Abtak Media Google News

આજે નાણામંત્રી નીતિન પટેલ 7મીવાર નાણાંકીય વર્ષ 2019-20 માટે પૂર્ણ કદનું બજેટ રજૂ કર્યું છે. ગુજરાતની સ્થાપના બાદ પહેલીવાર 2 લાખ કરડોનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નાણાંમંત્રીએ 2,04,815 કરોડનુ બજેટ રજૂ કરવા દરમિયાન ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક રૂ.6000ની સહાય મુદ્દે પીએમ મોદીનો આભાર માન્યો હતો.

ત્યાર બાદ કૃષિ, આરોગ્ય, રોજગારી અને પાણી પર ભાર આપી જાહેરાતો કરવાની શરૂઆત કરી હતી. આ દરમિયાન સોગંદનામા અને નોટરીના લખાણના લેખો માટે સ્ટેમ્પ ડ્યુટીમાં અઢી ગણો વધારો કરી રૂ. 20ના 50 કર્યા છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ 
આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 10,800 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આયુષ્માન ભારત જન આરોગ્ય યોજનાના 4.90 લાખ નાગરિકોને 818 કરોડ ચૂકવવામાં આવ્યા છે. આ યોજના માટે આ વર્ષે 450 કરોડની જોગવાઈ કરી છે. જ્યારે શહેરી વિસ્તારના આરોગ્ય તંત્રને સુદ્રઢ કરવા 110 કરોડ, મા અને મા વાત્સલ્ય યોજના માટે સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ હોસ્પિટલો માટે 1000 કરોડ, સરકારી હોસ્પિટલોમાં વિના મૂલ્યે દવાઓ માટે 500 કરોડ, સિઝનલ રોગ નિયંત્રણ માટે 313 કરોડ, બાલ સખા રાજ્ય વ્યાપી યોજના માટે 85 કરોડ, પી.એચ.સી, સી.એચ.સીના બાંધકામ માટે 129 કરોડની ફાળવણી કરી છે.

નવી 750 MBBS બેઠકો માટે 80 કરોડ, 108ની નવી 100 એમ્બ્યુલન્સ માટે 18 કરોડ
આ સિવાય તબીબી શિક્ષણ માટે MBBSની 4800, ડેન્ટલની 1240, પીજી ડિપ્લોમા સુપર સ્પેશિયાલિટી માટે 1944 બેઠકો ઉપલબ્ધ છે. રાજકોટ એઇમ્સ માટે 200 એકર જમીન ફાળવણી કરી છે. તેમજ આંતર માળખાકીય સવલતો માટે 10 કરોડ, નવી 750 MBBS બેઠકો માટે 80 કરોડ, સુરત, ભાવનગર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ માટે 160 કરોડ, હોસ્પિટલોમાં ઓ.પી.ડી બિલ્ડીંગ અને નર્સિંગ બિલ્ડીંગ માટે 116 કરોડ, 108ની નવી 100 એમ્બ્યુલન્સ માટે 18 કરોડ, 310 સરકારી આયુર્વેદ દવાખાનાને હેલ્થ વેલનેસ સેન્ટરમા રૂપાંતરિત કરવા 48 કરોડ અને જામનગર મેટરનિટી ચાઇલ્ડ બ્લોક માટે 25 કરોડની ફાળવણી કરી છે.

શિક્ષણના વિકાસ પાછળ 30,045 કરોડ, 5 હજાર નવા ક્લાસરૂમ માટે 454 કરોડની ફાળવણી

રાજ્ય સરકારે શિક્ષણના સર્વગ્રાહી વિકાસ માટે 30,045 કરોડની ફાળવણી કરી છે. તેમજ નવા 5 હજાર વર્ગખંડો માટે 454 કરોડ દૂધ સંજીવની અને અન્ન ત્રિવેણી યોજના માટે 1015 કરોડ, બાળકોની ફી, યુનિફોર્મ, બૂટ, સ્કૂલ બેગ માટે 341 કરોડ, વર્ચ્યુઅલ ક્લાસ રૂમ માટે 103 કરોડ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટે 370 કરોડ, સરકારી કોલેજ, યુનિવર્સિટી ભવન માટે 206 કરોડ અને કોલેજના વિદ્યાર્થીઓને ટેબલેટ આપવા માટે 252 કરોડની ફાળવણી કરી છે.

