Abtak Media Google News

સ્ટાર રનર્સ અને શહેરોના મેરેથોન એમ્બેસેડર સાથે લગાવશે રાજકોટના દોડવીરો

ફિટ ઈન્ડિયાના સૂત્રને સાર્થક કરવાનો આયોજકોનો કોલ: રજિસ્ટ્રેશન માટેની છેલ્લી તા.૧૫ ડિસેમ્બર

રાજકોટ જ નહીં બલ્કે સૌરાષ્ટ્ર-ગુજરાત અને ભારતના દોડવીરો જેની આતૂરતાથી રાહ જોઈને બેઠા છે તે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રોટરી ક્લબ ઓફ મીડટાઉન આયોજિત સવન રાજકોટ મેરેથોનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જેમ જેમ મેરેથોનની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ દોડવીરોનો ઉત્સાહનો પારો પણ ઉંચે ચડી રહ્યો છે. આ મેરેથોનમાં સ્ટાર રનર્સ અને અન્ય શહેરોના મેરેથોન એમ્બેસેડર સાથે દોડ લગાવવાની ઉમદા તક હોય રજિસ્ટ્રેશન માટે રીતસરનો ધસારો જોવા મળી રહ્યો છે. દરમિયાન આયોજકો દ્વારા ફિટ ઈન્ડિયાના સૂત્રને સાર્થક કરવાનો કોલ અપાયો હોય તેને સાર્થક કરવા માટે પણ તૈયારીઓને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે. મેરેથોનમાં ભાગ લેવા માટેની છેલ્લી તારીખ ૧૫ ડિસેમ્બર રાખવામાં આવી હોય દોડવીરોને વહેલી તકે રજિસ્ટ્રેશન કરાવી લેવા અપીલ કરવામાં આવી છે.

વિશેષમાં આયોજકોએ જણાવ્યું હતું કે રાજકોટના આંગણે ફરી એક વખત મેરેથોનનું સુંદર આયોજન ૨૯ ડિસેમ્બરે કરવામાં આવ્યું છે ત્યારે દરેક શહેરીજને ફિટ રહેવા માટે તેમાં ભાગ લેવો જ જોઈએ. દર વર્ષની માફક આ વર્ષે પણ ૫, ૧૦ અને ૨૧ કિ.મી. (હાફ મેરેથોન)નું આયોજન કરવામાં આવ્યું હોય લગભગ દરેક કેટેગરીમાં બહોળી સંખ્યામાં રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે. આયોજકો દ્વારા આ મેરેથોનમાં સ્ટાર રનર્સને પણ આમંત્રીત કરવામાં આવ્યા હોય તેઓ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ શહેરના દોડવીરોના જોમમાં ઉમેરો કરશે.

આયોજકોએ ઉમેર્યું કે આઈએએએફ-એઆઈએમએસ કે જે ઈન્ટરનેશનલ મેરેથોનનું આયોજન કરે છે તેના દ્વારા રાજકોટની મેરેથોનના રૂટને પણ લીલીઝંડી આપી દેવામાં આવી છે. આ મેરેથોન દરમિયાન દોડવીરોનો ઉત્સાહ યથાવત રહે તે માટે ઠેર ઠેર આકર્ષક પોઈન્ટ ઉભા કરવામાં આવશે અને આ પોઈન્ટ ઉપર ડી.જે.સહિતની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત હેલ્થ ડ્રીંક્સ સહિતની ખાન-પાન પણ પીરસવામાં આવશે. ખાસ કરીને પાંચ કિલોમીટરની મેરેથોનમાં દોડવીરોને પૂરતું મનોરંજન મળી રહે તે માટે ડી.જે. ઉપરાંત મેરેથોન કાર્નિવલનો માહોલ ઉભો કરવામાં આવશે. જ્યારે ૨૧ કિલોમીટરના રનર્સ માટે હાઈડ્રેશન પોઈન્ટ ઉપરાંત એનર્જી ડ્રીન્ક અને સપ્લીમેન્ટરી ફૂડ સહિતની વ્યવસ્થા કરવામાં આવશે. મેરેથોનમાં ભાગ લેવા માટે દોડવીરે અમીન માર્ગ પર આવેલી રોટરી મીડટાઉન ક્લબ લાઈબ્રેરીનો સંપર્ક કરવાનો રહેશે. જ્યારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા માગતાં દોડવીરો www.rajkotmarathon.in ઉપર નોંધણી કરાવી શકાશે. વધુ વિગતો માટે ફોન નં.૭૫૭૫૦૦૮૦૩૮/૫૮ ઉપર સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.