Abtak Media Google News

સુરત પોલીસ કમિશનરે પ્રસિધ્ધ કર્યું જાહેરનામુ: યુવાનો હિંસક રીતે જન્મદિવસની ઉજવણી કરતા હોવાથી લેવાયો નિર્ણય

મુખ્ય માર્ગો તેમજ જાહેર સ્થળો પર હિંસક રીતે જન્મ દિવસની ઉજવણી  કરવામાં આવે છે. સેલોટેપ લગાડી, કેમિકલ કે ફોમની સાથે ઉજવણી કરતાં લોકોની હવે ખેર નથી. આ રીતે ઉજવણી કરતા જે ઝડપાશે તેને સુરત પોલીસ જેલ ભેગા કરી દેશે. જાહેર રસ્તા પર કેટલાક લોકોનો બર્થ ડે સેલિબ્રેટ કરી, તેના મોઢા પર કેક લગાવવાના કેટલાક ઉદાહરણોને જોયા બાદ સુરત પોલીસ કમિશનર સતિષ શર્માએ આ નિષેધક આદેશ જાહેર કર્યો છે.

પોલીસ કમિશનરના આદેશો બાદ આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ, સ્પેશિયલ બ્રાન્ચ, પી.એલ. ચૌધરીએ આઈપીસી ૧૮૮ અંતર્ગત આદેશોની અવગણના ન થાય તે માટે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જે અંતર્ગત પોલીસ આ જાહેરનામાનો ભંગ કરતી કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરી શકશે.

શહેર પોલીસ કમિશનર સતિષ શર્માએ કહ્યું કે, અમને તે ઘટનાઓ વિશે જાણકારી મળી છે, જેમાં ઘણી વ્યક્તિોને જન્મદિવસની ઉજવણી દરમિયાન ઈજા પહોંચી હોય. ડુમસ રોડ તેમજ કેટલાક બ્રિજ પર આવી ઘટના બનતી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને ધ્યાનમાં લઈને નિર્ણય લેવામાં આવ્યો છે.

થોડા દિવસ પહેલા જ પોલીસના ધ્યાનમાં આવ્યું હતું કે જાહેર જગ્યાઓ પર ખાસ કરીને મુખ્ય માર્ગો પર થતી જન્મદિવસની ઉજવણી હિંસક હોય છે. એક યુવકનો બર્થ ડે સેલિબ્રેટ કરવામાં આવી રહ્યો હતો તે સમયે તેને પહેલા બાંધી દીધો હતો અને બાદમાં તેના પર ઈંડા ફેંકવામાં આવ્યા. પાડોશીનું ધ્યાન જતાં તેણે યુવકને છોડાવતા તે બેભાન થઈને નીચે ઢળી પડ્યો હતો તેમ પોલીસના સૂત્રોએ જણાવ્યું.

સતિષ શર્માએ કહ્યું કે, આ જાહેરનામું એક સ્પષ્ટ મેસેજ અને લોકોમાં જાગરુકતા ફેલાવવા માટે બહાર પાડવામાં આવ્યું છે કે, કેટલાક પ્રકારની ઉજવણી જીવન માટે ખતરારૂપ હોય છે અને તેનાથી બચીને રહેવું જોઈએ. પોલીસ માત્ર જાહેર માર્ગ પર કેક લગાવનારને નહીં, પરંતુ પીટાઈ કરનારને તેમજ અન્ય સંબંધિત ગુનાઓમાં પણ કેસ દાખલ કરશે.

હિંસક રીતે જન્મદિવસની ઉજવણીની બાબતમાં પોલીસ રસ્તા તેમજ અન્ય જાહેર સ્થળો પર પેટ્રોલિંગ કરશે. પોલીસ પેટ્રોલિંગ ટીમ આવી રીતે થતી ઉજવણીઓ પર પણ નજર રાખશે તેમ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું. ડુમસ રોડ પર જન્મદિવસની ઉજવણી નિયમિત રીતે થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.