Abtak Media Google News

ભાવ વધારા પાછળ આંતરરાષ્ટ્રીય કારણો જવાબદાર પરંતુ હવે પેટ્રોલ-ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા જરૂરી: પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન

પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત વધારો નોંધાતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. લોકોને સતત ભાવ વધારાથી રાહત આપવા માટે પેટ્રોલ-ડિઝલ પરનો વેરો હળવો કરવામાં આવે તેવી અપેક્ષા સરકાર સમક્ષ સેવવામાં આવી છે. ત્યારે ઈંધણના ભાવમાં ભડકાને ઠારવા માટે કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડિઝલને જીએસટીમાં લાવવાની તૈયારી કરી હોવાના સંકેતો મળી રહ્યાં છે.

પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય અસરોના કારણે ઈંધણના ભાવમાં વધારો થઈ રહ્યો છે. જેથી હવે પેટ્રોલ અને ડિઝલને જીએસટી હેઠળ લાવવા અનિવાર્ય બની ગયા છે. આ બન્ને ઈંધણ અત્યાર સુધી જીએસટીના દાયરાથી બહાર હતું. હવે જીએસટીમાં સમાવેશ કરવાનો નિર્ણય ટૂંકમાં લેવાય તેવી શકયતા છે.

સૂત્રોના મત અનુસાર પેટ્રોલ-ડિઝલને જો જીએસટીના દાયરામાં લાવવામાં આવશે તો મહત્તમ ૨૮ ટકાના કર ઉપરાંત રાજયોને પણ અમુક વેરા વસુલવાની છૂટ આપવામાં આવશે. જેનાથી પેટ્રોલ-ડિઝલના ભાવ હાલના બજાર સ્તરના ભાવ જેટલા જ રહે તેવી પણ સંભાવના છે. એવું માનવામાં આવે છે કે, જો પેટ્રોલ-ડિઝલને જીએસટીમાં લાવવામાં આવશે તો પણ તેના ભાવમાં લાંબી અસર જોવા મળશે નહીં. જો કે લોકોની માંગને ધ્યાને રાખી પેટ્રોલ-ડિઝલને જીએસટીના દાયરામાં સમાવવા તૈયારીઓ ચાલી રહી હોવાનું સુત્રોનું કહેવું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.