Abtak Media Google News

ડોર ટુ ડોર સર્વેલન્સ, ધનવંતરી રથ અને આરોગ્ય કેન્દ્ર પર થતી કામગીરી કામગીરીના પરિણામ મળવા માંડ્યાં

શહેરને કોરોના મુક્ત બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા પુરજોશમાં કામગીરી કરવામાં આવી રહી છે,  મહાપાલિકા દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે ઓ.પી.ડી. વિભાગ શરૂ કરવામાં આવેલ છે,  સમગ્ર શહેરને આવરી લેતો ડોર ટુ ડોર સર્વે હાથ ધરતા સિવિલમાં મનપાની ઓપીડીમાં આવતા દર્દીઓની સંખ્યમાં ઘટાડો થયો છે.આ ઉપરાંત મહાનગરપાલિકાની સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે, શહેરના દુર દુરના વિસ્તારોમાંથી સિવિલ હોસ્પિટલ ખાતે આવતા દર્દીઓને જાણકારી આપવામાં આવે છે કે આપના નજીકના વિસ્તારના આરોગ્ય કેન્દ્ર ખાતે પણ વિનામુલ્યે સારવાર લઇ શકો છો, જરૂરી જણાયે ધનવંતરી રથ દ્વારા પણ ચેકઅપ કરાવી શકાય છે. શરૂઆતમાં સિવિલ હોસ્પિટલ ખાતે આશરે ૪૦૦ થી ૪૫૦ ની ઓ.પી.ડી. રહેતી હતી જે હાલ સરેરાશ ૧૭૫ થી ૨૦૦ ની થઇ ગયેલ છે, મહાનગરપાલિકાની ટીમ દ્વાર સતત માર્ગદર્શન, મનપા દ્વારા ડોર ટુ ડોર સઘન સર્વેલન્સ, ધનવંતરી રથ અને આરોગ્ય કેન્દ્રની કામગીરીના પરિણામે સિવિલ હોસ્પિટલની ઓ.પી.ડી. માં સતત ધટાડો નોંધાયો છે, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

મ્યુનિ. કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા હાલ ૧૨૦૦ થી વધુ ટીમો બનાવીને ઘેર ઘેર જઈને સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં શંકાસ્પદ જણાતા વ્યક્તિઓને તુર્ત જ સારવાર આપવામાં આવે છે, મનપાના ૫૦ ધનવંતરી રથ દ્વારા પણ સઘન કામગીરી થઇ રહી છે, લોકોને સિવિલ હોસ્પિટલ સુધી જવાની જરૂર ન પડે તે માટે ઘર આંગણે જ સારવાર મળી રહે તેવી વ્યવસ્થા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. હાલ ડોર ટુ ડોર સર્વેનો બીજો રાઉન્ડ પૂર્ણ થવાની આરે છે અને હવે ત્રીજો રાઉન્ડ શરૂ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.