ગોંડલ-જૂનાગઢ-માધવપુર (ઘેડ) પંથકમાં વરસાદી ઝાપટા: ખેડૂતો ચિંતિત

ગોંડલ-જુનાગઢ-માધવપુર (ઘેડ) સહિતના વિસ્તારમાં ગઈકાલ સાંજના સુમારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ઝાપટાથી લઈ અડધા ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો.

ગોંડલ શહેરમાં ગઈકાલે દિવસ દરમિયાન ગરમીનો પારો ઊંચો રહ્યા બાદ સાંજના સુમારે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશ કાળા ડિબાંગ વાદળોથી ગોરંભાયું હતું વીજળીના કડાકા-ભડાકા સાથે અડધો ઇંચ ધોધમાર  વરસાદ વરસી જતા શહેરના રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા તાલુકાના પાચીયાવદર શેમળા ભુણાવા સહિતના ગામોમાં પણ વરસાદી ઝાપટું વરસ્યું હતું ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં મગફળી ની ધૂમ આવક થઇ રહેલ હોય ત્યારે તંત્ર દ્વારા મગફળીનો નિકાલ કરી આપવામાં આવ્યો હોય સદ્નસીબે મગફળી પલળવા થી બચવા પામી હતી જ્યારે બાકીની જણસીઓ છાપરામાં હોય ખેડૂતોનો માલ નુકસાન થવાથી બચ્યો હતો.  માધવપુરમાં છેલ્લા ૨ દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ગઈકાલ બપોર બાદ વરસાદી માહોલ વચ્ચે સાંજે ૬:૧૫ કલાકે ભારે વરસાદ પડ્યો હતો અને મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યાં હતા. હાલ પણ વરસાદી માહોલ જોવા મળે છે. એક તરફ વરસાદને કારણે અને ઉપરવાસ માંથી પાણી આવતા  હજુપણ ધેડ પંથકના ખેતરોમાં પાણી ભરાયા છે. જે ઓસરાયા નથી ત્યારે ફરી વરસાદ પડતા અને વરસાદી માહોલ થતા ખેડૂતો ચિંતિત બન્યા છે.

જૂનાગઢ સહિત સોરઠમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં ફેરફાર આવવા પામ્યો હતો  દરમિયાન ગત રાત્રીના જૂનાગઢ શહેરમાં એકાદ બે હળવાથી ભારે વરસાદી ઝાપતા આવી જતા જુનાગઢના ધૂળ ઉડતા રસ્તાઓ ભીના થઈ જવા પામ્યા હતા. જોકે સોરઠ પંથકમાં પણ આવા ઝાપટા પડતા ક્યાંકને ક્યાંક ખેડૂતો દ્વારા તૈયાર કરાયેલા મગફળી સહિતના પાકોને નુકસાન થયા હોવાનું સંભળાઈ રહ્યું છે, તો માંગરોળ બંદર ઉપર હવામાનના ડિપ્રેશનના કારણે ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

Loading...