Abtak Media Google News

સંસ્કૃતિ સર્જક મહારાજાનાં સર્જન સમી નગર રચના આજે પણ બેનમુન છે

પહોળા રસ્તા અને પાકી ફૂટપાથો ગોંડલની ઓળખ

કન્યાઓને મફત અને ફરજીયાત શિક્ષણ આપનાર દેશનું પ્રથમ રાજય ગોંડલ

આપણે જેટ ગતીએ ૨૧મી સદી તરફ પ્રયાણ કરી રહ્યાછીએ લોકશાહીના ધબકતા આધુનિક ભારતની વૈશ્વિક નોંધ લવાઈ રહી છે. ભારત દેશની વર્તમાન લોકશાહી જે રીતે તેજસ્વી છે તેજ રીતે રાજાશાહીનો ભૂતકાળીન યુગ પણ એટલોજ ગૌરવંતો છે.પ્રાચીન લોકચર્ચા મુજબ રાજા ‘બત્રીસ લક્ષણો’ હોવો જોઈએ આ વાત કેટલાક ઐયાશ રાજાઓને બાદ કરતા મોટાભાગના રજવાડામાં સાર્થક થતી હતી. ‘અબતક’ના માધ્યમથી દર ગૂરૂવારે ‘ગઢના કાંગરેથી’ કોલમમાં કાઠીયાવાડના રાજાઓ અને રજવાડાની લેખમાળા શરૂ કરાઈ છે. કોઈ ભવ્ય જાજરમાન ઈમારતમાં કલાત્મક નકશીમય ઝરૂખો શોભે એવી રીતે શોભી રહેલો રજવાડાનો અદિત્ય ઈતિહાસ અહી પ્રસ્તુત છે. જે આજની નવી પેઢીનાં યુવા વર્ગને અચુક વાંચવો રહ્યો, અચુક જાણવો રહ્યો.

આઝાદીના ૭૩ વર્ષો પછી તેનું મૂલ્યાંકન કરવામાં આવે તો ત્રણ તબ્બકામાં કરી શકાય, અંગ્રેજશાહી, રાજાશાહી અને વર્તમાન લોકશાહી.

આ ત્રણેય તબ્બકાના લેખાજોખા કરીએતો બેશક રાજાશાહીનાં કેટલાક અપવાદો બાદ કરી નજર નાંખીએ તો સુદ્દઢ લોકતંત્ર પ્રજાલક્ષી રાજય વહીવટ અને સુખાકારીનો ઉજજવળ ઈતિહાસ નજરે પડે. એવા રજવાડા અને શાસનકર્તા થઈ ગયા છે. જેની યશોગાથા આજે પણ લોકો યાદ કરે છે. કેટલાક રાજાઓનાં સાશનમાં રાજાશાહીમાં પણ લોકશાહી ધબકતી હતી યુગો પર્યન્ત એપ્રજા વત્સલ્ય રાજવીઓ લોકશાહીમાં પણ પ્રેરણારૂપ બની આજે પણ લોકોનાં હૃદયમાં સન્માનીય સ્થાન ધરાવે છે.

આજે અહીં વાત કરવી છે. ગોંડલનાં પ્રજાવત્સલ્ય અને દુરંદેશી મહારાજા સર ભગવતસિંહજીની જેમણે ગોંડલ રાજય પર સતત ૭૪ વર્ષ સુધી રાજકર્યું આજે તેમના દેહાવસાનને ૭૬ વર્ષ થયા છતાં ગોંડલની પ્રજા માટે તેઓ ચિરંજીવ છે. ગોંડલ નગરી ભગવત ભૂમિ તરીકે ઓળખ પામી છે.

Fort

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જયારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે કન્યા કેળવણી અંગેની પ્રેરણા તેમણે મહારાજા ભગવતસિંહજીના સાશનકાળ પરથી લીધાનું જણાવ્યું હતુ. મહારાજા ભગવતસિંહજીએ સમગ્ર રાજયમાં કન્યા કેળવણી મફત અને ફરજીયાત બનાવી હતી. સમગ્ર દેશભરમાં ગોંડલ રાજય પ્રથમ હતુ કે જયાં દિકરીઓ ને ફરજીયાત ભણવું પડતું. આજે પણ એવું કહેવાય કે કોઈ વૃધ્ધ માજી અખબાર વાંચતા હોય તો એ જરૂર ગોંડલ રાજયનાં દિકરી હશે. કેળવણી માત્ર નામની જ નહોતી વિદ્યાર્થીઓ માથે શિક્ષણનો બોજ વધે નહી તેવા પાઠય પુસ્તકો હતા.

