Abtak Media Google News

છ વર્ષની ટોચે પહોચેલો ગરીબો ઉપરનો બોજ: દેશની ૮૦ ટકા વસ્તી અર્ધ ભૂખી, અર્ધ નગ્ન: સનસનીખેજ આંકડા: પરિસ્થિતિ હજુ વણસવાની ચીમકી: માણસ કોડીનો બનતો રહ્યો હોવાની ચિંતા: સત્તાધીશો આર્થિક ક્ષેત્રે ગોટે ચઢયા હોવાનું ઉપસતું ચિત્ર: જંગી ખર્ચાઓમાં જંગી કાપ નહિ મૂકાય તો વધુ કફોડી બનશે સ્થિતિ

આપણે ત્યાં દિલ્હીની ચૂંટણીમાં કેજરીવાલની આમઆદમી પાર્ટીનો કલ્પનામાં ન આવે એટલો જવલંત વિજય થયો છે તેની પાછળનાં કારણો તપાસીએ તો એક બહુ મોટું કારણ કારમી અને હજુ બેકાબુ બનતી જતી મોંઘવારી છે.

આપણા દેશમાં સવા અબજ જેટલી જનસંખ્યા પૈકી ૮૦ ટકા વસ્તી ગરીબ અને રાક્ષસી મોંઘવારીની પીડા ભોગવી રહી છે. એમ સત્તાવાર રીતે જણાવાયું છે.

આ લોકો અર્ધભૂખ્યા અને અર્ધનગ્ન હાલતમાં તેમનાં અલભ્ય મનુષ્યજીવન ગુજારે છે. આ લોકો સ્વાભાવિકરીતે એવો પોકાર કરતા રહ્યા છે કે, અમને બંદૂકની ગોળીએ મારી નાખો તો ભલે મરી નાખો પણ જો ભૂખે મારશો તો દિલ્હીની જેમ તમામ ચૂંટણીઓ હારી જશો.

આ પોકારને રખે કોઈ ઓછો ગંભીર અને ક્ષુલ્લક ગણે ! સંત તુલસીદાસે લખ્યું છે કે, ‘તુલસી, હા ગરીબ કી કબ હુ ન ખાલી જાય… મૂઆ ઢોર કે આમસે લોહા ભસ્મ હો જાય !’

હમણા હમણા આપણો દેશ કારમી મોંઘવારીની બાબતમાં વિશ્ર્વના અતિ ગરીબ દેશોની સાથે હરિફાઈ કરતો હોવાનો સાચો-જૂઠો ખ્યાલ ઉપસે છે. આપણે ત્યાં એક કહેવત છે કે, ‘બંદૂકની ગોળીએ ભરવા કરતાં ભૂખે મરવું વધુ કઠિન છે.’

આપણે ત્યાં એક બીજી કહેવત પર છે કે કોઈ મોટા યોધ્ધાની સાથે ઝગડો તકરાર ભલે કરો, પણ કોઈ ભૂખ્યા માણસ સાથે ઝગડો તકરાર કરીને એને છંછેડવાની ભૂલ ન કરજો, એ ભારે પડી જશે ?

એક અહેવાલ દર્શાવે છે કે ગત કેટલાક અઠવાડીયામાં આવેલા આર્થિક આંકડાઓ જોતા એવું લાગી રહ્યું હતુ કે હવે દેશની અર્થ વ્યવસ્થામાં સુધરવા લાગી છે. પણ બુધવારના રોજ મોંઘવારી અને ઔદ્યોગીક ઉત્પાદનના આંકડાઆએ ફરી એક વખત સરકરની ચિંતામાં વધારો કર્યો છે. ખાણીપીણીની ચીજ વસ્તુઓ મોંઘી થવાના કારણે જાન્યુઆરીમાં છૂટક મોંઘવારી દર વધીને ૭.૫૯% પર પહોચી ગયો કે જે ગત ૧ વર્ષમાં ઉચ્ચસ્તર પર છે. સતત છઠ્ઠા મહિને આ રીતે મોંઘવારી દરમાં વધારો જોવા મળી રહ્યો છે.

આપણુ અર્થતંત્ર આટલી હદે કથળ્યું છે તેનું એક કારણ આપણા દેશની ચૂંટણી પધ્ધતિ અને સત્તાભૂખ છે. રાજગાદીલક્ષી રાજકારણ છે અને વહીવટીતંત્ર અતિ ખર્ચાળ છે. આમાંથી ઉગરવાનો ઉપાય જંગી કરકસર કરવાનો અને ઉત્પાદન વધારવામાં એનો ઉપયોગ કરવાનો છે.

આપણા દેશનું રાજકારણ દેશદાઝ અને દેશભકિત ઉપર આધારિત હોવું જોઈતું હતુ એના બદલે આપણા દેશમાં દેદાઝનો કારમો દુકાળ પ્રવર્તે છે.

રાક્ષસી મોંઘવારી અને બેકાબુ વધતા જતા જીવન જરૂરી ચીજોનાં ભાવ આ દેશના લોકોને જિન્દગી ટકાવી રાખવાની એટલી બધી ગડમથલમાં રાખે છે કે, સત્તાધીશોના કાને પોતાની પીડાનો પોકાર પહોચાડવા જેટલો સમય પણ એમને મળતો નથી!

આપણા દેશના કરોડો લોકો બેકાર અને બેરોજગાર છે. જો આ માનવસંપતિ-માનવસંસાધનનો સદુપયોગ કરવામાં આવે અને એને એળે જવા દઈને એમને આ દેશના અતિ બિમાર તથા કથળતા જતા અર્થતંત્ર ઉપર વિનાશક બોજ ન બનવા દેવાય તો તે સારી પેઠે ઉપકારક બની શકે તેમ છે. કમનશીબે, અત્યારે આપણા દેશની વર્તમાન હાલત આપણે આપણા હાથે જ સર્જી છે.

વડાપ્રધાને એવી ટીકા કરી છે કે, આપણા દેશના મોટાભાગના લોકો ટેકસ નથી ભરતા એ કારણે આજની સ્થિતિ સર્જાઈ છે.

એમની આ ચિંતા કેમ સર્જાઈ એ સવાલ જેવો તેવો નથી…

સરકાર એમની અને સમસ્યા પણ એમની જે સરવાળે દેશની પ્રજાને સ્પર્શે છે !

રકાર ગમે તેમ કરે, પણ કારમી મોંઘવારીનો સીલસીલો તાકીદે અટકવો જોઈશે. નહિતર પ્રજાકીય બળવો ભભૂકયા વિના નહિ રહે એમ કહ્યા વિના છૂટકો નથી!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.