રાજકોટમાં રિસામણે રહેતી પરિણીતા પર મેંદરડામાં પતિએ કર્યો ખુની હુમલો

દંપતી વચ્ચે ચાલતા ઘરકંકાસ અને બે સંતાનોના ભરણપોષણ અંગે સમજાવટ કરવા ગયેલી માતા-પુત્રી પર જમાઈએ છરી વડે હુમલો કર્યો: આરોપીની ધરપકડ

જુનાગઢ જીલ્લાના મેંદરડા તાલુકામાં ઘર ખાલી કરી, સંતાનો આપવા મુદ્દે ટપારવા ગયેલી પત્ની પર પતિએ છરી વડે જીવલેણ હુમલો કરી ૧૦ થી ૧૨ જેટલા ઘા ઝીંકી દીધા અંગેની મેંદરડા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગણતરીની કલાકોમાં આરોપી પતિને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટનાં રૈયાધાર મફતીયાપરામાં માવતરે રહેતી મધુબેન રવજીભાઈ બારૈયા નામની ૩૫ વર્ષીય પરિણીતા પોતાની માતા જયાબેન હસમુખભાઈ ડાભી (ઉ.વ.૫૫) સાથે મેંદરડા તાલુકાના સાત ઓટલા પાસે રહેતા પતિ રવજી બારૈયા (ઉ.વ.૩૫)ના ઘરે સંતાનો રાખવા મુદ્દે સમજાવટ કરવા ગયા હતા જયાં ઘર ખાલી કરવા મુદ્દે તથા બે સંતાનો રાખવા મુદ્દે ઉશ્કેરાયેલા પતિ રવજી બારૈયાએ છરી વડે તેની પત્ની મધુબેન પર ખુની હુમલો કરી ૧૦ થી ૧૨ જેટલા ઘા ઝીંકી દીધા હતા. ઝઘડામાં પુત્રી મધુને છોડાવવા પડેલા માતા જયાબેન ડાભી પર પણ જમાઈએ છરી વડે હુમલો કરી નાસી છુટયો હતો. ઘવાયેલા માતા-પુત્રીને પ્રથમ સારવાર અર્થે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.

ખુની હુમલાના બનાવ અંગે મેંદરડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ આર.એ.જાડેજાની ટીમે મધુબેન બારૈયાની ફરિયાદ પરથી પતિ રવજી બારૈયા સામે ખુની હુમલો, મારામારી, જાહેરનામા ભંગની કલમો હેઠળ ગુનો નોંધી ગણતરીની કલાકોમાં આરોપી રવજી બારૈયાને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી રવજી બારૈયા હીરા ઘસવાની છુટક મંજુરી કરતો હોય અને છેલ્લા ઘણા સમયે સંતાનો રાખવા મુદ્દે અને ઘર ખાલી કરવા મુદ્દે ઘરકંકાસ ચાલતો હતો જે બાબતનું મનદુ:ખ રાખી હુમલો કર્યાની કબુલાત આપવાનું ખુલ્યું હતું.

Loading...