Abtak Media Google News

ખેડૂતોની દિવાળી બગાડતી સરકાર: ખરીદીની જાહેરાતના વિલંબ સામે કિસાન સંઘનો રોષ: હાલ રૂ.૧૦૦૦ની મગફળી વેચાઈ રહી છે માત્ર રૂ.૮૦૦માં: કિસાન સંઘના હોદ્દેદારો ‘અબતક’ની મુલાકાતે

રાજય સરકાર મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની જાહેરાત કરવામાં જે વિલંબ દર્શાવી રહી છે તેનાથી કિસાન સંઘ રોષે ભરાયો છે. મગફળીની ખરીદીમાં વિલંબથી ખેડૂતોની દિવાળી બગડી છે અને રૂ.૧૦૦૦નો માલ રૂ.૮૦૦માં વેંચાઈ રહ્યો છે. ખેડૂતોના પ્રશ્ર્નોને વાચા મળે તે માટે કિસાન સંઘના હોદ્દેદારોએ ‘અબતક’ની મુલાકાત લીધી હતી.

રાજય સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવાની જાહેરાત વિલંબ કરે છે. ખેડૂતોની મગફળી ૧૦૦૦ના ટેકાના બદલે ખુલા બજારમાં માત્ર ૮૦૦ રૂપિયા પ્રતિમણ ભાવે વેચાય રહી છે. સરકાર શું ખેડૂતો બધા લૂંટાઈ જાય તેની વાત જોવે છે ? તેમ જણાવી કિસાન સંઘે રોષ વ્યકત કર્યો છે.

મગફળી ખરીદીની નોંધણી તા.૧-૧૧-૨૦૧૮ થી શરૂ કરી છે અને તા.૧૫-૧૧-૨૦૧૮થી ખરીદી શરૂ થવાની છે. મગફળીની મોસમ શરૂ થાય તે પહેલા આયોજન કરવામાં આવ્યું નથી. ગત વર્ષના અનુભવના આધારે સરકારે વહેલુ આયોજન કરવાનું ટાળેલ છે. ટેકાના ભાવની ખરીદીની જાહેરાત સરકાર ખેડૂતના સંગઠનોની રજૂઆતો બાદ વિલંબથી ઈરાદાપૂર્વક થયાનું ખેડૂતો માની રહ્યાં છે.

વિલંબીત ખરીદીના કારણે ખેડૂતોની દિવાળી બગડી છે ખરીદીની લાભ સમયસર બધા ખેડૂતોને મળશે કે કેમ તે પણ શંકા છે. બીજીબાજુ મગફળી ખરીદીની નોંધણી માટે આધારકાર્ડ, ૭/૧૨ અને ૮અ, પાકની નોંધ સાથેના તલાટીના પાણીપત્રક, બેંક ખાતાની પાસબુકની નકલ તથા કેન્સલ ચેક ફરજીયાત બનાવ્યા છે. હકીકતે ખેડૂતોનું તમામ રેકર્ડ સરકારના આઈ ખેડૂત પોર્ટલમાં ઓનલાઈન છે. તેમાંથી ખેડૂતોની વિગતની ખરાઈ થઈ શકે તેમ છે. આ ઉપરાંત પાકલોન લેતી વખતે ખેડૂતોના પાકોની વાવેતર જાહેર કરે છે. ઉપરાંત વીમા કંપનીઓ પણ ક્રોપકટીંગ વખતે નોંધાયેલા પાકના વાવેતર ધ્યાને લઈને આગોતરી કામગીરી કરે છે. તો સરકાર પોતાના હસ્તકના રેકર્ડને ધ્યાનમાં લેતી નથી, કેમ ?

ખેડૂતોને જુદા-જુદા હેતુઓ માટે સબસીડી સહાય આપવાની મોટી-મોટી જાહેરાતો કરવામાં આવે છે તે પણ નાટકી છે. પશુઓ લેવા અને શેડ બનાવવા માટે ચાલુ સાલે રાજકોટ જિલ્લામાં ૧૦૮૩ અરજીની સામે માત્ર ૬ અરજી જ મંજૂર થઈ તેવા અખબારી અહેવાલ તાજેતરમાં પ્રસિધ્ધ થયા છે.

ખેડૂતોના સહાય યોજનામાં આગોતરા આયોજન સરકાર નહીં કરે તો ખેડૂતો ઠેરના ઠેર રહેશે અને ૨૦૨૨માં આવક ખેડૂતોની બમણી કરવાને બદલે અડધી થઈ જશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. ચાલુ સાલે અપુરતા વરસાદને કારણે મોટાભાગના ડેમો/તળાવો ખાલી છે. ઉડા કરવાની કામગીરી તરત હાથ ધરવામાં આવે તો પાણીની સંગ્રહ શક્તિમાં સારો એવો વધારો થશે. પરંતુ વાતોની જગ્યાએ જો સરકારને કામ કરવું હોય તો હાલ ડેમ બધા ખાલી જ છે.

હાલ ખેડૂતોએ ખેતીના કામકાજ મુકી ડોકયુમેન્ટ સરકાર પાસે છે. તે જ ડોકયુમેન્ટ લેવા ખેડૂતોને લાઈનમાં ઉભા રાખવામાં આવેલ છે અને તેનો સમયને રૂપિયાની બરબાદી છે તે વ્યવસ્થા ઝડપથી સુધારવામાં નહીં આવે તો મજબુર થઈને આંદોલનનો માર્ગ અપનાવવો પડશે. ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી શરૂ કરવા અને પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવા કિસાન સંઘના જિલ્લા પ્રમુખ દિલીપભાઈ સખીયા, મંત્રી ઘનશ્યામભાઈ કોટડીયા, ભરતભાઈ પીપળીયા, જીવનભાઈ વાછાની, મનોજભાઈ ડોબરીયા, જીતુભાઈ સંતોકી, કિશોરભાઈ સગપરીયા, બચુભાઈ ધામી, સી.એલ.રિયાની, રામભાઈ માલધારી, ઠાકરશીભાઈ પીપળીયા, જેન્તીભાઈ રાણપરીયા વગેરે ‘અબતક’ શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.