Abtak Media Google News

તાલુકા ભાજપના અલ્પેશ ઢોલરીયાએ જયાં ડમી બેસાડ્યો હતો તે કોલેજમાં ખુલ્લેઆમ થતી હતી ચોરી

૪ ડીસેમ્બરના સીસીટીવી મંગાવ્યા અને આવ્યા ૩ ડીસેમ્બરના અને તેમાં ખુલ્યું માસ કોપીકેસનું ભોપાળું: એનએસયુઆઇના કાર્યકર્તાઓએ રામધૂન બોલાવ્યા બાદ કુલપતિ આવ્યા એક્શનમાં

ગોંડલ કોલેજના પ્રિન્સિપાલ સહદેવસિંહ જાડેજાને કુલપતિનું તેંડુ ભાજપના ઢોલરીયાએ ડમી બેસાડ્યા હોવાનું ખુલશે તો થશે તપાસ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સલગ્ન ગોંડલની એમ.બી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં તાલુકા ભાજપના માજી પ્રમુખ અલ્પેશ ઢોલરીયાએ ડમી વિદ્યાર્થી બેસાડ્યાના મામલે એનએસયુઆઇના કાર્યકર્તાઓએ આજે કુલપતિ ચેમ્બરમાં રામધૂન બોલાવી હતી. જેના પગલે કુલપતિએ ગોંડલની આ કોલેજના સીસીટીવી જાહેર કર્યા હતા. જોકે ડમી વિદ્યાર્થી બેસાડયાની ઘટનાં ૪ ડીસેમ્બરની હતી પરંતુ લીગલ વિભાગે તારીખ ૩ ડીસેમ્બરના સીસીટીવી આપી દેતા નવું ભોપાળું એ ખોલ્યું હતું કે ગોંડલના આ કેન્દ્રમાં તો બિહારવાળી થઈ હતી જેથી કુલપતિએ ગોંડલનું આ કેન્દ્ર રદ કરવાની ખાતરી આપી હતી.

ગોંડલની એમ.બી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ગત તારીખ ૪ ડીસેમ્બરમાં તાલુકા ભાજપના માજી પ્રમુખ અને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખની રેસમાં જેમનું નામ છે તેવા અલ્પેશ ઢોલરીયાએ બી.એ સેમ-૧ ની પરીક્ષામાં ડમી વિદ્યાર્થી બેસાડ્યો હોય તેવું સામે આવ્યું હતું. ગોંડલ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભર્ગરાજસિંહ જાડેજા, કોંગ્રેસ અગ્રણી દિનેશ પાતર અને ભાવેશ ભાષાએ તે દિવસે સાંજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજીસ્ટર રમેશ પરમારને લેખિત રજુઆત કરી અને કુલપતિ-ઉપકુલપતિને આ ઘટનાનો ફેક્સ મોકલવામાં આવ્યો હતો જો કે આ ડમી કાંડમાં ગોંડલ તાલુકા ભાજપના માજી પ્રમુખ સંડોવાયેલા હોવાથી ભાજપના વાજિંત્રો વગાડતા હોય તેમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સતાધીશોએ પ્રકરણને દબાવી રાખ્યું હતું.

દરમિયાન શુકવારે એનએસયુઆઇના રોહિત રાજપૂત, નીલુ સોલંકી સહિતના કાર્યકરોએ કુલપતિની ચેમ્બરમાં ધરણા કરી રામધૂન બોલાવી હતી. અને સતત ૨ કલાક સુધી વિરોધ કર્યો હતો. જેથી કુલપતિએ સીસીટીવી જાહેર કર્યા હતા જો કે આ સીસીટીવી પણ તારીખ ૪ ડીસેમ્બરના બદલે ૩ ડીસેમ્બરના અપાઈ ગયા હતા. જેમાં ભોપાળું એ ખોલ્યું હતું કે વિદ્યાર્થીઓ સુપરવાઈઝરની સામે જ ચબરખી માંથી ચોરી કરતા હતા. એક વિદ્યાર્થી તો ચાલુ પરિક્ષામાં ૩ વખત અન્ય જગ્યા પર બેસતો નજરે પડ્યો હતો અને ચીઠી કાઢી ચોરી કરતો હોય તેવું સામે આવ્યું હતું. જેથી કુલપતિએ પરીક્ષા કેન્દ્ર રદ કરવા માટે ખાતરી આપી હતી અને ગોંડલ કોલેજના પ્રિન્સિપાલ અને ટીમને સાંજે ૫ વાગ્યે કુલપતિએ યુનિવર્સિટીએ બોલાવ્યા છે જેમાં ભાજપના અલ્પેશ ઢોલરીયાના ડમી વિદ્યાર્થી નજરે પડશે તો ડમી છાત્ર અને ઢોલરીયા સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવા કોલેજને આદેશ અપાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.