Abtak Media Google News

સ્વાતંત્ર્ય સંગ્રામના એક ભાગરૂપે યોજાયેલ ઐતિંહાસીક દાંડીકૂચ વખતે તા.૧૨મી માર્ચ, ૧૯૩૦ બુધવારે પોરબંદર-ગુજરાતમાં  જન્મેલા એક ઋષિએ કૂચની છેક આગલી સાંજની પ્રાર્થનાને ટાંકણે મહાત્મા ગાંધીએ ઉચ્ચારેલા શબ્દો અને તેમનું ભાષણ અક્ષરશ: આવું હતુ: ‘સાવ સંભવિત છે કે આજે તમારી પાસે આ મારૂ છેલ્લું વ્યાખ્યાન હોય. સવારના જો સરકાર (બ્રિટીશરાજ) મને કૂચ કરવા દેશે તો પણ આ સાબરમતીનાં પવિત્ર કાંઠે મારી જિંદગીનું પણ આ છેલ્લું ભાષણ હોય ! એમ માની લો કે આવતીકાલે સરકારે મને અને મારા સાથીઓને પકડી લીધા હોય

અને જેલમાં પૂરી દીધા હોય તો પણ કૂચનો કાર્યક્રમ તો ચાલવો જ જોઈએ. આ માટેની ભરતી ગુજરાતમાંથી જ થશે મને ખાતરી છે કે, કૂચની અખંડ ગંગાધારા ચાલ્યા જ કરશે. અમે બધા પકડાઈ જઈએ તોપણ અશાંતિ મુદ્દલ ન જ થાય. આ મારા શબ્દો આખા હિન્દુસ્તાનમાં પોચી જાઓ જો આ ટુકડી કે હુંખપી જાઉં તો અમારૂ કાર્ય તો પૂરૂ થયું અને અમારો ધર્મ બજી ગયો. ત્યારે પછી વર્કિંગ કમિટી દોરે તે પ્રમાણે તમારે મકકમપણે તમારે દોરાવાનું છે.

મારા સાથીઓ જેઓ અહિંસાને ધર્મ તરીકે માનતા હોય, તેમના હાથમાં એ લગામ આ પછી પણ હશે પરંતુ મહાસભાને જે કાર્યક્રમ ગોઠવવો હોય તે ગોઠવી શકે છે. મારી એક જ વિનંતી છે કે, મીઠાનો કાયદો તોડવો એ આપણું લક્ષ્ય છે. એ ન ભૂલાય અને મંઝિલ પણ એ જ છે તે ન ભૂલાય… આત્મ વિશ્વાસથી જે કરવું હોય તે કરવાનો અધિકાર છે, અધિકાર જ નહિ ધર્મ પણ છે.

હા, ‘આ બધામાં શાંતિ અને સત્યને માર્ગે જે સ્વરાજ મેળવવાની આપણી પ્રતિજ્ઞા છે. આને સૌ મારૂ વસિયતનામું ભલે સમજે, કૂચ કરતાં પહેલા અને જેલ જતાં પહેલા આટલો જ મારે સંદેશો આપવાનો છે. જે યુધ્ધનો આરંભ આવતી કાલથી થવાનો છે. અથવા હું એકાદ કલાક્માં પકડાવાનો હોઉં તો ત્યારથી આને મારો છેલ્લો સંદેશો ગણાવો ! આ યુધ્ધ સ્વરાજ મળતાં સુધી કદી બંધ ન થાય. આપણો કેસ સાચો છે. આપણાં સાધન શુધ્ધમાં શુધ્ધ છે. અને જયાં શુધ્ધ સાધન છે. ત્યાં પરમેશ્વર છે’.

