Abtak Media Google News

મહાપાલિકાની પ્રોજેકટ શાખાની કામગીરી: લોકો માટે ભોજન સહિતની પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાઈ

હાલ સમગ્ર દેશમાં કોરોના વાઈરસની મહામારી ચાલી રહી છે, ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા તમામ લોકોના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સમગ્ર દેશ લોકડાઉન કરવામાં આવ્યો છે. લોકોની જીવન જરૂરીયાતની તમામ સામગ્રી સરકાર દ્વારા ઘરે બેઠા મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેના સંદર્ભે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલના અન્વયે રાજકોટ મહાનગરપાલિકાના પ્રોજેક્ટ શાખા દ્વારા ઘરવિહોણા લોકો માટે આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. સાથો સાથ સ્વેચ્છિક સંસ્થાઓ દ્વારા ઘરવિહોણા લોકો માટે ભોજન સહિતની પ્રાથમિક જરૂરિયાતો નિયમિત મળતી રહે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.

કોરોના વાઈરસ અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાર્યરત આશ્રય સ્થાનોમાં તકેદારીના પગલારૂપે દીન દયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના હેઠળ રાજકોટ શહેર ખાતે કાર્યરત ડોર્મીટરી/ આશ્રય સ્થાનમાં વસવાટ કરતા ઘરબાર વિહોણા લાભાર્થીઓની આરોગ્યની તકેદારીના ભાગરૂપે આરોગ્ય વિભાગના સહયોગથી પ્રાથમિક આરોગ્ય ચકાસણી મોબાઈલ ડિસ્પેન્સરી મારફત કરવામાં આવેલ હતી. જેની વિગત નીચે મુજબ છે.

જેમાં ભોમેશ્વર ડોર્મીટરી, ભોમેશ્વર વાડી, શેરી નં.૨માં ૫૭, બેડીનાકા આશ્રયસ્થાન, આજીનદીના કાંઠેમાં ૩૨, મરચાપીઠ આશ્રયસ્થાન, જુના ઢોર ડબ્બામાં રાજકોટ ૨૧, આજીડેમ આશ્રયસ્થાન, આજીડેમ ચોકડી, જુના જકાતનાકામાં રાજકોટ ૦૫, રામનગર આશ્રયસ્થાન, આજીવસાહત, ૮૦ ફૂટ રોડમાં , રાજકોટ    ૦૪ મળી કુલ ૧૧૯ લોકોનું ચેકઅપ કરાયું હતું.

આ આરોગ્ય ચકાસણી કાર્યક્રમમાં એકંદરે ૧૧૯ લાભાર્થીઓને ડો. ઉષાબેન ઝાલા અને ડો. ગીરીરાજ મહેતા તથા તેમની ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવેલ હતી, નાયબ કમિશનર સી. કે. નંદાણી અને સહાયક કમિશનર એચ. આર. પટેલનાં માર્ગદર્શન હેઠળ પ્રોજેક્ટ શાખાના આસિસ્ટન્ટ મેનેજર ભૂમિબેન એચ પરમાર તથા પ્રોજેક્ટ શાખાના સીનીયર સમાજ સંગઠકો, એનયુએલએમ મેનેજરઓ તથા એનયુએલએમ સમાજ સંગઠકોએ સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે મુજબ વ્યવસ્થા ગોઠવી આરોગ્યની ચકાસણી કરેલ છે. તદુપરાંત સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે સંકલન કરીને આશ્રય સ્થાનોનાં તમામ લાભાર્થીઓને નિયમિત ભોજન સહીતની પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવામાં આવે છે. જ્યારે શાળા નં.૧૦ ખાતે ડોર્મીટરીમાં પરિસ્થિતિને ધ્યાને લઇ કવોરેન્ટાઇન સેન્ટર તરીકે રીઝર્વ રાખવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.