું વજન પાંચ ગણું વધે છે. એટલે કે તેનો વિકાસ એટલો થાય છે. આ સમયમાં જો પોષણ ઘટ્યું તો તેના વિકાસ પર અસર પડે છે. માટે જરૂરી છે કે આ દરમ્યાન તેના ખોરાકનું ઘણું ધ્યાન રાખવામાં આવે.

શરૂઆત શેનાથી

દોઢ વર્ષ પછી તેના દાંત આવી જાય એટલે ધીમે-ધીમે તે ચાવી શકે છે. આમ તેની પાસે ખોરાકના ઑપ્શન્સ વધી જાય છે, પરંતુ દોઢ વર્ષ સુધી તે ફક્ત પ્રવાહી સ્વરૂપમાં જ કોઈ પણ વસ્તુ ખાય છે અથવા તો કહી શકાય કે જે બાફેલું, પીસેલું, ગાળેલું હોય એ પ્રકારનો ખોરાક જ ખાય શકે છે, પરંતુ થાય છે એવું કે મોટા ભાગે લોકો આ કારણને લીધે દાળનું અને ભાતનું પાણી જ આપે છે. લગભગ એનાથી જ બાળકને બહારનો ખોરાક આપવાની શરૂઆત થાય છે. આ બાબતે વાત કરતાં ડોકટર કહે છે, એ વાત બરાબર છે કે બાળકને પીસેલું અને ગાળેલું જ ખવડાવી શકાય. જે એકદમ પાણી જેવું હોય અને બાળક ગટકી શકે. પહેલાંના સમયમાં બાળક ૪-૫ મહિનાનું થાય એટલે બહારનો ખોરાક શરૂ કરી દેતા. જેને માટે દાળનું પાણી કે ભાતનું ઓસામણ ઠીક કહેવાય, પરંતુ આજે બાળકને ૬ મહિના સુધી ફક્ત માનું દૂધ આપવાનો નિયમ છે ત્યારે બહારના ખોરાકની શરૂઆત કઈ બીજી હોય શકે છે. ખાસ કરીને તેને પહેલો ખોરાક કે બહારના ખાવાની શરૂઆત લાલ કે પીળા રંગનાં શાકભાજી કે ફળોથી કરવી જોઈએ. તરબૂચ, દાડમ, ટમેટાં, બીટ, ગાજર, પપૈયું, કોળું વગેરેમાંથી અેક પણ શાકભાજી કે ફળનો જૂસ બાળકને આપી શકાય છે. આ શાકભાજી અને ફળોમાં કેરોટિન હોય છે જે તેમના માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે.

શું આપવું?

જ્યારે ફળો કે શાકભાજીનો જૂસ આપવાની શરૂઆત કરો તો શરૂઆત બે ચમચીથી કરવી જોઈએ અને આગળ જતા પ્રમાણ વધારતાં એક કપ સુધી લઇ જઈ શકાય. જો એ એક કપ પીવા લાગે તો તેનું એક ટંકનું માનું દૂધ ઓછું કરી શકાય. આમ ધીમે-ધીમે બાળકનો માના દૂધ પરનો આધાર છૂટવા લાગે છે અને બહારનો ખોરાક એનું સ્થાન લે છે. શાકભાજી અને ફળોનો રસ આપવો ખૂબ જ જરૂરી છે. એની સાથે-સાથે મગનું કે દાળનું પાણી, ભાતનું ઓસામણ જેવું એકાદ મહિનો અપાય. સાતમા મહિનામાં કાંજી અને ખીર જેવી વસ્તુઓ શરૂ કરી શકાય, નવમા મહિને જુદા-જુદા શીરા આપી શકાય જેમાં એકાદ બદામ કે અખરોટ વગેરે પાઉડર કરીને નાખીને આપી શકાય. ૧૦ મહિને પાંદડાવાળી શાકભાજી આપવાની. બાળકોને પચવામાં ભારે પદાર્થ નથી આપતા અને ફાઇબરવાળો ખોરાક પણ નહીં. માટે જ ફળો અને શાકભાજીના રસ જ આપવામાં આવે છે. શરૂઆતમાં સૂપ કરતાં જૂસ આપવો વધુ યોગ્ય છે. ધીમે-ધીમે સૂપ ચાલુ કરી શકાય.

