રાજકોટ યાર્ડમાં પાણીના ભાવે વેચાતા લીલા શાકભાજી

રાજકોટ શાક માર્કેટ યાર્ડમાં ફલાવર કોબીની બમ્પર આવકથી ભાવ ગગડયાં: ખેડૂતોને પડતર કિંમત પણ ન ઉપજી: શાકભાજીના સતત ઘટતા ભાવથી ધરતીપુત્રો ચિંતામાં

રાજકોટ શાક માર્કેટ યાર્ડમાં છેલ્લા દસ દિવસથી ફલાવર, કોબી, ટમેટા, વટાણા, રીંગણા સહિત લીલા શાકભાજીના ભાવ ગગડયાં છે. પુષ્કળ ઉત્પાદ સાથે બમ્પર આવકને કારણે ફલાવર, કોબી, ટમેટા માત્ર રૂા. ૧ અને ૨ માં વેચાઈ રહ્યા છે. ગૌશાળાની ગાયોના ચારા માટે રાજકોટ યાર્ડમાં શાકભાજીની ખરીદી થઈ રહી છે. પાણીના મુલે શાકભાજી વેચાતા ખેડુતોને પડતર કિંમત પણ ઉપજી નથી.

રૂા.૧ અને ૨ ના કિલો લેખે ફલાવર, કોબી, ટમેટાની હરરાજીથી શાક માર્કેટમાં ઉહાપો મસ્યો છે. શાકભાજીના સતત ઘટી રહેલા ભાવની કોઈ નોંધ પણ લેવાતી નથી. ફલાવર, કોબી, ટમેટાની સાથે સાથે વાલ, વટાણા, રીંગણા, ગુવાર, મચ્ચા સહિત તમામ શાકભાજીના ભાવ તળીયે ગયા છે. રોજ-રોજ ઉપરોકત તમામ શાકભાજીની પુષ્કળ ભારીઓ ઠલવાઈ રહી છે. તયારે આજે ખેડુતોએ સીઝનની સૌથી વધુ શાકભાજીની ભારીઓ ઉતારી છે. પરંતુ પાણીના મુલે શાકભાજીની ખરીદી થતાં ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે.

ભાવો ઘટવાનુ મુખ્ય કારણ આવકો વધી છે. તો બીજી બાજુ લગ્નગાળો અને શાકભાજી બહાર જતી બંધ થઈ છે. જો આગામી દિવસોમાં આવકની સાથે ભાવ આવાને આવા જ ઘટેલા  રહેશે . તો ખેડુતોની મુશ્કેલી હજુ વધશે તેવુૂ ખેડુતો જણાવી રહ્યા છે. આમ તો શિયાળામાં લીલા શાકભાજી પુષ્કળ આવતા હોય છે. અને સસ્તાં પણ હોય છે. પરંતુ હાલ માત્ર રૂા.૧ અને ૨ માં કોબી, ફલાવર, ટમેટાની રૂા. ૫ અને ૧૦માં વાલ, વટાણા, રીંગણા સહિત અન્ય શાકભાજીની ખરીદી થઈ રહી હોય ખેડુતોને સંતોષકારક ભાવ ન મળતા મુશ્કેલી ઉભી થઈ છે.

Loading...