માત્ર કન્યા કેળવણી જ નહી રેલ્વેનાં મહારાજા ભગવતસિંહ પાયોનિયર હતા. કાઠીયાવાડમાં પટરી પર ટ્રેન દોડતી કરનારા મહારાજા ભગવતસિંહ હતા. ભૂગર્ભ ગટર અંડર ગ્રાઉન્ડ લાઈટ પહોળા સિમેન્ટ રોડ, મજબુત ફૂટપાથો સાથેની અદ્ભૂત નગર રચના સાથેનું ગોંડલ, મહારાજાનાં હૃદયસ્થાનમાં રહેતું.

ગોંડલ નરેશ ભગવતસિંહજી નાં પ્રજાવત્સલ્ય રાજય વહિવટનાં સોનેરી પૃષ્ઠોનું અહી આલેખન થઈ રહ્યું છે. ત્યારે ગોંડલ રાજય અને મહારાજા વિષે જાણવું જરૂરી છે.

ગોંડલ રાજયનો કુલ વિસ્તાર ૧૦૨૪ ચોરસ માઈલ હતો. રાજયનાં કુલ ૧૭૫ ગામ હતા. આઠ મહાલમાં ગોંડલ વહેચાયું હતુ. મુળ ગોંડળ નામ અપભ્રંશ થતા ગોંડલ થયું એવી માન્યતા પણ છે કે ગૌમંડલ એટલે ગાયોનું ટોળુ. એ પરથી ગોંડલ નામ પડયું હોય, ગોંડલા નાગદાદાના પુરાણા સ્થાનક પરથી ગોંડલ નામ પડયાનું પણ અનુમાન છે. ભગવતસિંહજીનો જન્મ સને ૧૮૬૫ થી ૨૪મી ઓકટોબરનાં ધોરાજીમાં થયો હતો. તેમનાં પિતા મહારાજા સંગ્રામજી આધ્યાત્મીક અને સાદું જીવન જીવતા હતા. સાધુ સંતો સાથે તેમનો નિકટનો નાતો હતો. માતા મોંઘીબા પણ વેદવેદાંતનાં અભ્યાસું અને ધર્મ પ્રત્યે શ્રધ્ધાળુહતા.

મહારાજા સંગ્રામજીનું ઈ.સ. ૧૮૬૦માં અવસાન થયું ત્યારે કુંવર ભગવતસિંહની ઉમર માત્ર ચાર વર્ષની હતી. સંગ્રામજીનું અવસાન થતા એજન્સી તરફથી રાજય-કારભારી તરીકે કેપ્ટન ગુડફેલો, કે.લોઈડ અને કે.ફિલિપ્સ અનુક્રમે સને ૧૮૭૯ સુધી કારભારી તરીક્રહ્યા હતા માત્ર ચાર વર્ષની ઉમરમાં ભગવતસિંહજી ખુબજ બુધ્ધશાળી હતા. ગુજરાતી વાંચનનું જ્ઞાન પણ સ્વયંભૂ હતુ. સાથોસાથ અંકગણીત અને ભૂગોળનું જ્ઞાન પણ સારૂ હતુ વધુમા કેટલાક અંગ્રેજી વાકયો પણ જાણીને સમજી શકતા હતા. મતલબ ભગવતસિંહજી બચપનથી જ તેજસ્વી અને તિક્ષણ બુધ્ધી ચાતુર્ય ધરાવતા હતા માતા પિતાના અનેક ઉતમ ગુણો તેમને વારસામાં મળ્યા હતા.