સી-પ્લેન શરૂ કરવા 5 કરોડના ખર્ચે વોટર એરોડ્રામ

હાલ રાજ્યમાં 12 એરપોર્ટ અને 5 એરસ્ટ્રીપ કાર્યરત છે. સરદાર સરોવર, શેત્રુંજય ડેમ, સાબરમતી રિવરફ્રન્ટ પર વિમાન ઉતરાણ શરૂ કરવા માટે રૂ.5 કરોડના ખર્ચે વોટર એરોડ્રામ બનાવશે. જ્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના એરિયલ વ્યૂ માટે રૂ.1 કરોડની જોગવાઈ કરી છે. રાજ્યમાં સી-પ્લેન શરૂ કરવા 5 કરોડના ખર્ચે વોટર એરોડ્રામ બનાવવામાં આવશે.

‘વ્હાલી દીકરી યોજના’, દીકરી પહેલા ધોરણમાં આવે ત્યારે 4000ની સહાય

‘વહાલી દીકરી યોજના’માં 2 લાખની આવક ધરાવતા પરિવારોને સહાય આપવા દીકરી પહેલા ધોરણમાં આવે ત્યારે 4000ની સહાય આપવામાં આવશે. જ્યારે 9મા ધોરણમાં આવે ત્યારે 6000ની સહાય અપાશે. તેમજ 18 વર્ષ પૂર્ણ કરે ત્યારે 1 લાખની સહાય અપાશે. આ યોજનામાં કુલ 133 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આંગણવાડીમાં પુરક પોષણ માટે 751 કરોડ તથા વિધવા પેન્શન માટે 376 કરોડ અને પૂર્ણા યોજના માટે 87 કરોડની ફાળવણી કરી છે.

જળ સંપત્તિ માટે વિવિધ જોગવાઈ

રાજ્ય સરકારે બંધ જાળવણી, નહેર માળખા સુધારણા, સહભાગી સિંચાઇ યોજના જેવા જળ સંપત્તિના કામ માટે રૂ. 7157 કરોડની ફાળવણી કરી છે. જ્યારે સૌની યોજનાના ત્રીજા તબક્કાના 2,258 કરોડના કામ હાલ પ્રગતિમાં છે. જેના માટે રૂ.1880 કરોડની જોગવાઇ કરી છે.તેમજ થરાદથી સીપુ ડેમ પાઇપ લાઇન માટે 100 કરોડ ફાળવ્યા છે.જેનો 6000 ગામોને લાભ મળશે. આદિજાતિ વિસ્તારોમાં સિંચાઇ માટે 962 કરોડ, તાપી-કરજણ લીક પાઇપલાઇન માટે 720 કરોડ, અંબિકા નદી પર રીચાર્જ પ્રોજેકટ માટે 372 કરોડની જોગવાઈ કરી છે. તેમજ સુરત જિલ્લાના 23 હજાર ખેડૂતો માટે 245 કરોડ, કરજણ જળાશય માટે 220 કરોડ, કડાણા જળાશય માટે 380 કરોડની ફાળવણી કરી છે.

કૃષિ, પશુ પાલન અને મત્સ્યોદ્યોગ
ખેડૂત યોજનાના અમલ માટે 2,771 નવી જગ્યાઓ ભરવામાં આવશે. જે અંતર્ગત આ વર્ષે 1121 જગ્યાઓ ભરાશે. ગુજરાતના ખેડૂતોને ઝીરો ટકાના દરે પાક ધિરાણ માટે ખેડૂત વ્યાજ સહાય આપવા રૂ.952 કરોડની જોગવાઇ કરી છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ 18 લાખ ખેડૂતોને આવરી લેવાશે. જેના માટે 1073 કરોડની ફાળવણી કરવામાં આવી છે. રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના માટે 299 કરોડ, ફાર્મ મિકેનાઇઝેશન માટે 235 કરોડ, ફૂડ પ્રોસેસિંગ માટે 34 કરોડની ફાળવણી કરવામાં આવશે.

