Abtak Media Google News

સરહદી રાજય ગુજરાતમાં આત્મઘાતી હુમલાની આશંકાથી ગુપ્તચર એજન્સીઓ દ્વારા હાઈએલર્ટ અપાયું: રાજયભરમાં જાહેર સ્થાનો પર ચાંપતી સુરક્ષા

કાશ્મીરમાં થયેલા આત્માઘાતી આતંકી હુમલા બાદ દેશનો સૌથી વિશાળ દરિયાકિનારા ધરાવતા ગુજરાત રાજય પર પણ આતંકી હુમલાની સંભાવનાઓ સેવાય રહી છે. ખાસ કરીને ગુજરાતનો કચ્છથી લઈને વલસાડ સુધીનો ૧૬૪૦ કિ.મી. દરિયાકીનારો ખૂલ્લો પડયો હોય પાકિસ્તાનથી પ્રેરિત આતંકી તત્વોને આ દરિયાઈ માર્ગે ઘુસવું વધારે સરળ હોય ગુપ્તચર એજન્સીઓ દ્વારા દરિયાકાંઠા ઉપરાંત રાજયભરમાં હાઈએલર્ટ આપવામાં આવ્યું છે.

ગુજરાતનાં વિશાળ કિનારો દાયકાઓથી રેઢોપટ્ટ પડયો હોય તેનો સમયાંતરે દાણચોરી તે બાદ હથીયાર વિસ્ફોટકો અને આતંકવાદી તત્વોને ઘુસાડવાનું પાકિસ્તાન માટે સરળ બની ગયું છે. જેથી ૧૯૯૩ અને ૨૦૦૮માં મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલામાં પણ વિસ્ફોટકો અને આતંકવાદી તત્વોને ગુજરાતનાં દરિયાકાંઠે ઉતારવામાં આવ્યા હતા જેથી, હવે આ સરળ માર્ગનો આતંકવાદીઓ ઉપયોગના કરે તે માટે કેન્દ્રની મોદી સરકારની સુચનાના પગલે ગુપ્તચર એજન્સીઓ સક્રિય બની છે.

તાજેતરમાં ઉચ્ચ સ્તરના અધિકારીઓની મળેલી બેઠકમાં ગુજરાતનાં દરિયાકાંઠાની સુરક્ષા વધારવા માટે ૩૧ વધઉ સ્પીડબોડો આપવા તથા વધુ મરીન પોલીસ સ્ટેશનો સ્થાપવાનો નિર્ણય કરાયો છે. ઉપરાંત તમામ મરીન પોલીસ સ્ટેશનોનાં સ્ટાફને વધારે વાહનો તથા વધારે માળખાકીય સુવિધાઓ આપવાનો નિર્ણય કરાયો છે. ઉપરાંત, માછીમારી માટે જતી ભારતીય બોટોને દૂરથી ઓળખી શકાય તે માટે કવર કોડ આપવા ઉપરાંત, સ્થાનિક કક્ષાએ જાસૂસી નેટવર્ક મજબુત કરવા મરીન પોલીસ તંત્રને તાકીદ કરાય છે.

આ અંગે આઈજીપી એસએસ ત્રિવેદીએ જણાવ્યું હતુ કે દેશના નવ દરિયાઈ રાજયો અને ચાર કેન્દ્ર શાસીત પ્રદેશોને પુલવામાં હત્યાકાંડ બાદ હાઈએલર્ટ પર મૂકવામાં આવ્યા છે. જેથી, રાજયનાં ૨૨ મરીન પોલીસ સ્ટેશનો અને ૭૧ દરિયાકાંઠાની ચેક પોસ્ટોને હાઈએલર્ટ પર મૂકીને સુરક્ષાને સઘન કરી દેવામાં આવી છે. ગુજરાત મરીન પોલીસ સ્ટેશનના જવાનો ૩૦ સ્પીડબોટો દ્વારા આઈસીજી અને બીએસએફનાં જવાનો હસ્તકને દરિયાઈકાંઠા વિસ્તારોમાં સતત પેટ્રોલીંગ કરી રહ્યા છે.

એડીશનલ ડીજીપી સમસેરસીંગે આ અંગે જણાવ્યું હતુ કે ગુજરાત મરીન ટાસ્ક ફોર્સની નવ ટીમોને નવ મહત્વના સ્થાનો યોગેશ્વર, જખૌ, ગાંધીધામ, ઓખા, પોરબંદર, માંગરોળ, દહેજ, દાંડી, ઉમંરગામ અને પીપાવાવમાં તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ મરીન પોલીસ જવાનો ભારતીય કોસ્ટગાર્ડ, નેવી અને બીએસએફ સાથે સંયુકત રીતે કવાયત હાથ ધરી રહ્યું છે. જીએમટીએફનો કચ્છના નલીયામાં બેઝ કેમ્પ આવેલો છે. જયાં નેશનલ સીકયુરીટી ગાર્ડ પાસેથી કમાન્ડો ટ્રેનીંગ મેળવેલા ૧૦૦ કમાન્ડો કોઈ પણ આપાતકાલીન સ્થિતિ માટે છે.

આ હાઈએલર્ટ દરમ્યાન ભારતીય દરિયાઈ વિસ્તારમાં ઘૂસી આવેલુ કેનીયાનું જહાજને મુંદ્રા પોર્ટ પર લાવવામાં આવ્યું હતુ ભારતીય કોસ્ટ ગાર્ડ રાજય અને કેન્દ્રીય જાસુસી દળોના અધિકારીઓ સામે આ જહાજનાં મેમ્બરોની આકરી પૂછપરછ કરી હતી આ પુછપરછમાં કંઈ પણ શંકાસ્પદ વિગતો અજાણ્યા મળી નથી. પરંતુ આ મેમ્બરો અંતે કેનીયાની નાગરીકતા ચકાસવા અંગે કેનીયાના રાજદુતાવાસનો સંપર્ક કરવામાં આવ્યો છે. ત્યાંથી લીલીઝંડી ના મળે ત્યાં સુધી આ મેમ્બરોને મુંદ્રા પોર્ટ પર સુરક્ષા દળોની નજર તળે રાખવાનો નિર્ણય કરાયો છે.

જયારે, આતંકીઓ પાકિસ્તાન સરહદેથી ગુજરાતમાં ઘુસીને આત્મઘાતી હુમલો કરે તેવી સંભાવના હોય સમગ્ર રાજયમાં હાઈએલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાત પોલીસ દ્વારા જાહેર સ્થાનો જેવા કે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, ધાર્મિક સ્થાનો, સ્ટેચ્યુ ઓફ યુનિટી, મલ્ટીપ્લેકસ, સિનેમાઘરો પર કડક ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. પુલવામાં આત્મઘાતી આતંકી હુમલો કરનારા આતંકીએ પણ તેના ૧૦ મીનીટના વિડીયોમાં દિલ્હી અને ગુજરાતમાં આતંકી હુમલા થવાની વાત કરી હતી જેથી ગુપ્તચર એજન્સીઓ દ્વારા ગુજરાતમાં આ હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગુપ્તચર એજન્સીઓને હૈદરાબાદનો જૈશ-એ-મહંમદ સાથે સંકળાયલે આત્મઘાતી આતંકવાદી શખ્સ દેશના કોઈપણ રેલવે સ્ટેશન પર હુમલો કરવાની તૈયારીમાં હોવાની માહિતી મળી હતી આ માહિતીમાં આ આતંકી શખ્સ સાથે એક વૃધ્ધ મહિલા પણ હોવાની વિગતો પણ મળવા પામી છે. જેની ગુજરાત સહિત દેશભરમાં હાઈએલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.