Abtak Media Google News

સવારે ૧૦ થી ૧૨ ફિઝીકસ અને કેમેસ્ટ્રી, બપોરે ૧ થી ૨ બાયોલોજી અને ૩ થી ૪ ગણીતનું પેપર: ગરમી હોવાના લીધે વિદ્યાર્થીઓ માટે ઠંડા પાણી સાથે જરૂરી સુવિધાની તકેદારી રાખવા તમામ સેન્ટરોને સુચના અપાઈ

રાજકોટમાં ૯૯૬૮, જૂનાગઢમાં ૪૮૬૪, જામનગરમાં ૨૩૧૪ સહિત સૌરાષ્ટ્રના ૭ જિલ્લાના ૧૧૭ કેન્દ્રોમાં ૨૪૩૬૭ વિદ્યાર્થીઓએ આપી ગુજકેટની પરીક્ષા

ઈજનેરી ફાર્મસીમાં પ્રવેશ માટેની ગુજકેટની પરીક્ષાનો આજે શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. રાજયભરમાં ગુજકેટની પરીક્ષા આજે લેવાઈ હતી. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ગુજકેટની પરીક્ષામાં આ વર્ષે ૧.૩૪ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. સમગ્ર રાજયભરમાં હિટવેવ અને અસહ્ય ગરમી સાથે રેડ એલર્ટની આગાહી છે ત્યારે વિદ્યાર્થીઓ માટે ઠંડા પાણી સાથે જ‚રી સુવિધાની તકેદારી રાખવા તમામ સેન્ટરોને તાકીદ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના ૭ જિલ્લાના ૧૧૭ કેન્દ્રોમાં ૨૪૩૬૭ વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપી રહ્યાં છે ત્યારે રાજકોટમાં ૯૯૬૮, જૂનાગઢમાં ૪૮૬૪, જામનગરમાં ૨૩૧૪ વિદ્યાર્થીઓ નોંધાયા છે.

રાજકોટમાં ગુજકેટની પરીક્ષા માટે ૯૯૬૮ વિદ્યાર્થીઓ નોંધાયા છે તેમાં ૪૮ બિલ્ડીંગ પરના ૫૦૧ બ્લોક પરથી વિદ્યાર્થીઓએ આજે સવારથી પરીક્ષા આપી હતી. જેમાં આજે સવારે ૧૦ થી ૧૨ ફિઝીકસ અને કેમેસ્ટ્રી, બપોરે ૧ થી ૨ બાયોલોજી અને ૩ થી ૪ ગણીતનું પેપર લેવામાં આવ્યું હતું. દરેક જિલ્લા મથક ઉપર પરીક્ષા માટે બેઠક વ્યવસ્થા ગોઠવી ગઈકાલથી કંટ્રોલ‚મ ધમધમતો કરવામાં આવ્યો હતો.

રાજયભરની જો વાત કરીએ તો રાજયના ૬૦૮ પરીક્ષા કેન્દ્રોમાં ૬૮૦૦થી વધુ બ્લોકમાં ગુજકેટની પરીક્ષા લેવાઈ હતી અને પરીક્ષા દરમિયાન કોઈપણ ગેરરીતિના બનાવ ન બને તે માટે સીસીટીવી વિદ્યાર્થીઓ ઉપર નિગરાની રાખવામાં આવી હતી. રાજયમાં ગરમીનું તાપમાન વધતા રેડ એલર્ટ જાહેર થાય તેવી સંભાવના છે. ત્યારે શિક્ષણ બોર્ડે તમામ સેન્ટરોને ઠંડા પાણી રાખવા તેમજ પાણીની પુરતી સુવિધા રાખવા ખાસ આદેશ કર્યો હતો. રાજકોટ સહિતના મુખ્ય શહેરોમાં કેટલાક ડીઈઓ દ્વારા કુલ સેન્ટરોને ઠંડુ પાણી તેમજ મેડિકલ કીટ તથા ઓઆરએસ અને લીંબુ પાણી સહિતની વ્યવસ્થા કરવા સુચના અપાઈ હતી. એકંદરે પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો અને વિદ્યાર્થીઓએ પણ હોંશભેર પરીક્ષા આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.