ઈ.સ. ૧૮૮૪ની ૨૨ જાન્યુઆરીનાં મહારાણી મોંઘીબાની માંગણીને ધ્યાને લઈ રાજકારોબારમાંતેમની નિમણુંક કરાઈ હતી. ૧૮ વર્ષના યુવાન ભગવતસિંહજી નિયમીત રાજકચેરીએ જઈ હુકમની ફાઈલો જાતે તપાસતા એટલું જ નહી ગ્રામ્ય વિસ્તારો અને લોકોનો પરીચય થાય તે માટે રાજયમાં મુસાફરી પણ કરતા તે દરમ્યાન રેવન્યુ, પોલીસ, ન્યાય કચેરીઓ, સ્કુલો, દવાખાના સહિતની સંસ્થાઓની મુલાકાત લેતા અને કાર્ય પધ્ધતિને સમજવા પ્રયત્ન કરતા નાની વયે જ જાણે એક વિરાટ પ્રજાવત્સલ્ય રાજવીનું પીંડ આકાર લઈ રહ્યું હતુ.

અઢાર વર્ષની વયે તેમની તેજસ્વીતા નિખરી રહી હતી ઉત્તમ રાજનીતિ પણ તેમના વ્યવહારમાં દ્રષ્ટીમાન થઈ રહી હતી ૧૪ વર્ષની માનો કે વિવિધ જ્ઞાનની વિધ્યા પ્રાપ્તીની કસોટી જાણે પૂર્ણ બની હોય તેમ સને ૧૮૮૪નાં ૨૫મી ઓગષ્ટનાં રાજતિલક સાથે તેમનો રાજયાભિષેક થયો. રાજયાભિષેક વેળા તેમણે પ્રજાને રાજવચનો આપતા કહેલું કે પ્રજાની જરૂરીયાતો નો વિચાર કરવો એ મારૂ કર્તવ્ય અને ફરજ છે. કારણ કે પ્રજાનાં સુખ-સંતાપોમાં પ્રજાની પડખે રહેવું એ મારો રાજધર્મ છે.

તેમણે રાજયમાં ન્યાયનીતિ અને સુવ્યવસ્થા જળવાયુ, જાનમાલ ઉતેજન મળે. ખેડુતોને મહેનત મુજબનું ફળ મળતું રહે,રોડ રસ્તા ઉતમ કક્ષાના હોય જેથી વ્યવહાર સરળ બને, નિરાધારોને આધાર મળે અને દર્દીઓને રાહત મળે તેવી લાગણી પણ વ્યકત કરી હતી. ભગવતસિંહજીએ તેમના છ દાયકાનાં રાજય વહિવટમાં આ વચનો પાળી બતાવી પ્રજાના હૃદયમાં સદૈવ ચિરંજીવી સ્થાન મેળવ્યું હતુ.

રાજયાભિષેકનાં ત્રણ વર્ષનાં શાસનમાં જ ગોંડલ રાજયને પહેલા વર્ગનો દરજજો પ્રાપ્ત થયો હતો. તેમનો કુશળ રાજવહિવટ અન્ય રજવાડાઓની તુલનામાં અવ્વલ નંબરનો ગણાયો સને ૧૮૮૭માં ગોંડલને પ્રથમવર્ગનો દરજજો મળ્યો. મહારાજા ભગવતસિંહજીને અગીયાર તોપની સલામી મળી, આ વેળા લોર્ડ રે એ જણાવ્યું હતુકે મહારાજા ભગવતસિંહજી એ અંગત મોજશોખથી દૂર રહી ખરા અર્થમાં પ્રજાની જરૂરીયાતો પ્રત્યે પુરતી કાળજી દાખવી છે. રાજયાભિષેક વેળા આપેલા રાજવચનો ફકત ત્રણ વર્ષનાં સમયગાળામાં પરીપૂર્ણ કર્યા છે. રાજયની પ્રજાએ પણ દરબારભરી મહારાજાને નવાજયા હતા. અને વાત્સલ્ય સભર બહુમાન કરાયું હતુ.

