Abtak Media Google News

પડધરી નજીક કુદરતી સૌંદર્ય વચ્ચે બિરાજતા જડેશ્ર્વર મહાદેવનું મંદિર લાખો ભાવિકોની આસ્થાનું પ્રતિક

જડેશ્ર્વર મહાદેવ પડધરી તાલુકા મથકેથી ઉકરડા ગામ જવાના રસ્તેથી ૩ કિ.મી.દુર આવેલ છે. તેમજ રોડથી અંદર અડધો કિ.મી. અંદર જંગલમાં મહાદેવનું જુનુ, પુરાણું અને ભવ્ય મંદિર આવેલ છે. વાંકાનેર નજીક આવેલ મોટા જડેશ્ર્વર મહાદેવ પાસેના વિસ્તારમાં ભગા નામનો ભરવાડ ધણ ચરાવતો. જેમાં એક સોનીની ગાય આવે તે ગાય ડુંગર ઉપર જઈને એક જગ્યાએ ઉભી રહે અને ગાયના ચારેય આંચરમાંથી આપો આપ દુધ વહી જતુ જે વાત ભગો જાણતો હતો અને રોજ જોતો હતો. ગાય ઘરે જાય ત્યારે સોની ગાય દોવે ત્યારે દુધ ના નીકળે માટે સોનીએ ધણ ચરાવનાર ભગા પાસે ગયા અને વાત કરી કે ભાઈ ભગા તુ રોજ મારી ગાયને દોહી લેશ મારી ગાય ઘરે મને દુધ આપતી નથી. ત્યારે ભગાએ જવાબ આપ્યો કે રોજ હું તમારી ગાયને દોહતો નથી પણ તમારી ગાય રોજ ડુંગર ચરવા જાય છે અને ડુંગર ઉપર એક જગ્યાએ ઉભી રહે છે અને તેમના આંચરમાંથી દુધ આપો-આપ વહી જાય છે. શેઠ ભગાની વાત સાંભળી આશ્ર્ચર્ય પામ્યા અને બીજે દિવસે ભેગા સાથે વાતની ખરાઈ કરવા ગયા રાબેતા મુજબ ગાય પણ જે જગ્યાએ હતી તે જગ્યાએ ઉભી રહીને ગાયના ચારેચાર આંચરમાંથી આપો-આપ દુધની ધારા વહેવા લાગી. શેઠ ચોકી ઉઠયાને ગાય વઈ ગયા બાદ ભગો અને શેઠ તે જગ્યા ઉપર ગયા અને શેઠે તે જગ્યાએ જઈને પાંદડા આઘા-પાછા કર્યા તો ત્યાં શિવલીંગ જેવો પથ્થર હતો. જે જોઈ શેઠે ભગાને વાત કરી કે, આતો મહાદેવ છે. જો આ મહાદેવની કોઈ કમળપુજા કરે તો તે આવતા અવતારમાં રાજા બને. ભગો શેઠની વાત સાંભળી બોલ્યો, શેઠ હું કાઈ સમજયો નહીં. ભગો કહે કમળપુજા એટલે શું ? શેઠ કહે ભગા જો આ મહાદેવને કોઈ પોતાનું મસ્તક વાદીને ચડાવે તો આવતા અવતારમાં રાજાનો અવતાર આવે. એક દિવસ જામનગરના રાજા રાવળ જામનું બહુ જ માથું દુ:ખે તે વાત સર્વે પ્રજામાં પ્રસરી તેવામાં કોઈએ રાવળ જામને વાત કરી કે, મહારાજ તમારું માથુ દુ:ખે છે તો આપણી બાજુના નજીક ધ્રોલ ગામમાં એક બ્રાહ્મણ જયોતિષી છે. તેમનું નામ છે પંજુ ભટ્ટ તે સારુ જયોતિષ જાણે છે. રાવળ જામે તેમના પ્રધાનને હુકમ કરી પંજુ ભટ્ટ જયોતિષને બોલાવ્યા. જયોતિષ પંજુ ભટ્ટ આવ્યા અને પ્રધાને પંજુ ભટ્ટને વાત કરી કે, અમારા રાવળ જામ મહારાજનું માથું દુ:ખે છે, તો તમો જયોતિષી છો તો જણાવો કારણ.

પંજુ ભટ્ટે રાવળજામને જણાવ્યું કે, તમો ગયા અવતારમાં ભગા નામના ભરવાડ હતા ને તમોએ મહાદેવને કમળપુજા કરી છે અને તમા‚ મસ્તક તેઓએ મહાદેવને ચડાવેલ. તમા‚ ધડ ડુંગર ઉપર પડેલ ને તમારુ મસ્તક ડુંગર નીચે પડેલ. તે મસ્તકની ખોપડીમાં અરણીનું ઝાડ ઉગેલ છે. જે ઝાડ પવન આવે ત્યારે હલન-ચલન કરે છે. ત્યારે તમારુ માથુ દુ:ખે છે. જયારે ઝાડ સ્થિર હોય ત્યારે તમારુ માથુ દુ:ખતું નથી. માટે જો તમે તે અરણીનું ઝાડ કપાવી નાખો તો તમારુ માથુ દુખતુ બંધ થઈ જશે. રાવળ જામ પંજુ ભટ્ટની વાત સાંભળી સૈનિકો તથા પંજુ ભટ્ટને સાથે લઈ જડેશ્ર્વર મહાદેવના મંદિરે (વાંકાનેર) ગયાને નીચે અરણીના ઝાડ પાસે જઈ ખરેખર ઝાડને ડગાવીને જોયું તો રાજાને માથાના દુખાવાના અનુભવ થયો જયારે ઝાડને સ્થિર કરવામાં આવ્યું તો માથુ દુખતુ બંધ થઈ ગયું. રાજાએ આ વાત ખરી છે તે સ્વિકાર્યું.

