ગુજરાતી ફિલ્મ ‘ર૧મું ટિફિન’ માત્ર ૮ દિવસમાં શૂટ થઇ!!

સરકારની ગાઇડ લાઇન પ્રમાણે માત્ર ૩૫ લોકોની હાજરીમાં અશકય લાગે તેવી વાત શકય થઇ; શૂટીંગ ફલોર પર એક કોવિડ ઇન્સ્પેકટર પણ રખાયા હતા

દિગ્દર્શક વિજયગીરી બાવા અને લેખક રામમોરીની જાુગલબંધીની આ ફિલ્મ નવલા વર્ષે દર્શકોને જોવા મળશે: ગત વર્ષે આ જોડીએ બનાવેલ ‘મોન્ટુ ની બિટ્ટુ’ ફિલ્મે ઢગલા બંધ એવોર્ડ મેળવ્યા હતા

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બહુ ઓછા એવા પ્રોડક્શન હાઉસ કે નામો છે જેના આવનારા દરેક પ્રોજેક્ટ બાબતે ક્રિટીક્સ અને દર્શકોમાં જબરો ઉત્સાહ જોવા મળતો હોય છે. વિજયગીરી ફિલ્મોસ, એક એવું પ્રોડક્શન હાઉસ જે ૨૦૧૪-૧૫ થી ગુજરાતી દર્શકોને ખરા અર્થમાં સિનેમા પીરસી રહ્યું છે. આ પ્રોડક્શન હાઉસની પ્રથમ ફિલ્મ પ્રેમજી: ધ રાઈસ ઓફ એ વોરિયર (૨૦૧૫) હોય, બીજી ફિલ્મ મોન્ટુની બિટ્ટુ (૨૦૧૯). આ બંને ફિલ્મોના પ્રોડક્શન સ્કેલ, વાર્તાના વિષય, સંગીત, રજૂઆત, ડીરેક્શન, આઉટપુટ અને માર્કેટીંગ બહુ નોખા અનોખા અને નવો ચીલો ચાતરનારા હતા. ડિરેક્ટર વિજયગીરી બાવા અને પ્રોડ્યુસર ટ્વિંકલ બાવાના એક્સ્ટ્રા ઓર્ડીનરી વિઝનના લીધે જ આ પ્રોડક્શન હાઉસની શોર્ટ ફિલ્મ મહોતું (૨૦૧૮) એ તો ગુજરાતી દર્શકોને જાણે ઘેલું લગાડ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે નેશનલ એવોર્ડ વિજેતા રામ મોરી દ્વારા લિખિત અને વિજયગીરી ફિલ્મોસ દ્વારા નિર્મિત આ શોર્ટ ફિલ્મને ટાઈમ્સ દ્વારા ભારતની ટોપ ટેન શોર્ટ ફિલ્મમાં સ્થાન મળ્યું છે. પ્રેમજી અને મોન્ટુની બિટ્ટુ તો ગુજરાત રાજ્ય સરકાર તરફથી સ્ટેટ લેવલના એવોર્ડસ હોય, જીફા એવોર્ડસ હોય, ટ્રાન્સ મીડિયા દ્વારા આયોજીત એવોર્ડસ શો હોય કે પછી  ટોરોન્ટો ગુજરાતી આઈકોનીક ફિલ્મ ફેસ્ટિવલ જેવી ઈવેન્ટ હોય આ બધામાં વિજયગીરી ફિલ્મોસની આ બંને ફિલ્મો  તો રીતસરના ઢગલામોઢે એવોર્ડસ ઢસડી ગઈ છે. આ પ્રોડક્શન હાઉસને દર્શકો અને વિવેચકો તરફથી સમયાંતર પ્રેમ મળતો રહ્યો છે.