‘લડતની ગરમી રોજે રોજ વધતી જ રહી છે. સાબરમતીનો સત્યાગ્રહ આશ્રમ તીર્થ સ્થાન થઈ પડયો છે. ૧૨મી માર્ચે દાંડીકૂચનું રોમાંચિત બનેલું દ્રશ્ય જોવા માટે દેશવિદેશના હજારો લોકો અમદાવાદમાં ઉભરાવા લાગ્યા છે. દેશ-પરદેશના ખબર પત્રીઓ મોટી સંખ્યામાં ઉતરી પડયા છે. અઠવાડિયાથી સાંજની પ્રાર્થના સભા નદીની રેતમાં થવા લાગી છે. આવી એ પ્રાર્થનાસભામાં તેમના મુખમાંથી ઉદગાર નીકળ્યા કે, ‘મારો જન્મ બ્રિટીશ સામ્રાજયનો નાશ કરવા માટે જ થયો છે હું કાગડાને મોતે મરીશ, કૂતરાને મોતે મરીશ, પણ સ્વરાજ લીધા આ આશ્રમમાં પગ મૂકવાનો નથી’

પોરબંદર-ગુજરાતમાં જન્મેલા આ ઋષિ-મહામાનવનો આ કાગડાને મોતે મરવાનો કૂતરાને મોતે મરવાનો લલકાર મૂર્તિમંત થયો નહિ ત્યાં સુધી તેઓ મહાન તપસ્વીની જેમ તપ તપ્યા!…આ રોમાંચક ઘટના અત્યારે એ કારણે રણઝણી છે કે, આપણા દેશનું રાજકારણ ધરણા ઉપવાસ, સત્યાગ્રહ અને સત્ય અહિંસાની તાતી જરૂરતની ગરજ સારે છે.

લોકસભાની ચૂંટણીનો ઉકળાટ વિકરાળ દવનું સ્વરૂપ ધારણ કરે એવી વિષમતાએ પહોચ્યો હોવાનાં દ્રશ્યો નજર પડે છે. પશ્ર્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનરજી અને ભાજપના નેતાઓ વચ્ચે જાગેલા રાજકીય ભડકો, રામમંદિર નિર્માણનાં એટમબોમ્બ સમા ધડાકા-ભડાકા એની પ્રતીતિ કરાવે છે.

તા.૧૨મી માર્ચે ડોકિયા કરે છે. દાંડીકૂચની રોમાંચક યાદ વચ્ચે સ્વાતંત્ર્ય પ્રાપ્તિનું શાંતિ -અહિંસા તથા સત્ય આધારિત અભૂતપૂર્વ યુધ્ધ આપણા દેશની રાજકીય ક્ષિતિ જે ઝળુંબે છે. ચૂંટણી લક્ષી અને રાજસિંહાસનલક્ષી રાજકીય લડાઈ આગામી મહિનાઓમાં કેવી કેવી સનસનાટીઓ આપણે સૌએ નિહાળવી પડશે એ કહેવું મુશ્કેલ છે! ‘ગાંધી વિચારધારા’નો બનાવટી અંચળો ઓઢવાની અનિવાર્યતા પણ આપણા રાજકીય ક્ષેત્રે માયાવી આંટાફેરા કર્યા વિના નહિ રહે!

રાજકીય ગઠબંધન, રાજકીય સાચુજય, રાષ્ટ્રીય સરકાર અને હાલની શાસન પધ્ધતિમાં ફેરફારનાં મુદાઓ રાષ્ટ્રીયચર્ચાને નોતરે, હાલની રાજનીતિમાં મોટી ઉથલપાથલનાં શંખ ફૂંકાય તેમજ તાનાશાહ સળવળે, એવી ભીતિસતત રહ્યા કરશે એમ જણાયા વગર રહેતું નથી ! રાજસત્તા અને ધર્મસત્તા, એમ બંનેની અગ્નિપરીક્ષા થવાની સંભાવનાને પણ નકારાય તેમ નથી!

એમાંય જો સંઘર્ષનું અને અંદર અંદરની રાજકીય બાથંભરીનું વર્તમાન હવામાન સુધરવાને બદલે બેકાબુ બનશે, રાષ્ટ્રીય એકતાની છિન્નભિન્નતા વકરશે અને અર્થતંત્ર તથા નાણાંકીય બેહાલી, મતિભ્રષ્ટતા, પાપાચાર, મોંઘવારી અને બેરોજગારી વિકરાળ બન્યા વિના નહિ રહે તો રાષ્ટ્રપતિ મહાત્માગાંધીના દાંડીકૂચ વખતના રણટંકારનાં શબ્દો યાદ આવ્યાવિના નહિ રહે અને ‘કાગડાનાં મોતે મરવાની ને કૂતરાના મોતે મરવાની ભૂતાવળ આપણી માતૃભૂમિએ સહેવી જ પડશે!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.