ત્યારથી રાવળ જામ દર વર્ષે શ્રાવણ માસે જામનગરથી જડેશ્ર્વર મહાદેવના દર્શને પોતે તથા તેમના સૈનિકો સાથે ઘોડા અસવારે દર્શને જતા. જોત-જોતામાં એક શ્રાવણ માસે દર્શને જતા હતા ત્યારે વચ્ચે આજી નદીમાં બહુ જ પાણી આવેલ. ત્યારે રાવળ જામે કહ્યુ કે સૈનિકો આજી નદીમાં પાણી છે. તો આપણે કે આપણા ઘોડા નદી પાર કરી શકે તેમ નથી. તો આપણે અહી રાત વાસો કરી નદીનું પાણી ઉતરી જશે ત્યારે જડેશ્ર્વર જવા માટે આગળ નિકળશું. જડેશ્ર્વર મહાદેવ પોતાના ભકતની કસોટી કરવા માટે જડેશ્ર્વર મહાદેવ આજી નદીમાં પાણી ઉતરવા ન દીધું. સામે રાવળ જામે પણ નકકી કર્યું કે, મારે તો જડેશ્ર્વર મહાદેવના દર્શન કરીને જ પછી પાછા ફરવું છે. અંતે દેવોના દેવ જડેશ્ર્વર મહાદેવ ભકત પાસે ઝુકયા અને જે જગ્યાએ રાવળ જામને વિસામો કર્યો તે જડેશ્ર્વર મહાદેવ (પડધરી પાસે) ઉકરડા ગામ વચ્ચે જંગલમાં આવેલ છે. તે જગ્યાએ રાવળ જામને મહાદેવ પ્રસન્ન થયા અને રાવળ જામને જડેશ્ર્વર મહાદેવે કહ્યું, રાજા તારી પરીક્ષા કરવા માટે નદીનું પાણી ન ઉતરવા દીધું. પણ પાછો ન ફરવાના તારા દ્રઢ નિર્ધારથી હું પ્રસન્ન છું. એ રાવળ જામ જયારે નદી આવે ત્યારે તું મને અહીંથી દર્શન કરીશ તો હું તને અહીંથી જ દેખાઈશ. અહીંથી મને દર્શન કરીશ તો પણ હું તારી પ્રાર્થના સ્વિકારી લઈશ. આ જગ્યાએ રાવળ જામને જડેશ્ર્વર મહાદેવ (પડધરી પાસે) જડયા એટલે તેમને આ જડેશ્ર્વર મહાદેવનું મંદિર બનાવેલ છે. ત્યારનો જાણીતો અને પ્રચલિત લોક મુખે સાંભળેલ બહુ જ સુંદર દુહો છે. જડીયો વસે જંગલમાં ને ઘોડાનો દાતાર, ત્રુઠયો રાવળ જામને હાંકી દીધો હાલાર. જડેશ્ર્વર મહાદેવની પ્રેરણાથી શ્રાવણ માસના દર સોમવારે રાત્રીના ૧૨:૦૦ વાગ્યે જડેશ્ર્વર મહાદેવની આરતી થાય છે. જડેશ્ર્વર મહાદેવ હાજરા-હજુર છે. જે કોઈને દુ:ખ તકલીફ હોય તે મહાદેવ હરી લે છે અને જડેશ્ર્વર મહાદેવના દર્શન કરી ભકતો પાવન થઈ ધન્યતા અનુભવે છે. જે કોઈ એકવાર દર્શન કરી જાય તે ભકતને જડેશ્ર્વર મહાદેવના જંગલમાં પટાંગણમાં રહેલી કુદરતી પ્રકૃતિ જોઈ વિશાળ જગ્યામાંથી જવાનું મન નથી થતું. આ જડેશ્ર્વર મહાદેવની દર શ્રાવણ માસે સોમવારે રાત્રીના ૧૨:૦૦ વાગ્યે આરતીમાં પણ ભારે ભીડ જોવા મળે છે. દર શ્રાવણ માસે અમાસના દિવસે અહીં મેળો ભરાય છે. જેમાં આસપાસના ગામના લોકો બહોળી સંખ્યામાં ભાવભેર જોડાય છે. સોમવારે યોજાનાર મેળામાં તેમજ જડેશ્ર્વર મહાદેવના દર્શનાર્થે પધારવા સોમગીરીબાપુ જેરાજભાઈ વૈશ્ર્નવ તથા સતુભા જાડેજાએ અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.