પ્રત્યુતરમાં મહારાજા ભગવતસિંહજીએ કોઈ દંભ કે દેખાડો દાખવ્યા વગ વિનમ્રભાવે આ બહુમાન મારૂ નહી રાજયનું છે. તેવું જણાવ્યું હતુ ઈતિહાસ કહે છેકે, કેટલાક રાજાઓ ઐયાશીમાં આળોટતા હતા. પ્રજાની સુખાકારી પરત્વે બેધ્યાન હતા ત્યારે મહારાજા ભગવતસિંહજીએ ત્રણ વર્ષનાં સાશનમાં જ રાજયને પ્રથમ દરજજો અપાવ્યો એ કોઈ નાની સુની વાત નહોતી આ સમયે મહારાજાની ઉમર એકવીસ વર્ષની હતી તેમ છતા તેમની દૂરંદેશી અને પાકટતાને કારણે તેઓ એક પ્રજાલક્ષી શાસનકર્તા સાબીત થયા હતા. બ્રિટનમાં મહારાણી વિકટોરીયાના હસ્તે ભગવતસિંહજીને કે.સી.ઈ.ઈ.ની પદવી એનાયત કરાઈ હતી. આ પ્રસંગની નોંધ લેવાઈ અને એડિનબરનાં અખબારોએ લખ્યું કે સર ભગવતસિંહજી અભ્યાસ માટે આવેલા પ્રથમ રાજવી છે. એડિનબરની યુનિવર્સિટીમાં ભગવતસિંહજીની નામના તેજસ્વી વિદ્યાર્થી તરીકે હતી.

મહારાજા ભગવતસિંહજીમાં દૂરંદેશી પણું ઈશ્ર્વરની કૃપા સમાન હતુ. સાથોસાથ તેમણે ઉચ્ચતર અભ્યાસ પણ કર્યો હતો. શિક્ષણ સંસ્કાર અને કોઠાસુજને કારણે તેમનું વ્યકિતત્વ કેળવાયેલું હતુ.

સને ૧૮૮૩માં ભગવતસિંહજીએ રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ પૂર્ણ કર્યો, કોલેજની અનેક સ્પર્ધાઓમાં તેઓ અગ્રેસર રહેતા અને છેક અભ્યાસ પૂર્ણ થયા સુધી તેજસ્વી વિદ્યાર્થી તરીકેની નામના અકબંધ રહેવા પામી હતી.

તબીબી અભ્યાસ માટે ભગવતસિંહજી સ્કોટલેન્ડ ગયા ત્યાં એડિનબીર યુનિવર્સિટીમાં એલ.એલ.ડી.ની. ડીગ્રી પ્રાપ્ત કરી સંજોગો વસાત અધુરો મુકાયેલો તબીબી અભ્યાસ કરી આગળ ધપાવી તેમણે એમ.બી.સી.એમ. તથા આર.સી.પી.ની ડીગ્રીઓ પ્રાપ્ત કરી ઓકસફર્ડની પ્રસિધ્ધ યુનિવર્સિટીની ઉચ્ચ ગણાતી ડી.સી.એલ.ની. ડીગ્રી પણ પ્રાપ્ત કરી હતી. કાઠીયાવાડનાં રજવાડાઓમાં ગોંડલ નરેશ ભગવતસિંહજીનો અભ્યાસ નોંધનીય હતો.

ગોંડલની નગરરચના આજે પણ અદભૂત ગણાય છે. મહારાજા સંસ્કૃતિ સર્જક પણ ગણાયા છે. કારણ કે તેમનાં વિદેશ પ્રવાસો દરમ્યાન માત્ર મોજશોખ કે હરવા ફરવાના હેતુને થોડો દૂર રાખી અનુકરણ કે અનુસરવા સાથે કંઈક નવું પ્રાપ્ત કરવું તેવા ધ્યેયને તેમણે મહત્વ આપ્યું હતુ.

અને એટલે તો વિદેશ પ્રવાસનાં ફલસ્વરૂપ ગોંડલની નગરરચનાં ને તેમણે મઠારી હતી મોટા પહોળા રસ્તા મોટી ફૂટપાથશે, સિધી લાઈન દોરીમાં શોભતાં મકાનો દરેક ચાર રસ્તા પર સર્કલ, રસ્તાઓ પણ સિમેન્ટથી મઢેલા, એક ઉત્તમ નગર રચના સાથે ગોંડલને યુરોપ સમુ બનાવવાનું એમનું સ્વપ્ન હતુ.

કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ભગવતસિંહજી યુરોપનાં પ્રવાસે નિકળ્યા હતા. પશ્ર્ચિમના દેશોની રહન-સહન અને સ્થાપત્ય સાથે તેની સંસ્કૃતિ જાણવાની તેમને અદભ્ય ઈચ્છા હતી. તેમણે ઈગ્લેન્ડ અને સ્કોટલેન્ડમાં ચાર મહિનાનું રોકાણ કર્યું હતુ. ત્યાંથી પેરિસ, બ્રસેલ્સ, હેમબર્ગ, લ્યુસન, સ્વિટઝલેન્ડ, વેનિસ, મિલાન, ફલોરેન્સ, રોમ, નેપલ્સ, બ્રિન્ડિસીનીનો પ્રવાસ કર્યો હતો.

