Abtak Media Google News

મગફળી વેચવા માટે નાછુટકે ગોડાઉન ખોલવું પડયું: ગોડાઉન ખુલતા વેંતજ જનતા રેડ થતાં સમગ્ર કૌભાંડ આવ્યું બહાર

જવાબદારો વિરુઘ્ધ જયા સુધી પગલા નહી ભરાય ત્યાં સુધી લડત ચાલુ રાખવાનું જાહેર કરતા કિસાન સંઘ અને કોંગ્રેસના આગેવાનો

ગાંધીધામમાં ટેકાના ભાવે ખરીદવામાં આવેલી મગફળીનું વેચાણ કરવા ગોડાઉન ખોલવામાં આવ્યું તે વેળાએ જ જનતા રેડ પાડવામાં આવતા મગફળીની ગુણીમાં માટી અને પથ્થર નીકળ્યા હતા. આમ મગફળીની ગુણીમાંથી માટે અને પથ્થરની ભેળસેળ કરવાનું વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે. ત્યારે આ મામલે તટસ્થ કાર્યવાહી કરીને દોષીઓને કડક સજા કરવાની પ્રબળ માંગ ઉઠી છે.

ગાંધીધામમાં હરાજી દ્વારા વેપારીઓને ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીનું વેચાણ કરાતા ગોડાઉનમાં નબળી ગુણવતાની મગફળી હોવાનો ભાંડાફોડ થયો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાનો અને વેપારી તેમજ ખેડુત આગેવાનોએ સાથે રહીને જનતા રેડ પાડી હતી. જેમાં મગફળીના ફોફા, કાકરા અને પથ્થરો બારદાનમાંથી નીકળ્યા હતા. મગફળીના કૌભાંડ મામલે અત્યાર સુધી રાજય સરકાર દ્વારા ભીનું સંકેલવાના પ્રયાસો કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરાયો છે.

વર્ષ ૨૦૧૬-૧૭ માં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં મોટા કૌભાંડો થયા હતા. મગયળી સાથે ધુળ, ઢેફા, કાંકરા, ફોફા વગેરે ભેળવી વેપારીઓએ સરકારના મળતીયાઓએ ખુબ મલાઇ તારવી મોટું કૌભાંડ કર્યાની ફરીયાદ નોંધાવી છે. કોંગ્રેસ દ્વારા ગોડાઉનની બહાર ધરણાનો કાર્યક્રમ યોજી વિરોધ પણ કરવામાં આવ્યા હતા. આ સમયે એવા પણ આક્ષેપો ઉઠયા હતા કે સરકાર દ્વારા ભીનું સંકેલવા માટે આખા કૌભાંડ ઉપર પડદો પાડી મગન ઝાલાવડીયા જેવા માત્ર વચ્ચેના વ્યકિત સામે જ ગુનો નોંધાયો હતો.

ત્યારે કોંગ્રેસે માંગ કરી હતી કે જેટલા મગફળીના ગોડાઉન છે તેની તમામની તપાસ થવી જોઇએ.

વધુમાં કચ્છના ગાંધીધામના ગોડાઉનમાં ટેકાના ભાવે ખરીદવામાં આવેલી મગફળી રાખવામાં આવી હતી. અહીં પહોચેલા કોંગ્રેસના કિસાન સેલના તેમજ સ્થાનીક આગેવાનોએ આક્ષેપ કરતા કહ્યું હતું કે ગોડાઉનમાં રાખવામાં આવેલી મગફળી જોઇ ત્યારે ખબર પડે કે અત્યાર સુધી બહાર આવેલી વિગતો તો હિમશીલાની ટોચ જેવી હતી. અત્યારે ગાંધીધામના ગોડાઉનમાં જે મગફળી જોવા મળી રહી છે તેમા મગફળી છે જ નહીં.

તેના બદલે મગફળીના ફોફા અને રેતી, કાકરી, કાકરા અને પથ્થર જોવા મળ્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. આ જનતા રેડમાં સૌરાષ્ટ્ર માકેટીંગ યાર્ડ વેપારી એસોસીએશનના આગેવાનો પણ કોંગ્રેસના હોદેદારો સાથે જોડાયા હતા જનતા રેડ બાદ ફરી મગફળીનું કૌભાંડ ધુણ્યું છે હાલ આ મુદ્ે ભારે ચર્ચાસ્પદ બન્યો છે.

વધુમાં કિશાન  સેલના પ્રમુખ પાલભાઇ આંબલીયાએ જણાવ્યું કે આ મગફળીનો જથ્થો વર્ષ ૨૦૧૭માં ખરીદવામાં આવ્યો છે. આ બાબતે અંજાર પ્રાંત ઓફીસર જોશીને પણ ફોન કરીને જાણ કરવામાં આવી હતી. મગફળીના આ કૌભાંડનો પર્દાફાશ થયો છે. જયાં સુધી તંત્ર જવાબદારો સામે કડક પગલા નહી ભરે ત્યાં સુધી લડત ચાલુ રાખવામાં આવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.