રાસાયણિક ખાતર માટે 25 કરોડ, સેટેલાઇટ ઇમેજ ડ્રોન ફોટોગ્રાફી માટે 25 કરોડ, બાગાયત વિકાસ માટે સેન્ટર ઓફ એકસેલન્સ માટે 8 કરોડ, 4000 ડેરી ફાર્મ સ્થાપવા 134 કરોડની જોગવાઇ, 460 ફરતા પશુ દવાખાના માટે 47 કરોડ, મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના માટે 28 કરોડની જોગવાઈ કરી છે.જ્યારે ડેરી વિકાસ અને પશુ પાલકોને સાધન સહાય માટે 36 કરોડ, ગૌ સેવા વિકાસ માટે 38 કરોડ, સહકાર કિસાન કલ્પ વૃક્ષ યોજના માટે 33 કરોડ, ગોડાઉન બાંધકામ માટે 11 કરોડની ફાળવણી કરી છે.

આ સિવાય મત્સ્યોદ્યોગના વિકાસ માટે માંગરોળ, નવાબંદર, વેરાવળ, માઢવાડ, પોરબંદર, સૂત્રાપાડા મત્સ્ય બંદર વિકાસ માટે 210 કરોડ, ફીશિંગ બોટ ડીઝલ વપરાશ માટે વેટ સહાય આપવા 150 કરોડ અને કેરોસિન સહાય માટે 18 કરોડની જોગવાઈ કરી છે.

પાણી પુરવઠો
પાણી-પુરવઠાની વિવિધ યોજના માટે 4300 કરોડની ફાળવણી કરવામાં આવી છે. રીયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર નીતિ હેઠળ પ્રોજેકટ માટે 199 કરોડ, આદિજાતિ વિસ્તારમાં 3000 કરોડના કામો પ્રગતિમાં છે. જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર મધ્ય ગુજરાતના 43 જૂથ પાણી પુરવઠા યોજના સુધારણા માટે 500 કરોડ, પાણી પુરવઠા ગ્રીડ ને સુદ્રઢ કરવા 340 કરોડની જોગવાઈ કરી છે.

સામાજિક ન્યાય અધિકારીતા

સામાજિક ન્યાય અધિકારિતા માટે 4,212 કરોડની જોગવાઈ કરી છે. ધોરણ 1થી 10 ના વિદ્યાર્થીઓને સહાય માટે 601 કરોડ, આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજના સહાય માટે 186 કરોડ, ધોરણ 9માં ભણતી કન્યાઓને સાયકલ આપવા 74 કરોડ, કુંવરબાઇનું મામેરું યોજના માટે 35 કરોડ તથા સમરસ કુમાર છાત્રાલય માટે 9 કરોડની જોગવાઈ કરી છે.

3 વર્ષમા નવા 60 હજાર કર્મચારીઓની ભરતી કરાશે, 70 હજાર સખી મંડળ બનાવાશે

આગામી 3 વર્ષમા નવા 60 હજાર કર્મચારીઓની ભરતી કરાશે. નવા 70 હજાર સખી મંડળો બનાવી 700 કરોડનું ધિરાણ અપાશે. મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના સહિત વિવિધ રોજગાર યોજનાઓનો 15 લાખ યુવાનોને લાભ અપાશે. જ્યારે આગામી 3 વર્ષમા મુદ્રા યોજના હેઠળ 50 લાખ લાભાર્થીઓને લાભ આપવામાં આવશે.