વિદેશ પ્રવાસ એક જિજ્ઞાસાને લઈ કરાયો હતો. પ્રવાસ દરમ્યાન ભગવતસિંહજી કાળજીપૂર્વક રોજનીશી લખતા હતા. આ રોજનીશી તેમણે ૧૮૮૫માં નોંધપોથી રૂપે બહાર પાડી હતી.

આજે ચિનની નફફટ મનોવૃત્તિથી ‘મેઈડઈન ચિન’નો બહિષ્કાર કરી સ્વદેશી અંગે ચળવળ શરૂ થવા પામી છે. સ્વદેશી અપનાવોનો નારો બુલંદ બન્યો છે. પરંતુ મહારાજા ભગવતસિંહજીએ એકસદી પહેલા સ્વદેશીનો વિચાર વહેતો કર્યો હતો. વિદેશ પ્રવાસ દરમ્યાન લીડ્ઝ અને લિવરપુલ જેવા ઔદ્યોગીક શહેરોની મુલાકાત દ્વારા તેમણે નોંધ્યું કે આ શહેરોની તુલનામાં ભારતનાં અર્થશાસ્ત્રની પધ્ધતિ ખામી ભરેલીછે. તેમણે નોંધ્યું કે હિન્દુસ્તાનમાં જયાં કાચો માલ નીકળે છે ત્યાં કારખાનાઓમાં અન્ય સાધનોનાં ઉપયોગથી ઉત્પાદન થાયતો દેશને ફાયદો થાયત મ છે. કાચો માલ દેશની બહાર મોકલી તેના બદલામાં વધેલી કિંમત સાથે તૈયાર માલ પાછો લાવવામાં સરેરાશ નુકશાની છે. દેશ પ્રત્યેની આ તેમની ચિંતા પણ હતી અને સ્વાભિમાન પણ હતુ. પ્રવાસ દરમ્યાન કેટલાક ક્ષેત્રોમાં ખાસ કરીને કલાવિદ્યામાં તેમને ઈગ્લેન્ડ કરતા હિન્દુસ્તાન આગળ લાગ્યું હતુ.

વિદેશ પ્રવાસની તેમની નોંધપોથીમાં મહારાજાએ યુરોપની પ્રજાની રહેન સહેન ત્યાંની સંસ્કૃતિ સમાજ સુધારણા સહિત લગ્નપ્રથા જેવા વિષયો પર ઉંડો અભ્યાસ કર્યાનું જણાય છે.

ભારતીય લગ્ન પ્રથાને ઈગ્લેન્ડની લગ્ન પ્રથા સાથે સરખાવતાં તેમણે નોંધ્યું કે ઈગ્લેન્ડની લગ્ન પધ્ધતિ ભારતીય લગ્ન પધ્ધતિ સામે સારો અને ઘણી સમજી શકાય તેવી છે. આપણી પ્રથા કંઈક અંશે ગુંચવણ ભરી છે.વિદેશ સંસ્કૃતિનાં વિવિધ પાસાઓનું ભગવતસિંહજીએ અધ્યયન કર્યું હતુ.. આ એક એવો યુગ હતો કે તે સમયે વિદેશયાત્રાને ધર્મભ્રષ્ટ થઈ જવાનું કારણ માનવામાં આવતી હતી. પરંતુ બંધીયાર વિચારો નહીં પણ મુકત વિચારધારા સાથેનો તેમનો વિદેશ પ્રવાસ ગોંડલની અદિત્ય નગરરચના માટે એકનવાં મોડ સમો બની રહ્યો હતો. દેશ આઝાદ થયો ત્યારે રાજયની તિજોરીમા બત્રીસ કરોડ રૂપીયા પડયા હતા. આ રૂપીયા સહિતનું રાજય તેમણે દેશને અર્પણ કરી દીધું હતુ. આવા પ્રજાવત્સલ્ય અને સંસ્કૃતિ સર્જક રાજવી ભગવતસિંહજીનાં ગૌરવવંતા અને કુશળ રાજય વહિવટની વધુ વાતો આવતા ગુરૂવારે….

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.