“ગરીબોની કસ્તુરી” ડુંગળીના ભાવ નિયંત્રીત કરવા સરકાર એક્શનમાં: કેન્દ્ર રૂ.28ના ભાવે ડુંગળી રાજ્યોને વેચશે

જથ્થાબંધ વેપારીઓ માટે ડુંગળીની સ્ટોક મર્યાદા 25 મેટ્રિક ટન તો છૂટક વેપારીઓ માટે 2 મેટ્રિક ટનની મર્યાદા નક્કી કરાઈ

ગરીબોની કસ્તુરી ગણાતી એવી ડુંગળીની કિંમત દિનપ્રતિદિન વધતાં તેના ભાવ આસમાનને આંબી રહ્યા છે. જે સામાન્ય માણસને “રડાવનારી” બની છે. છેલ્લા કેટલાક સમયથી ડુંગળીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે આ વધતા જતા ભાવને નિયંત્રણમાં લેવા અને સંગ્રહખોરી અટકાવવા સરકાર એકશનમાં આવી છે અને કડક પગલા લઈ નવા નિયમો લાદયા છે.

ગ્રાહક બાબતો વિભાગના સચિવ લીના નંદને આજરોજ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ડુંગળીના ભાવને નિયંત્રીત કરવા કેન્દ્ર સરકાર રાજ્યોને રૂપિયા 28ના ભાવે ડુંગળી વેચશે. આ ઉપરાંત સંગ્રહખોરી રોકવા માટે નવા નિયમો બનાવાયા છે જે આજથી જ અમલમાં મુકવામાં આવશે. નવા નિયમ મુજબ હવે,
જથ્થાબંધ વેપારીઓ માટે ડુંગળીની સ્ટોક મર્યાદા 25 મેટ્રિક ટન અને છૂટક વેપારીઓ માટે 2 મેટ્રિક ટન નક્કી કરવામાં આવી છે. જો કે, આ મર્યાદા આયાતી ડુંગળી પર લાગુ થશે નહીં.

અનેક મહાનગરોમાં ડુંગળીના ભાવમાં સેન્ચ્યુરી

ડુંગળીના ભાવ આસમાને ચડી ગયા છે. દેશના અનેક મહાનગરોમાં ભાવે સેન્ચ્યુરી ફટકારી છે. સપ્લાયમાં ઘટાડો થવાને કારણે ભાવમાં વધારો થઈ રહ્યો છે. ઘણા સ્થળોએ છૂટક ડુંગળી પ્રતિ કિલો રૂ. 120 નો વેચાય છે.