ભગવાનને પણ ગુસ્સો આવે…

૨૦૨૦ના આ વર્ષમાં  બહુ મિત્રો સ્વજનો ખોયા ; કેટલાકને કોરોના ભરખી ગયો અને કેટલાકને કોરોનાનો ભય લઇ ગયો. પણ હમણાં જયારે એક ખૂબ અંગત મિત્ર ગુમાવ્યો ત્યારે સહનશક્તિનો અંત આવ્યો, અને  હ્રદયમાંથી એક ચિત્કાર ઉઠ્યો કે”  બસ, પ્રભુ બસ હવે..બહુ થયું ..આ તો હવે અન્યાય છે યાર..આમ તને મનફાવે એમ બેફામ રીતે;  તું આવો વિનાશ કઇ રીતે નોતરી શકે?”

ઇશ્વરને પૂછતા પૂછાઇ ગયેલા આ સવાલ પર મન એના સ્વભાવ પ્રમાણે માંડ્યું મંથન કરવા..અને અચાનક ભીતરથી એક આક્રોશ ભર્યો અવાજ સંભળાયો હોય એવો અણસાર થયો.

“ભાઇ આ જ વાતમેં તને કેટલાયે લાંબા કાળથી સમજાવવાનો સતત પ્રયત્ન કર્યો પણ તું સમજ્યો?..કેટલીવાર મેં તને એજ કહ્યું જે તું મને આજે કહી રહ્યો છે કે “બસ, બહું થયું..ક્યાં સુધી આમ બેફામ બનીને આવો વિનાશ નોતરતો રહીશ? ..આ તો અન્યાય છે યાર….” પણ યાર;  તું સમજ્યો નહીં.સમજવાની વાત તો દૂર તેં મારી અવગણના કરી ; સાવ સ્વછંદી રીતે મનમરજી મુજબ બેફામ વર્તવાનું શરૂ  કરી દીધું.

તું જ મને કહે કે ચાર દિવસ પહેલાં તારા બિલ્ડીંગના બાળકોએ ક્રિકેટ રમતાં રમતાં તારા ઘરનું એક ફ્લાવરપોટ સાવ ભૂલથી તોડી નાખ્યું ….તો તેં પેલા બિચારા બાળકને એક તમાચો માર્યો અને તારા તૂટી ગયેલા ફ્લાવરપોટના રોકડા પૈસા પણ  લીધા..અને તું ..તું મારા ઘરમાં ઉગેલાં વૃક્ષો નું નિકંદન કાઢતો જ જાય છે ત્યારે વિચાર કર મેં તને કેટકેટલી વાર રોકવાનો પ્રયત્ન કર્યો ! ;પણ નહીં, માને તો માણસ શેનો? તેં પેલા બાળકને માર્યો હતો એવો જ એક સણસણતો તમાચો મારે બહુ પહેલાં જ તને મારવો જોઇતો હતો. મેં ના પાડી છે છતાંયે પ્લાસ્ટીક વાપરી વાપરીને આ મારી દિકરી પ્રકૃતિને તેં ગૂંગળાવી દીધી , હવે એના તરફડિયાં મારે ક્યાં સુધી ચૂપચાપ જોયા કરવાના? …એના  સાવ શ્વાસ અટકી જાય એ પહેલાં તો; તને અટકાવો જ પડે ને?

એેક વાત યાદ રાખજે કે આ મારું ઘર છે..જેને તમે પૃથ્વીના નામે ઓળખો છો..અને મારા ઘરમાં જેટલો તું  છે એટલી જ મહત્વની મારા દરિયામાં તરતી પેલી માછલીઓ છે.મારા આકાશમાં ઉડતા પેલા પંખીઓનો તારાથી વધારે હક છે પેલા વૃક્ષો  પર જેને તું તારા બાપનો માલ સમજીને મનફાવે એમ કાપી રહ્યો  છે..ધુમાડા કરી કરીને મારા ચોખ્ખા ચટાક આકાશમાં ધાબા પાડી દીધા અને હવે રડવા અને બરાડવા બેઠો છે. તું એમ જ માનવા માંડ્યો છે કે આ પૃથ્વી તારા સસરાનુ ઘર છે પણ તારી ભૂલ છે એ.

તું મારો ભાડૂઆત છે..માત્ર ભાડૂઆત….અને હું એવો મકાનમાલિક છું જે પોતિકાં સમજી ભાડું વસૂલ નથી કરતો પણ ; કોઇની સારપને એની નબળાઇ સમજી લેવાની તમારી માણસોની આ આદત ક્યારે જશે?

