Abtak Media Google News

કૌભાંડીઓની યાદી બનાવી: ફરાર થયેલાને સકંજામાં લેવાશે

પંજાબ નેશનલ બેંક સાથે ૧૧ હજાર કરોડથી પણ વધુનું કૌભાંડ કરી વિદેશ ભાગી ગયેલા નીરવ મોદીના પ્રકરણ બાદ સરકાર સફાળી જાગી છે. સરકારે તત્કાલ પગલા લેતા નીરવ મોદી જેવા ૯૧ ડિફોલ્ટરોના દેશ છોડવા પર પ્રતિબંધ મુકવાની તૈયારી શરૂ કરી છે. આ માહિતી એક ઉચ્ચ સરકારી સ્ત્રોતના હવાલેથી પ્રાપ્ત થઈ છે.

આ મામલા સાથે સંકળાયેલા સરકારી અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, નીરવ મોદી જેવા ૯૧ કૌભાંડીઓની યાદી સરકારે તૈયાર કરી લીધી છે અને આ લોકો બેંકોને ચુનો લગાવી વિદેશ ન ભાગી જાય તે માટેના પ્રયાસો શ‚ થઈ ચુકયા છે. ઉલ્લેખનીય છે કે, નીરવ મોદીના કાંડ બાદ અબજોની લોન ન ચુકાવનારા રોટોમેક કંપનીના માલિકને તાજેતરમાં જ સકંજામાં લેવાયો હતો.

દેશની ૪૦૦ જેટલી ખાનગી કંપનીઓ વિલફુલ ડિફોલ્ટર્સની યાદીમાં આવે છે. આ કંપનીઓના ડિરેકટર કે પછી માલિકો લોન ભરવામાં ઠાગાઠૈયા કરી રહ્યા છે. આ લોકો પણ નીરવ મોદી મારફત બેંકોને ચુનો લગાવી છૂ ન થઈ જાય માટે સરકાર પગલા લઈ રહી છે. ઉલ્લેખનીય છે કે નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસી અબજો રૂપિયાનું કૌભાંડ કરી વિદેશ ભાગી જવાથી જનતામાં સરકાર સામે રોષ પ્રવર્તી રહ્યો છે.

પંજાબ નેશનલ બેંક સાથે થયેલું આ કૌભાંડ બહાર આવ્યાના એક જ મહિનામાં જ સરકાર એવો કાયદો લાવવાની તૈયારી કરી રહી છે કે જેના હેઠળ ૧૦૦ કરોડથી વધુની લોનને ચુકવ્યા વગર વિદેશ ભાગી જનારા કૌભાંડીઓની સંપતિને ટાંચ લઈ શકાશે. એટલું જ નહીં, બેંકમાંથી ૫૦ કરોડ કે તેથી મોટી લોન લઈને બેઠેલા લોકોના પાસપોર્ટની માહિતી પુરી પાડવા પણ બેંકોને આદેશ આપવામાં આવ્યો છે. ૫૦ કરોડથી મોટી લોન લઈને તેને ભરવામાં આનાકાની કરી રહેલા ડિફોલ્ટરોને દેશ છોડતા અટકાવી શકાય તે માટે સરકાર તૈયારી કરી રહી છે. દેશમાંથી અબજો રૂપિયાની લોન લઈને વિજય માલ્યા પછી નીરવ મોદી અને ચોકસી જેવા લોકો વિદેશ ભાગી ગયા છે અને ભારત દ્વારા કરાયેલી પ્રત્યાર્પણની માગ સામે ત્યાંની કોર્ટોમાં લડી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.