સરકારે મહત્વની કામગીરી ન કરતા માનવ અધિકાર પંચે નોટિસ ફટકારી: સાગઠીયા

કોરોના સમયમાં ગરીબ, શ્રમિકો માટે

અમે કલેકટરને વારંવાર રજૂઆત કરી છતાં તંત્રે પગલા ન લીધા

મહાપાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાના તંત્ર પર પ્રહાર

ગુજરાત સરકારે કોરોના મહામારીમાં ગરીબો અને શ્રમિકો માટે નક્કર કામગીરી કરી જ નથી એટલે શ્રમિકોના પ્રશ્ર્ને માનવ અધિકાર પંચે ગુજરાત સરકારને નોટિસ ફટકારી છે તેમ રાજકોટ મહાપાલિકા વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વિશ્વમાં કોરોના કોવિડ-૧૯ મહામારી કે કહેર મચાવ્યો છે ત્યારે ભારત સરકારે કોરોના મહામારી પગલે લોકડાઉન અમલમાં મુક્યું છે તેમજ લોકડાઉનની સ્થિતિમાં હાલ સમગ્ર ભારત દેશ ચોથા તબક્કામાં કોરોના કોવિડ-૧૯ મહામારી સામે ઝઝુમી રહ્યો છે તેમજ ગુજરાત રાજ્યમાં રાજ્ય સરકાર દ્વારા કામગીરી અને અમલવારીમાં લાલિયાવાળી જોવા મળી છે અને સરકારે તકેદારીના પગલાઓ લેવામાં પણ કાળજી રાખી નથી તેમજ રાજકોટ શહેર અને જિલ્લામાં લોકડાઉનના પગલે રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા દ્વારા અનેકવિધ માંગણીઓ કરવામાં આવેલ હતી તે બાબતે રાજકોટ કલેકટર અને ગુજરાત સરકારે ગંભીરતા દાખવી ન હોવાના કારણે રાજકોટ શહેર-જિલ્લામાં વસવાટ કરતા લોકો અને લોકડાઉનમાં ફસાયેલા લોકો અને શ્રમિકોને પોતાના વતનમાં મોકલવા અંગે અવારનવાર રજૂઆત કરી હતી પરંતુ કલેકટરે અમારા દ્વારા કરવામાં આવેલ રજૂઆતના પગલે ગંભીરતા ન દાખવી જેથી લોકો અને શ્રમિકો હેરાન પરેશાન થઇ ગયા.

તદુપરાંત સુપ્રીમ કોર્ટ દ્વારા વતન જવા ઇચ્છતા શ્રમિકોને પરિવહન શેલ્ટર ભોજન અને પાણીની સુવિધા વિનામુલ્યે સુવિધા આપવા માટે હુકમ કર્યો ત્યારે આ બાબતે આજદિન સુધીમાં આ સુવિધા આપવામાં સરકાર ઘોર વિલંબ કરવામાં આવ્યો છે તેમજ શ્રમિકો પોતાના વતન પગપાળા જવા નીકળી હતા તેમજ તેઓની પાસે ટીકીટ ભાડા ચૂકવાના ના નાણા પૂરતા ના હોવાથી આ રીતે નીકળવું પડ્યું હતું. અમે ગુજરાતના મુખ્યમંત્રીનું ધ્યાન દોર્યુ હતું તે બાબતે ધ્યાન ના આપતા જેના પરિણામે માનવ અધિકાર પંચે ગુજરાત સરકારને નોટિસ ફટકારી છે.  રાજકોટ કલેકટર સમક્ષ ઉપરોક્ત માંગણીઓ કરવામાં આવી હતી તેમજ શ્રમિકોની કફોડી હાલત બાબતે કોંગ્રેસે ખુબ જ ચિંતા કરી હતી અને તંત્રને અવારનવાર લેખિત-મૌખિક માગણીઓ કરી હતી.

સાગઠીયાએ વધુમાં જણાવ્યું હતું કે, શ્રમિકોની હાલત ખુબજ દયનીય હોય ત્યારે સરકારે તાબડતોબ પગલા લેવા જોઈએ તેને બદલે સરકારે માત્રને માત્ર ફોટોગ્રાફી કરાવી માત્ર પેપર ટાઈગર બન્યા છે અને એસી ચેમ્બરોમાં બેસીને સમય પસાર કર્યો છે, કામ કર્યા નથી.

માનવાધિકાર પંચ દ્વારા તા.૨૮/૦૫/૨૦૨૦ના રોજ નોટિસ ફટકારવામાં આવી છે. ગુજરાત સરકારને નોટિસમાં જણાવ્યું છે કે ગરીબો, મજદુરોને મુસાફરી દરમ્યાન રક્ષણ આપવામાં તંત્ર નિષ્ફળ રહ્યુ છે મીડીયાના રિપોર્ટના આધારે કમિશન દ્વારા સુઓમોટો લીધો હતો જેમાં ટ્રેનો મૂળ સ્ટેશને  મોડી પહોંચી રહી છે તેની પણ નોંધ લીધી હતી તેમજ એક રીપોર્ટ અનુસાર અનેક મજુરો મુસાફરી દરમ્યાન જ મોતને ભેટ્યા છે અને તેમને યોગ્ય ભોજન અને પાણીની વ્યવસ્થા પણ નથી કરવામાં આવી અને ભૂખ્યા પેટે રહેવાથી મોત થયા હોવાથી માનવ આધિકાર પંચ દ્વારા સરકારને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. તેમણે અંતમાં જણાવ્યું હતું કે, આ બાબતે સરકાર દ્વારા પ્રજાની જરૂરીયાતો અન્વયે પૂરતા પગલા સત્વરે લે અને સરકાર શ્રમિકો અને ગરીબોને વ્હારે આવે તેવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ.

Loading...