નર્મદામાં વિચાર ગોષ્ઠિ કાર્યક્રમમાં રાજ્યપાલ દેવવ્રતજી એ કહી આ મહત્વની વાત…

નર્મદા જિલ્લામાં પોઈચા નિલકંઠધામ ખાતે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી વિષયક દ્વિદિવસીય વિચાર ગોષ્ઠિ કાર્યક્રમનો રાજ્યપાલના હસ્તે પ્રારંભ

ગાય માતા પ્રાકૃતિક ખેતીનો મૂળ આધાર છે તેવી લાગણી વ્યક્ત કરતાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એ જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી અને ગાયોનો ઉછેર એ ભારતીય સંસ્કૃતિની વિચારધારા સાથે સુસંગત ઈશ્વરીય કાર્ય છે. તેમણે ગુજરાતના ખેડૂતો આ બંને આયામો સાથે ખૂબ મોટા પ્રમાણમાં જોડાય એવો અનુરોધ કરતા કહ્યું કે, તેનાથી સમાજને વ્યાપક લાભો થશે. તેમણે પ્રાકૃતિક ખેતી અને ગૌપાલનને રાજ્યમાં જન અભિયાન બનાવવાની હિમાયત કરવાની સાથે રાજ્ય સરકારના આ બંને બાબતોને પ્રોત્સાહિત કરતા અભિગમ માટે મુખ્યમંત્રી તથા રાજ્ય સરકારને ધન્યવાદ આપ્યા હતા.પ.પૂ.સંત ધર્મવલ્લભદાસજી સ્વામીજીના આશિર્વાદથી અને સંત કૈવલ સ્વામીજી, શ્રીજી ચરણ સ્વામીજી, ચૈતન્ય સ્વરૂપ સ્વામીજી, મુખ્ય સંયોજક પ્રફુલભાઇ સેજલિયા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સંયોજકો-સહસંયોજકો અને પ્રગતિશીલ ખેડૂત ભાઇ-બહેનોની ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પોઇચા નિલકંઠધામ ખાતે આજથી યોજાયેલી દ્વિદિવસીય સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ વિષયક વિચાર ગોષ્ઠિ ને રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ સાથે સંલગ્ન રાજ્યના તમામ જિલ્લાના સંયોજક, સહ-સંયોજક અને કન્વિનરોની વિચાર ગોષ્ઠિ નો પ્રારંભ કરાવ્યો હતો.

ગુજરાત સરકારે ગાય આધારિત કુદરતી ખેતીને પ્રોત્સાહિત કરવા ગયા વર્ષે ૧.૦૫ લાખ ખેડૂત લાભાર્થીઓને દેશી ઓલાદની ગાયો આપી તેનો ઉલ્લેખ કરતાં રાજ્યપાલે જણાવ્યું કે, આગામી વર્ષમાં બે લાખ ખેડૂતોને દેશી ઓલાદની ગાયો આપવાનું રાજ્ય સરકારે આયોજન કર્યું છે. તેની સાથે મુખ્યમંત્રી પ્રેરિત સાત પગલાં કિસાન કલ્યાણના આયોજન હેઠળ દેશી ગાય પાલક ખેડૂતોને મહિને રૂ.૯૦૦/- નો નિભાવ ખર્ચ આપવાની યોજના પણ આ અભિયાનને વેગ આપશે, તેમ તેમણે ઉમેર્યું હતું. આગામી વર્ષમાં ૨ લાખથી પણ વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં જોડાશે તેમ જણાવી વડાપ્રધાનના આગામી વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં સરકાર કટિબધ્ધ છે અને ગુજરાત સમગ્ર દેશ માટે આ દિશામાં અગ્રેસર રહેશે તેવી પ્રતિબધ્ધતા પણ રાજ્યપાલે વ્યક્ત કરી હતી. આ પ્રસંગે પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા ભીખાભાઇ સુતરીયા, પ્રફુલભાઇ સેજલિયા, ડો. રમેશભાઇ સાવલિયા સહિત ગુજરાત જિલ્લાઓમાંથી સંયોજક સહ-સંયોજક, પ્રગતિશીલ ખેડૂત ભાઇ-બહેન વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

Loading...