કોરોના નહિં બર્ડફ્લુથી ગુજરાત જોખમમાં: પક્ષીઓથી માનવમાં પણ ફેલાય શકે છે સંક્રમણ

પરદેશીઓ સે ના અખિયાં મિલાના, પરદેશીઓ તો એક દિન હૈ જાના

હિમાચલ પ્રદેશમાં ૪ હજારથી વધુ યાયાવર પક્ષીઓના મોત, ગુજરાતમાં પણ મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ આવતા હોય સરકાર ચિંતિત

હવે કોરોનાના વળતા પાણી શરૂ થયા છે. તેવામાં બર્ડ ફ્લૂએ માઝા મૂકી છે જેના કારણે હવે ગુજરાત ઉપર કોરોનાથી નહિ પણ બર્ડ ફ્લુથી જોખમ વધ્યું હોવાનું જણાય રહ્યું છે. હાલ યાયાવર પક્ષીઓમાં બર્ડ ફલૂના કેસો વધુ જોવા મળતા હોય સામે ગુજરાતમાં પણ મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ આવતા હોય સરકાર આ મામલે ચિંતિત બની છે.

કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે કે સાત રાજ્યો-કેરલ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં બર્ડ ફ્લૂ  ફેલાવવાની પુષ્ટિ થઇ ગઇ છે, તો બીજી તરફ દિલ્હી અને મહારાષ્ટ્રના નમૂનાના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. બીજી તરફ હિમાચલ પ્રદેશમાં કાંગરા, મંડી, બિલાસપુર અને સિરમુર જિલ્લામાં ૪૦૨૦ યાયાવર પક્ષીઓના મોત નિપજ્યા છે. ઉપરાંત ૮૬ કાગડાઓના પણ મોત નિપજ્યા છે. યાયાવર પક્ષીઓ સ્થાનિક કક્ષાએ જોખમ વધારી રહ્યા હોવાનું હાલના તબક્કે માનવામાં આવી રહ્યું છે.

અગાઉ પણ હિમાચલ પ્રદેશના પોંગ ડેમ વેટલેન્ડમાં મૃત પક્ષીઓની આંકડો ૨૦૦૦ને પાર થઈ ગયો હતો. પક્ષીઓનાં મૃત્યુનો પ્રથમ કેસ ૨૮ ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ સામે આવ્યો હતો. મૃત્યુનું કારણ બર્ડ ફ્લૂ હતું. જેને કારણે પોંગ ડેમ વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. એક કિલોમીટરનો વિસ્તાર રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ સિવાય ૯ કિમી સુધીનો વિસ્તાર સર્વેલન્સ ઝોન બનાવવામાં આવ્યો છે. ઉપરાંત, ડેમની આસપાસ કોઈપણ પ્રકારની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

બીજી તરફ ગુજરાતમાં પણ બર્ડ ફ્લુની એન્ટ્રી થતા સરકાર એલર્ટ બની છે. માંગરોળના લોએજ પાસે ૭૦ કાગડાઓન મોત નિપજ્યા છે. આ ઉપરાંત ઉના તાલુકાના ચીખલી ગામમાં ૧૦૦ જેટલા મરઘાંઓના મોત નિપજ્યા છે. અગાઉ રાણાવવામાં ૮ મોર અને ગોંડલના શિવરાજગઢ ગામે ૧૦ ટીટોડીના મોત નિપજ્યા હતા. આમ ગુજરાતમાં પક્ષીઓના મોતનો સિલસિલો યથાવત રહ્યો છે.

બીજી તરફ ગુજરાતમાં યાયાવર પક્ષીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા હોય હિમાચલ પ્રદેશમાં યાયાવર પક્ષીઓ બર્ડ ફલૂનો ચેપ ફેલાવતા હોવાનું નોંધાતા ગુજરાત ઉપર જોખમ વધ્યું છે. પક્ષીઓના બર્ડ ફ્લુથી મોત થયા બાદ શ્વાન સહિતના પ્રાણીઓ તેમના મૃતદેહને અડકે કે ખાય તો તેમનામાં પણ આ વાયરસ ફેલાય અને બાદમાં આ વાયરસ સતત ફરતો રહે તેવી ભીતિ સેવાઇ રહી છે. ઉપરાંત હાલ કોરોનાકાળ ચાલી રહ્યો છે. તેવામાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા એવું લાગી રહ્યું છે કે કોરોના કરતા બર્ડ ફ્લુનું જોખમ વધુ છે.

Loading...