Abtak Media Google News

જીટીયુની એકેડમિક કાઉન્સીલની મીટીંગમાં વિદ્યાર્થીઓના હિતલક્ષી નિર્ણય લેવાયો: ઇન્ટનલ કવોલીટી એસ્યોરન્સ સેલની પણ રચના કરાશે

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) ખાતે તારીખ ૭ નવેમ્બર ૨૦૨૦ના રોજ એકેડમિક કાઉન્સિલની ઓનલાઈ અને ઓફલાઇન મોડમાં મીટીંગ યોજાઈ હતી. જેમાં   વિદ્યાર્થીઓ માટેના વિવિધ હિતલક્ષી નિર્ણયોને પસાર કરીને આગામી સમયમાં અમલમાં મૂકવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એકેડમિક કાઉન્સિલની મીટીંગમાં જીટીયુ દ્વારા કરવામાં આવેલ તમામ પ્રવૃત્તિઓ અને સિદ્ધિઓને એકેડમિક કાઉન્સિલ સમક્ષ પ્રોજેક્ટ સ્વરૂપે રજૂ કરવામાં આવી હતી.  જેમાં મુખ્યત્વે જીટીયુએ મેળવેલ એરીયા રેન્કિંગ, ક્યુએસ રેન્કિંગ તેમજ રોબોકોન  સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ જીટીયુની રોબોટીક્સ ટીમે મેળવેલ  દ્વિતીય સ્થાનને વધાવી લેવામાં આવ્યું હતું. આ ઉપરાંત ૬૦૦૦૦થી પણ વધુ વિદ્યાર્થીઓની સમગ્ર દેશમાં સૌપ્રથમ વખત ઓનલાઈન પરીક્ષા લઈને જીટીયુ , ટેક્નોલોજીકલ યુનિવર્સિટી તરીકે ખરાં અર્થમાં ચરિતાર્થ થઈ છે. એકેડમિક કાઉન્સિલના તમામ સભ્યો દ્વારા જીટીયુના  કુલપતિ પ્રો. ડો. નવીન શેઠને આ બદલ અભિનંદન પાઠવ્યા હતા.

તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી ન્યૂ એજ્યુકેશન પોલીસીને એકેડમિક કાઉન્સિલના તમામ સભ્યો દ્વારા સર્વાનુમતે સ્વીકારીને તેના જુદા જુદા વર્ટિકલ પૈકી ક્રેડિટ ટ્રાન્સફર, ક્રેડિટ બેન્ક અને મલ્ટીપલ એન્ટ્રી અને એક્ઝિટની રૂપરેખા તૈયાર કરવા માટે જીટીયુ ખાતે ટાસ્ક ફોર્સની રચના કરીને  ૩૦ દિવસમાં ઠરાવ આધારિત રિપોર્ટ રજૂ કરવો.  તૈયાર કરાયેલ રિપોર્ટને  આગામી દિવસોમાં રાજ્ય સરકાર, AICTE અને UGCને પણ મોકલવામાં આવશે.   ન્યૂ એજ્યુકેશન પોલીસી- ૨૦૨૦ના સૂચન પ્રમાણે જીટીયુ ખાતે સ્કૂલ ઓફ એપ્લાઇડ સાયન્સ એન્ડ ટેકનોલોજી શરૂ કરવા અને ચાલુ વર્ષથી જ એમ.ફિલ કોર્સ બંધ કરવાનો સૈદ્ધાંતિક સ્વિકાર પણ કરવામાં આવ્યો હતો.  નિયત સમયગાળામાં અભ્યાસક્રમ પૂર્ણ ન કરેલ વિદ્યાર્થીઓની વધુ એક તક આપવાની રજૂઆતને સ્વીકારીને યુજીસીના માર્ગદર્શન પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Gtu

