કોરોના છતાં વિદેશી ભંડોળમાં અધધ વધારો !!!

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ પાંચ માસમાં દેશનું વિદેશી રોકાણ ૨ લાખ કરોડ રૂપિયાને પાર

કોરોના મહામારી આવતાની સાથે જ દેશના અર્થતંત્રને તેની અત્યંત માઠી અસરનો સામનો કરવો પડયો છે. વિશ્ર્વના અનેકવિધ નામાંકિત દેશોને આર્થિક સંકળામણનો સામનો કરવો પડયો હતો પરંતુ આ મહામારીના સમયમાં ભારતના વિદેશી ભંડોળમાં અધધ વધારો નોંધાયો છે. હાલ ભારતનું વિદેશી હુંડિયામણ ૫૫૪ બિલીયન ડોલરને પાર પહોંચ્યું છે. વાણિજય મંત્રાલયના જણાવ્યા મુજબ ચાલુ નાણાકિય વર્ષના એપ્રિલથી ઓગસ્ટ માસ દરમિયાન વિદેશી રોકાણ ૨ લાખ કરોડ રૂપિયાથી પણ વધુનું મળ્યું છે જેનું એકમાત્ર કારણ એ છે કે આ સમયગાળામાં વિશ્ર્વના અન્ય દેશોનું આકર્ષણ ચાઈના નહીં પરંતુ ભારત તરફ જોવા મળ્યું છે. વિદેશી કંપનીઓ ભારત દેશમાં રોકાણ કરવા માટે ઈચ્છુક જોવા મળી છે જેના ભાગરૂપે છેલ્લા પાંચ માસમાં જે વિદેશી રોકાણ ૨૭.૧ બિલીયન ડોલરને પાર પહોંચ્યું છે.

કુલ વિદેશી હુંડિયામણ અંગે વાત કરવામાં આવે તો નાણાકિય વર્ષ ૨૦૨૦-૨૧માં રોકાણ ૩૫.૭૩ બિલીયન ડોલર જોવા મળ્યું છે જે ગત નાણાકિય વર્ષની સરખામણીમાં ૧૩ ટકાનો વધારો નોંધાયો છે. ગત નાણાકિય વર્ષ ૨૦૧૯-૨૦માં વિદેશી રોકાણ ૨૩.૩૫ બિલીયન ડોલર રહેવા પામ્યું હતું જેનાથી ચાલુ વર્ષે ૧૬ ટકા વધુ હોવાનું સામે આવ્યું છે. વૈશ્વિક રોકાણકારો માટે ભારત સૌથી વધુ આકર્ષક કેન્દ્ર બન્યું છે અને સરકાર દ્વારા જે વિદેશી રોકાણ માટેની પોલીસીમાં જે ફેરફાર કર્યો છે તેનાથી વિશ્વના દેશો પણ ખુબ જ વધુ આર્કષિત થયા છે. દેશની અનેકવિધ સંસ્થાઓએ અનુમાન લગાવ્યું હતું કે, કોવિડના સમયગાળામાં દેશને આર્થિક રીતે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે પરંતુ ચિત્ર કયાંક અલગ જ જોવા મળી રહ્યું છે. ભારત દેશના આર્થિક કુનેહને ધ્યાને લેતા જે રીતે વિદેશી હુંડિયામણમાં દિન-પ્રતિદિન વધારો જોવા મળ્યો છે તેને ધ્યાને લઈ આવનારો સમય દેશની અર્થવ્યવસ્થા માટે એક સોનેરી તક ઉભી થશે. કોઈપણ દેશમાં વિદેશી હુંડિયામણ અને વિદેશી રોકાણ ત્યારે જ શકય બને જયારે વિદેશ નીતિમાં રોકાણકારો માટે કોઈ વ્યવસ્થા સારી રીતે ગોઠવવામાં આવી હોય અત્યાર સુધી ભારત દેશની અર્થવ્યવસ્થા અને વિદેશનીતિમાં ઘણી અસમંજસનો સામનો કરવો પડતો હતો જેના પરિણામરૂપે યોગ્ય રીતે જે રોકાણ વિદેશથી આવવું જોઈએ તે આવી શકતું ન હતું પરંતુ હાલ જે નીતિમાં સુધારા જોવા મળ્યા છે તેનાથી અનેકવિધ વિદેશી દેશો ભારતમાં રોકાણ કરવા માટે તલપાપડ થઈ રહ્યા છે અને તેનો સીધો જ ફાયદો દેશની અર્થવ્યવસ્થાને આવનારા સમયમાં પહોંચશે. વડાપ્રધાન મોદીનું ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમીનું સ્વપ્ન સાકાર કરવા માટે વિદેશી રોકાણ અને વિદેશી હુંડિયામણ અત્યંત મહત્વપૂર્ણ ભાગ ભજવશે.

Loading...