દિગ્દર્શક વિજયગીરી બાવા અને લેખક રામ મોરીની જુગલબંધીએ અગાઉ ગુજરાતી દર્શકોને મહોતું અને મોન્ટુની બિટ્ટુની ભેટ આપી છે. હવે આ જોડી પોતાની ત્રીજો પ્રોજેક્ટ લઈને આવી રહી છે, એકવીસમું ટિફિન! લેખક રામ મોરીની નેશનલ એવોર્ડ વિનિંગ વાર્તા એકવીસમું ટિફિન પરથી આ ફિલ્મ બની છે. ફિલ્મની કથા અને સંવાદ રામ મોરીએ લખ્યા છે જ્યારે પટકથા રામ મોરી અને વિજયગીરી બાવાએ લખી છે. ફિલ્મમાં સંગીત મેહુલ સુરતી દ્વારા અપાયું છે. અગાઉં મહોતું અને મોન્ટુની બિટ્ટુના મ્યુઝીક ડિરેક્ટર પણ મેહુલ સુરતી હતા!  ફિલ્મમાં નીલમ પંચાલ, નેત્રી ત્રિવેદી અને રોનક કામદાર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મની ટોટલ સ્ટારકાસ્ટમાં નાના મોટા આઠથી નવ કલાકારોએ અભિનય કર્યો છે. ફિલ્મના સિનેમેટોગ્રાફર પાર્થ ચૌહાણ છે.

૬ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ આ ફિલ્મનું મુર્હૂત કરવામાં આવ્યું હતું. વિજયગીરી ફિલ્મોસની અગાઉની ફિલ્મોની અભિનેત્રી આરોહી પટેલ અને હેપ્પી ભાવસાર નાયકના હાથે મુર્હૂત ક્લેપ આપવામાં આવી હતી. સામાન્ય સંજોગોમાં ફિલ્મના સેટ પર મુર્હૂત શોટનું પોતાનું એક આગવું મહત્વ હોય છે પણ કોવિડ સીનારીયોને ધ્યાનમાં લેતા અહીં માત્ર સેટ પર હાજર વ્યક્તિઓની હાજરીમાં સાદગીપૂર્ણ મુર્હૂત શોટ લેવાયો હતો, અન્ય કોઈ મહેમાનો કે શુભેચ્છકોની ઉપસ્થિતિ નહોતી; આ છે ન્યુ નોર્મલ ! મજ્જાની વાત તો એ છે કે પ્રોડ્યુસર ટ્વિંકલ બાવાની ફિલ્મ એકવીસમું ટિફિન માત્ર આઠ દિવસમાં શૂટ થઈ છે, સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે માત્ર ત્રીસથી પાંત્રીસ લોકોની હાજરીમાં. અશક્ય લાગે એવી વાત શક્ય થઈ છે. આ ફિલ્મના નિર્માતાઓ સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે શૂટીંગ ફ્લોર પર એક કોવિડ ઈન્સ્પેક્ટર રાખવામાં આવ્યા હતા જે સતત દરેક કલાકારોના શરીરનું તાપમાન તપાસતા. ફિલ્મમાં ઉપયોગમાં લેવાતી દરેક વસ્તુઓ સેનિટાઈઝ કરવામાં આવતી અને દરેક ક્રુ મેમ્બર વારંવાર પોતાના હાથ સેનીટાઈઝ કરતા હતા. આ રીતે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરીને ફિલ્મનું શૂટીંગ આઠ દિવસમાં કોઈ અડચણ વિના પૂરું થયું. હાલ તો આ ફિલ્મમાં એડીટીંગનું કામ ચાલી રહ્યું છે. ગુજરાતી દર્શકોને વિજયગીરી ફિલ્મોસની આ નવી ફિલ્મ એકવીસમું ટિફિન આવતા વર્ષ સુધીમાં જોવા મળશે એવી આશા સેવાઈ રહી છે. વિજયગીરી ફિલ્મોસ દ્વારા નિર્મિત એકવીસમું ટિફિન ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે જાણે કે નવી શક્યતાઓ લઈને આવશે એવી આશા ઈન્ડસ્ટ્રીમાં સેવાઈ રહી છે. આ ફિલ્મનું મેકીંગ પોતાનામાં જાણે એક ફિલ્મ છે. અત્યારે નાની મોટી ત્રણ ચાર નવી ફિલ્મો ફ્લોર પર જઈ રહી છે એનું શૂટીંગ કાર્ય પણ વિજયગીરી ફિલ્મોસની એકવીસમું ટિફિનની જેમ સફળતાપૂર્વક પૂર્ણ થાય એવી અબતકની શુભેચ્છાઓ.

Loading...