જીટીયુની પીજી સ્કૂલ અને સંલગ્ન સંસ્થાઓમાં ટીચિંગ અને લર્નિંગની ગુણવત્તા સુધારવાના સંદર્ભે દરેક સંસ્થામાં એકેડમીક ઓડિટ કરવાનું નક્કી કરાયું છે. તેમજ સંલગ્ન તમામ સંસ્થાઓએ NBA અને NAAC એક્રિડેશન મેળવવા માટેના  પૂરતા પ્રયત્નો કરવાના રહેશે. જેમાં ૨૦૨૨ સુધીમાં ઓછામાં ઓછા ૧ પ્રોગ્રામ માટે NBA અથવા સંસ્થાનું NAAC એક્રિડેશન કરાવવાનું રહશે. આ ઉપરાંત ૧થી વધારે પ્રોગ્રામ માટે ૨૦૨૫ સુધીમાં NBA  એક્રિડેશન કરાવવાના રહેશે. સંલગ્ન તમામ કોલેજે ૩૧ ડિસેમ્બર સુધી ઈન્ટર્નલ ક્વોલિટી એસ્યોરન્સ સેલની પણ રચના કરવાની રહેશે.  AICTE ની ગાઇડલાઇનને ધ્યાનમાં રાખીને ઇમર્જિંગ એરિયામાં નવા કોર્સ શરૂ કરવા માંગતી સંસ્થાઓના જોડાણ માટેના માપદંડો પણ મીટીંગ દરમિયાન નક્કી કરવામાં આવ્યા હતા. જીટીયુ સંલગ્ન સંસ્થાઓમાં અધ્યાપકોની માન્યતા માટેના માપદંડો અને મંજૂર થયેલા ઈન્ટેકના પ્રમાણમાં AICTE ની માર્ગદર્શિકા મુજબ ૧ : ૨ : ૬નો રેશિયો જળવાતો ના હોય તો, નિયોમોનુસાર યોગ્ય પગલાં ભરવામાં આવશે.

જે સંસ્થામાં પ્રિન્સિપાલ / ડાયરેક્ટરની જગ્યા ખાલી હોય તો, પ્રથમ વર્ષે ૨૫% , બીજા વર્ષે પણ ન ભરાય તો ૫૦% સિટ ઘટાડવામાં આવશે. આ ઉપરાંત સતત ૩જા વર્ષે પણ પ્રિન્સિપલ/ડાયરેક્ટરની જગ્યા ખાલી રહે તો , જે તે સંસ્થાને નો એડમિશન ઝોનમાં મૂકવા માટે નક્કી કરાયું છે.  ડીપ્લોમાના જે વિદ્યાર્થીઓ અભ્યાસક્રમ પૂર્ણ કરી શકતા નથી તેવા વિદ્યાર્થીઓને પણ ભવિષ્યમાં રોજગારીની તકો મળી રહે તે હેતુસર, તેમના અભ્યાસ આધારિત સ્કીલ સર્ટીફીકેટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.  જીટીયુ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ ફાર્મસી ખાતે આગામી સમયમાં સર્ટીફીકેટ કોર્સ ઈન ફર્મા ક્રોવિઝલન્સ એન્ડ મેડિકલ રાઇટીંગ  અને સર્ટીફીકેટ કોર્સ ઈન સોફેસ્ટીકેટેડ  એનાલીટીકલ ઇન્સ્ટ્રુમેન્ટ હેન્ડલીંગ તથા જીટીયુ જીસેટ ખાતે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ડેટા સાયન્સનો કોર્સ શરૂ કરાશે.

તેમજ આગામી દિવસોમાં સંલગ્ન સંસ્થાઓમાં એમબીએમાં ફાઈનાન્સ મેનેજેન્ટ , ઈન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી , આર્ટીફિશિયલ ઈન્ટીલિજન્સ એન્ડ ડેટા સાયન્સ , આર્ટીફિશિયલ ઈન્ટીલિજન્સ એન્ડ મશીન લર્નિંગ તથા ગ્રાફિક્સ અને મલ્ટીમીડિયાના  નવા કોર્સ  શરૂ કરવા માટે નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત  ઈમર્જિન એરિયાના કોર્સ અને માઇનર ડિગ્રી મેળવવા અંગેની માર્ગદર્શિકા પણ રજૂ કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.