કઈ રીતે ખવડાવવું

બાળકને દૂધ છોડીને બીજી વસ્તુઓ ખવડાવવી અઘરી છે, કારણ કે મોટા ભાગનાં બાળકો જેટલી સરળતાથી દૂધ પીએ છે એટલી સરળતાથી ખાતાં નથી, પરંતુ એ માટે માના પ્રયતલૃનો અગત્યના છે. એ સમજાવતાં મધર કેર હોસ્પિટલ-અંધેરી અને ક્રિટિકેર હોસ્પિટલ-જુહુનાં પીડિયાટ્રિશ્યન ડોકટર કહે છે, અમુક બાળકો શરૂઆતમાં ખાતાં જ નથી. મોઢામાંથી કાઢી નાખે, રડવા લાગે, ચમચી માટે મોઢું ખોલે જ નહીં વગેરે, પરંતુ આવા સમયે ધીરજ રાખવી જરૂરી છે. ઘણી વખત પરાણે ખવડાવવું પડે, રડાવીને ખવડાવવું પડે તો પણ ખવડાવવું. આ બધું વધુમાં એકાદ અઠવાડિયું ચાલશે. ત્યાં સુધીમાં બાળકનો ટેસ્ટ ડેવલપ થઇ જશે અને પછી એ ખાશે. પહેલી જ વારમાં એવું ન સમજો કે તેને ભાવતું નથી એટલે એ ખાતું નથી. હકીકત એ છે કે એ ભાવે એ માટે તેનો ટેસ્ટ અત્યારે ડેવલપ કરવાનો છે. તેને ખવડાવશો તો જ તેને ભાવશે, બાકી નહીં ખાય. બાળક ખાય લે એ માટે જ્યારે તેને ભૂખ લાગી હોય, જ્યારે તે ખુશ થઈને રમતું હોય ત્યારે જ તેને ખવડાવવું. જો તે એક વખત મોઢામાંથી કાઢી નાખે તો પણ તેને ખવડાવવું. પ્રયતલૃન સતત કરવા જરૂરી છે.

ફાયદો

ઘણા પેરન્ટ્સને ફરિયાદ હોય છે કે તેમનાં બાળકોના ખાવામાં ખૂબ નખરાં છે. જો છ મહિનાથી દોઢ વર્ષ સુધીની ઉંમરમાં તેને જો દરેક સ્વાદ આપવામાં આવે તો આવાં બાળકો ફઝી ઈટર્સ નથી બનતાં એટલે કે મોટાં થાય ત્યારે ખાવામાં નખરાં નથી કરતાં. આ બાબતે સમજાવતાં ધ્વનિ શાહ કહે છે, મને આ ભાવે અને આ ન ભાવે એવું આ બાળકોમાં જેણે પહેલેથી જ બધાં શાકભાજી અને ફળો ખાધાં છે તેમનામાં જોવા નથી મળતું, કારણ કે આ સમય સુધીમાં જ બાળકના બધા ટેસ્ટ ડેવલપ કરવાના હોય છે. જો તેને નહીં ખવડાવો તો ટેસ્ટ ડેવલપ નહીં થાય અને આગળ જતાં મુશ્કેલી થશે. બીજું એ કે ગઢયો અને ખારો ટેસ્ટ બાળકને એક વર્ષની ઉંમર પછી જ ખબર પડે છે. ત્યાં સુધી એ ટેસ્ટ જ બાળકના મોઢામાં નથી આવતો. એટલે એક વર્ષથી નાનાં બાળકોને ગઢયું કે ખારું આપવાની જરૂર નથી. ઘણા લોકો આજકાલ બાળકને એક વર્ષ સુધી મીઠું આપતા જ નથી એનું આ જ કારણ છે. જોકે આપો તો પણ કંઈ નુકસાન નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.