Abtak Media Google News

રાજ્ય સરકારની સજા માફી નીતિનો હકદાર હોવાથી અરજદારને મુક્ત કરવા આદેશ

રાજ્ય સરકારની નીતિ મુજબ સજામાફીનો હકદાર હોવા છતાંય આરોપી કેદીની સજા માફી કરવાની ભલામણ ના સ્વીકારવાના મામલે હાઇકોર્ટે રાજ્ય સરકારને રૂ. ૫૦ હજારનો દંડ ફટકાર્યો છે. જો કે, હાઇકોર્ટે આ મામલે કેદીને અન્યાય થયો હોવાથી તેને વળતર પેટે રૂ. ૫૦ હજાર સરકારેે ચુકવવા પડશે તેવો આદેશ કર્યો છે. જસ્ટિસ એ.જે. દેસાઇએ આ કેસનો નિકાલ કરતા નોંધ્યું હતું કે, રાજ્ય સરકારે જાન્યુઆરીમાં જાહેર કરેલી સજા  માફીની નીતિનો અરજદાર હકદાર છે. અરજદાર પ્રભાત ડાભીએ હાઇકોર્ટ સમક્ષ કરેલી અરજીને જસ્ટિસ દેસાઇએ ગ્રાહ્ય રાખી હતી. તેમણે અરજીનો નિકાલ કરતા નોંધ્યું હતું કે રાજ્ય સરકારે જાન્યુઆરીમાં આજીવન કેદની સજા ભોગવતા જેલમાં રહેલા કેદીઓ માટે સજા માફીની નીતિ જાહેર કરી હતી.

જે હેઠળ જે કેદીઓ છેલ્લા ૧૦ વર્ષમાં જે કેદીઓ પેરોલ કે જામીન પર મુક્ત થયા બાદ નાસી છૂટ્યા ના હોય અને તેઓ આજીવન કેદની સજા પામ્યા હોય તો તેમનો સમાવેશ આ નીતિમાં કરવાનો હતો. આ કેસના અરજદાર પણ સરકારની આ નીતિનો લાભ મેળવવાના પૂર્ણ હકદાર છે. પરંતુ જેલ સત્તાતંત્ર દ્વારા રાજ્ય સરકારના નિર્ણયનું ખોટું અર્થઘટન કરાયું હોવાથી અરજદાર કેદીને આજદિન સુધી જેલમાં રહેવું પડ્યું હતું. તેથી તે વળતર મેળવવાને પાત્ર હોવાથી રાજ્ય સરકારે તેને રૂ. ૫૦ હજાર ચુકવવાના રહેશે.

આ કેસમાં અરજદાર તરફથી એડવોકેટ નિકુંત રાવલ અને દિલબર કોન્ટ્રાક્ટર દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે, અરજદાર કેદી ૧૩ વર્ષથી વધુની સજા ભોગવી ચુક્યો છે. પરંતુ જેલ ઓથોરિટી કે રાજ્ય સરકાર તેને સરકારની સજા માફીની નીતિનો લાભ આપી રહી નથી, જે તેમણે જાન્યુઆરીમાં જાહેર કરી છે. અરજદાર ૧૯૯૭માં થયેલી હત્યાના એક કેસમાં સહઆરોપી હતો અને તેને મહેસાણાની જિલ્લા અદાલત દ્વારા આજીવન કેદની સજા આપવામાં આવી હતી. રાજ્ય સરકારે આ દલીલનો વિરોધ કરતા એવી દલીલ કરી હતી કે, આ કેદી સામે બે ગુના છે અને તે છ મહિના માટે ભાગેડુ રહી ચુક્યો છે. જો કે, અરજદાર તરફથી રજૂઆત કરાઈ હતી કે, તે ૧૦ વર્ષ પહેલા છ વર્ષ માટે ભાગેડુ રહ્યો હતો અને તેના માટે તેને એક વર્ષની જેલની સજા પણ ફટકારાઇ હતી.

જ્યારે વર્તમાન નીતિ મુજબ જે કેદીઓ છેલ્લા ૧૦ વર્ષમાં ભાગ્યા ના હોય તેઓ સજામાફી માટેના હકદાર છે. તેવા સંજોગોમાં અરજદારને સરકારની નીતિ મુજબ સજા માફી મેળવીને મુક્ત થવો જોઇએ. હાઇકોર્ટે અરજદારને રાહત આપતો હુકમ કર્યો હતો અને રાજ્ય સરકારને આદેશ કર્યો હતો કે તેઓ વળતર પેટે અરજદાર કેદીને રૂ. ૫૦ હજાર ચુકવી આપે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.