તારી દાદાગીરીની હદ તો ત્યારે થઇ ગઇ કે મારા સૂવા,જાગવાનો સમય તું નક્કી કરે. તું કહે ત્યારે જ મને મળી શકાય..તું ધારે ત્યારે મારા ઘરને તાળું!!!??…એમ તે કંઇ ચાલતું હશે?.. તેં આધારકાર્ડ અને પાસપોર્ટથી પોતાની આોળખ તો પાકી કરી લીધી પણ મારી ઓળખનું શું?..મારા આટલા બધા જુદા જુદા નામ, ઓળખ,રૂપ  અને સરનામાં આપી આપી બીજાને તો શું મને પોતાને પણ મૂંઝવી નાખ્યો છે તેં” …અને તારી દાદાગીરીની હદ તો ત્યારે થઇ ગઇ કે હવે મારી રક્ષા કરવાનો  ઠેકો તું લઇને બેઠો છે.!!! તારી હૈસિયત તું કરી રીતે ભૂલી શકે??!!!

વાત એ હદે તેં પહોંચાડી દીધી કે ઈશ્વર ની ગરિમા નેવે મૂકી ;મારે તારા જેવા ભૂંડા થાવું પડ્યું….મને કઇ કક્ષાનો ગુસ્સો આવ્યો હશે કે અત્યારે મારી ભાષા પરથી મેં કાબૂ ગુમાવી દીધો….બાકી ઇશ્વર  કોઇ દિવસ”તારા બાપનો માલ અને તારા સસરાનું ઘર એવું બધું બોલે????..છી છી છી..તારે કારણે મારી ભાષા ભ્રષ્ટ થઇ ગઇ.

આની પહેલાં પણ ક્યાંક જુદા જુદા પ્રદેશોમાં વધુ વરસાદ પાડીને, ક્યાંક દુકાળ કે ભૂકંપ લાવીને તને ડરાવીને રોકવાનો પ્રયત્ન કર્યો પણ અસરગ્રસ્તોને ચાર જોડી જૂનાં કપડાં દાનમાં મોકલાવી તું પાછો એ નો એજ.

એકવાર તો ભગવાન થઇને પણ હું મૂંઝાઇ ગયો હતો કે તને રોકવો કઇ રીતે..???

તારા વર્તનના બધા હિસાબ કિતાબ ઉથલાવ્યા ત્યારે મને એક વાત સમજાઇ કે તમે માણસો માત્ર ભય હોય ત્યાં જ ભગવાનને યાદ કરીને સીધા રહો છો.

એટલે આ કોરોના નામનો ભય મેં નછૂટકે વહેતો મૂક્યો અને મને ધાર્યું પરિણામ મળ્યું.

માણસ ગભરાયો, ભયભીત થયો અને આખરે તારા એ ભયમાં તને ભગવાન દેખાયો…ભયમાં તો ભયમાં પણ હવે તને હું દેખાયો જ છું તો હવે સમજી જા…….માણસ છે..માણસ બનીને રહે..મોજથી રહે ..પણ એક વાત સમજી લે કે ભલે હું ભાડું લેતો નથી પણ તોયે ભાડૂઆત એ ભાડૂઆત હોય અને માલિક એ માલિક’..માલિકના મકાનને બગાડ્યા વગર મોજથી રહીશને તો માલિકને પણ ગમશે….

અને હા; આ કોરોના નામના ડરમાં મને જોવા કરતાં મારા પર થોડો  વિશ્વાસ રાખ…કારણકે ભગવાનનું સાચું સરનામું ભય નહીં ભરોસો છે…જ્યાં ભરોસો ત્યાં ભગવાન.’

આટલું કહી મારી અંદરથી આવતો અવાજ શાંત થયો, ….મને પણ હવે શાંતિ વર્તાવા લાગી…મારી બાલ્કનીમાં ઉગેલા એક લીલાછમ છોડના પાનને પંપાળીને મારાથી બોલાઇ ગયું…”આય એમ સોરી ભગવાન..”

પાંદડું મારી સામે મલક્યું હોય એવો આભાસ થયો…અને પછી ધીમે ધીમે બધું ખૂલવા માંડ્યું,ઉઘડવા માંડયું ..મારું મન પણ….સમજણ પણ.

Loading...