Abtak Media Google News

ખુલ્લી ગટરો અને સફાઇના અભાવથી કંટાળી સ્થાનીકોએ ઢોલ વગાડી વિરોધ કર્યો

સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા દ્વારા શહેરના તમામ વોર્ડમાં પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવે છે ત્યારે પાલિકાના વોર્ડ નં.૩ માં આવેલ મારવાડી લાઈન સહિતના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિક મહિલાઓ અને રહિશો સહિત કોંગ્રેસના આગેવાનોએ પાલિકા કચેરી ખાતે ઢોલ વગાડી વિરોધ કર્યો હતો તેમજ ઉગ્ર રજુઆતો કરી હતી.

સુરેન્દ્રનગર પાલિકાના વોર્ડ નં.૩ માં આવેલ વિસ્તારો મારવાડી લાઈન તેમજ કેસુભાઈનો ડેલામાં અંદાજે ૧૫૦૦થી વધુ લોકો વસવાટ કરે છે ત્યારે આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાલિકા દ્વારા કોઈપણ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી નથી જેમાં આ વિસ્તારની ગટરો મોટાભાગે ખુલ્લી તેમજ સફાઈનો અભાવ જોવા મળે છે.

નવી પાણીની લાઈન નાખી હોવા છતાં તેનું મુખ્ય લાઈન સાથે જોડાણ કરવામાં આવ્યું નથી, ભુગર્ભ ગટરની પણ સુવિધા ઉપલબ્ધ ન હોવાથી ગટરોના ગંદા પાણી ફરી વળે છે આ ઉપરાંત અનેક ઘરોમાં શૌચાલયનો પણ અભાવ જોવા મળે છે અને સીસીરોડ પણ હજુ સુધી બનાવવામાં આવ્યા નથી. આમ આ વિસ્તાર છેલ્લા ઘણા સમયથી વિકાસથી વંચીત રહ્યો હોય તેમ લાગી રહ્યું છે આ અંગે સ્થાનિક રહિશોએ અનેક વખત  રજુઆતો કરી છે.

પરંતુ કોઈ જ ઉકેલ ન આવતાં મોટીસંખ્યામાં મહિલાઓ સહિત સ્થાનિક રહિશો અને કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો પાલિકા કચેરી ખાતે ઉમટી પડયાં હતાં અને ઢોલ વગાડી વિરોધ કર્યો હતો તેમજ પાલિકના ચીફ ઓફીસરની ચેમ્બરમાં બેસી રામધુન બોલાવી હતી. આ તકે શહેર કોંગ્રેસ પ્રમુખ કમલેશભાઈ કોટેચા, રોહિતભાઈ પટેલ, મહેબુબખાન મલેક, જીણાભાઈ, મોન્ટુભાઈ, સાહિર સોલંકી, પ્રવિણભાઈ ચૌહાણ સહિત સ્થાનિક મહિલાઓ અને રહિશો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.