નવી સોલાર રૂફટોપ યોજના 
3 કિલોવોટનો પ્લાન્ટ બેસાડનાર પરિવારને 40 ટકા સબસિડી, 3 થી 10 ટકા માટે 20 ટકા સબસિડી માટે રૂ.1000 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેનો 2 લાખ પરિવારોને લાભ મળશે.

આ સિવાય ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને શુધ્ધ કરી તે પાણી ઉંડા દરિયામા નિકાલ માટે પીપીપી ધોરણે પાઇપ લાઇન માટે રૂ.2,275 કરોડ ખર્ચાશે. જેના માટે આ વર્ષે 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

બે દિવસમાં 1.25 લાખ ખેડૂતોને વીજ જોડાણ મળશે, યુવાઓની રોજગારી 31,877 કરોડની લોન અપાશે

રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ થકી 15 લાખ યુવાઓને રોજગારી મળે તે માટે 31,877 કરોડની લોન અપાશે. જેટલા ખેડૂતોએ ખેતીવાડી વીજ જોડાણ માટે અરજી કરી છે તેમાંથી 1,25,000 ખેડૂતોને અષાઢી બીજ(4 જુલાઈ)ના દિવસે વીજ જોડાણ આપી દેવાશે.

2022 સુધી તમામ વિસ્તારમાં નળ દ્વારા શુધ્ધ પીવાનુ પાણી પહોંચાડાશે

જળ સંચય અભિયાન પાણી બચાવો અભિયાન માટે વોટર ગ્રીડ યોજના ‘નલ સે જલ’ યોજના હેઠળ 2020 સુધી તમામ વિસ્તારમાં નળ દ્વારા શુધ્ધ પીવાનુ પાણી પહોંચાડાશે, જેના માટે રૂ. 20 હજાર કરોડનો ખર્ચ કરવામાં આવશે. જેના માટે હાલ 4500 કરોડની ફાળવણી કરવામાં આવી છે.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 7111 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

દરિયાકાંઠામાં 8 ડીસેલીનેશન પ્લાન્ટ સ્થપાશે, ગંદા પાણીને ટ્રીટ કરીને પુનઃઉપયોગ કરવા 300એમ.એલ.ડીના પ્રોજેકટની સ્થાપના કરવામાં આવશે. તેની સાથે સાથે માઇક્રો ઈરીગેશન વ્યાપ વધારાશે. જેમાં 18 લાખ હેક્ટર વિસ્તાર આવરી લેવાશે. જેનો 11.34 લાખ ખેડૂતોને લાભ થશે.

કેન્દ્રએ રાજ્યના 28 લાખ ખેડૂતોને સહાયના પ્રથમ બે હપ્તા પેટે 1,131 કરોડ ચૂકવ્યા

ભારત સરકારે રાજ્યના 28 લાખ ખેડૂતોને સહાયના પ્રથમ બે હપ્તા પેટે 1,131 કરોડ ચૂકવ્યા, ભારત સરકારે બે હેક્ટરની મર્યાદા દૂર કરી છે, જેથી રાજ્યના બધા ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.

નર્મદા યોજના માટે 6595 કરોડની ફાળવણી

નર્મદા યોજના અંતર્ગત મુખ્ય બંધના આનુષાંગિક કામો, પાવર સાઉસ જાળવણી, કેનાલ ઓટોમેશન, જમીન સંપાદન, નાના વીજ મથકો માટે 6595 કરોડ ફાળવ્યા છે. તેમજ ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ ના સંકલિત વિકાસ માટે 260 કરોડની ફાળવણી કરી છે.

આદિજાતિ વિકાસ માટે 24981 કરોડની જોગવાઈ 
માહિતી અને પ્રસારણ માટે 174 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ કાયદા વિભાગ માટે 1653 કરોડની ફાળવણી, શિક્ષણ માટે 30045 કરોડની જોગવાઈ અને આદિજાતિ વિકાસ માટે 24981 કરોડની જોગવાઈ કરી છે. આ સિવાય રાજ્યમાં નવી 434 કોર્ટો શરૂ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.