Abtak Media Google News

કેન્દ્ર સરકારે નવા નિયમનો પરિપત્ર કર્યો, હવે જવેલર્સએ ચેતવું પડશે, ૧૦ લાખથી વધુનો મુદામાલ પૂરતા આધાર પુરાવા સાથે જ રાખવો પડશે નહીંતર મની લોન્ડરિંગ ગણાશે

કેન્દ્ર સરકારે ૨૮ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ એક પરિપત્ર બહાર પાડીને ઝવેરાત ઉદ્યોગને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(પીએમએલએ)હેઠળ આવરી લીધો છે. પરિપત્ર અનુસાર હવેથી કોઇ પણ જવેલર્સ રૂ. ૧૦ લાખ કે તેથી વધુ કિંમતની રોકડ કે સોનુ વગર આધારે રાખશે તો જેલને નોતરશે. જો આધાર પુરાવા નહિ હોય તો  તેની સામે ઇડી કાર્યવાહી કરશે. જો કે આ નિયમ સામે જ્વેલર્સ તેમજ બુલિયન એસોસિએશનો વિરોધ જોવા મળી રહ્યો છે.

સરકારના આ નિયમથી ઝવેરીઓએ હવે ખૂબ સાવચેત રહેવું પડશે. રૂ.૧૦ લાખ કે તેથી વધુનું સિંગલ ટ્રાન્ઝેક્શન કોઈ આધાર પુરાવા વગરનું હશે તો સીધો જ મની લોન્ડરિંગ એક્ટ લાગુ પડી જશે અને ઇડીના દરોડા પડશે. મની લોન્ડરિંગ એક્ટ હેઠળ સજાની જોગવાઇ ખૂબ જ કડક છે. વધુમાં ઇડીને સતા પણ મળશે કે આધાર પુરાવા વગરના નાણાં કે ગોલ્ડ સિઝ કરી વધુ તપાસ હાથ ધરી શકશે. માટે હવે ૧૦ લાખથી ઉપરની કિંમતના ગોલ્ડ કે રોકડ માટે જવેલર્સે ચેતતા રહેવું પડશે અને તમામ આધાર પુરાવા સાથે રાખવા પડશે.

જવેલર્સ માટે દૈનિક રૂ. ૮થી ૧૦ લાખના ટ્રાન્ઝેક્શન સામાન્ય

જવેલર્સના જણાવ્યા પ્રમાણે એક દિવસમાં રૂ. ૮થી ૧૦ લાખના ટ્રાન્ઝેક્શન સામાન્ય થઇ ગયા છે. જો આના માટે મની લોન્ડરિંગનો કાળો કાયદો લાવવામાં આવશે. તો માઠી અસર પહોંચશે. આમ જવેલર્સનો આ કાયદા સામે ભારે વિરોધ ઉઠી રહ્યો છે. આ મામલે સરકારને રજૂઆતોનો ધોધ વહેવાનો છે અને જવેલર્સને રાહત આપવાની માંગ ઉઠાવવામાં આવનાર છે.

તો.. જવેલર્સનો ધંધો ૫૦ ટકા ઓછો થઈ જશે

એક અંદાજ મુજબ ૧૦ લાખનું ટ્રાનઝેક્શન અત્યારના સમયમાં સામાન્ય છે. આ નવા કાયદાથી જવેલર્સ વેપારીઓના ધંધા ૫૦ ટકા થઇ જશે તેવી દહેશત વ્યકય કરવામાં આવી રહી છે. આમ ઝવેરાત ઉદ્યોગ માટે હવે ઇઝ ઓફ ડુઈંગ રહ્યું નથી. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ સરકાર દ્વારા રૂ. ૨ લાખ કે તેથી વધુના ઝવેરાતના ખરીદ-વેચાણ પર પાનકાર્ડ ફરજિયાત બનાવવામાં આવ્યું હતું

જવેલર્સને કાળાબજારીયા તરીકે ન જુઓ: કાઉન્સિલ

ઓલ ઇન્ડિયા જેમ એન્ડ જવેલરી ડોમેસ્ટિક કાઉન્સિલના ડિરેકટર એસ. અબ્દુલ નાસીરે નવા કાયદા વિશે જણાવ્યું કે સરકાર દરેક જવેલર્સને કાળાબજારીયા તરીકે ન જુએ. ઇડી એરપોર્ટ ઉપરથી થતા ગોલ્ડ સ્મગલિંગને શોધવામાં નિષફળ રહ્યું છે જેથી આ કાયદો થોપવામાં આવ્યો છે જેનાથી વેપારીઓ હેરાન થશે.

જો આધાર-પુરાવા નહીં હોય તો ૩થી ૭ વર્ષની જેલ!

કોઈ જવેલર્સ પાસેથી ૧૦ લાખથી વધુની રોકડ કે  ગોલ્ડ મળશે અને આધાર પુરાવા નહિ હોય તો તેને ૩થી ૭ વર્ષની જેલ થઈ શકશે. ઉપરાંત જે સોનુ કે રોકડ સિઝ કરવામાં આવશે તેનો ૮૨.૫ ટકા હિસ્સો સરકારમાં આપવો પડશે અને જરૂર પડ્યે જવેલર્સની મિકલત પણ કબ્જે લઈ શકાશે. આ ઉપરાંત આવા કેસમાં ઇડી સ્વતંત્ર પણે તમામ તપાસ પણ કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.